અલ-કાયદા અને તાલિબાનનું જોડાણ ભારત માટે મોટું જોખમ - At This Time

અલ-કાયદા અને તાલિબાનનું જોડાણ ભારત માટે મોટું જોખમ


નવી દિલ્હી, તા.૨અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અલ-કાયદાનો વડો અલ-ઝવાહિરી માર્યો ગયો છે. તેનાં મોતથી અલ-કાયદાના સમર્થકો અને સાથીઓને મોટો ફટકો પડયો છે. જોકે, તાલિબાનોએ લાદેન પછી મોસ્ટ-વોન્ટેડ આતંકીને કાબુલમાં આશ્રય આપ્યો હોવાની બાબત ભારત માટે ચિંતાજનક છે.અલ-કાયદાનો સ્થાપક ઓસામા બિન લાદેન ૨૦૧૧માં પાકિસ્તાનના અબોટાબાદમાં માર્યા ગયા પછી અલ-ઝવાહિરીએ આતંકી સંગઠનનું નેતૃત્વ કર્યું હતું અને તે પાકિસ્તાનમાંથી અફઘાનિસ્તાનમાં છુપાયો હતો. ભારતમાં સુરક્ષા ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે ઝવાહિરીના મોતથી ભારતમાં અલ-કાયદાના સમર્થકો અને આતંકીઓના મનોબળ પર અસર પડવાની શક્યતા છે. અલ-કાયદા ભારતમાં તેનું તંત્ર ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે અલ-કાયદાને સુરક્ષિત આશરો આપનાર તાલિબાન ભારતને નિશાન બનાવનારા જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબા જેવા પાકિસ્તાની આતંકી સંગઠનોને પણ આશરો આપી શકે છે.ભારતીય સુરક્ષા એજન્સીઓનું આકલન છે કે તાલિબાનમાં ઘૂસણખોરી વધી શકે છે, કારણ કે અલ-કાયદાનું ખૂબ જ નજીકનું હક્કાની નેટવર્ક અમેરિકન અધિકારીઓને ઝવાહિરી અંગે માહિતી આપવાનો બદલો લેવાનો પ્રયત્ન કરી શકે છે. ભારત માટે વધુ ચિંતાની બાબત એ છે કે અલ-કાયદાના આતંકીઓ ઈસ્લામિક સ્ટેટ અને તેના પ્રાદેશિક સંગઠન ઈસ્લામિક સ્ટેટ-ખોરાસનમાં જોડાઈ શકે છે. અલ-કાયદામાં હવે સૈફ અલ- આદેલ ઝવાહિરીનું સ્થાન લે તેવી શક્યતા છે. અલ-આદેલ કેન્યામાં ૧૯૯૮માં અમેરિકન દૂતાવાસ પર હુમલા સહિત અનેક હુમલાઓમાં સંડોવાયેલ છે.બીજીબાજુ અમેરિકન હુમલામાં ઝવારહિરીના મોત અંગે ચીને આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. ઝવાહિરીના મોત અંગે પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રી હુઆ ચુનયિંગે કહ્યું કે, તે દરેક પ્રકારના આતંકવાદ વિરુદ્ધ છે, પરંતુ સાથે જ આતંકવાદ વિરોધી અભિયાનો પર બેવડા માપદંડોનો પણ તે વિરોધ કરે છે. આવા અભિયાનો અન્ય દેશોની સંપ્રભુતાના ભોગે કરી શકાય નહીં. આ પ્રકારના અભિયાનોથી અન્ય દેશોની સંપ્રભુતા પર અસર પડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.