રાજકોટમાં બપોરથી ફરી મેઘરાજા મંડાયા, એકધારો વરસાદ - At This Time

રાજકોટમાં બપોરથી ફરી મેઘરાજા મંડાયા, એકધારો વરસાદ


માધાપર ચોકડી સહિતના રીંગ રોડ ઉપર ઠેર-ઠેર પાણી ભરાયા, ઓવરબ્રિજોની કામગીરીના કારણે વાહનચાલકોને ભારે હાલાકી
રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોમાં આજે બપોરે 12:30 વાગ્યાથી જ મેઘસવારી આવી પહોંચી છે અને બપોરે ત્રણ વાગ્યા બાદ પણ એકધારો વરસાદ ચાલુ રહેતા રાજકોટના નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા બપોરે 3 વાગ્યા સુધીમાં શહેરમાં ત્રણેય ઝોનમાં 20 મી.મી. વરસાદ નોંધાયો હતો. અને હજુ પણ વરસાદ ચાલુ હોવાથી સાંજસુધીમાં સારોએવો વરસાદ નોંધાવાની આશા છે. આ સાથે શહેરનો કુલ વરસાદ દસ ઇંચ થયો છે.
શહેરમાં છેલ્લા ચાર દિવસથી રોજ બપોરે બેથી અઢી વાગ્યા બાદ વરસાદનું આગમન થતું હતું પરંતુ આજે બપોરે 12:30 વાગ્યાથી મેઘસવારી આવી પહોંચી હતી.
આકાશમાં પણ એકરસ વાદળોની જમાવટ વચ્ચે મધ્યમધારે એકધારો વરસાદ વરસી રહ્યો છે.
આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં શહેરના સેન્ટ્રલઝોનમાં 20 મીમી, ઈસ્ટ ઝોનમાં 20 મીમી અને વેસ્ટ ઝોનમાં 19 મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે સેન્ટ્રલઝોનમાં મોસમનો કુલ વરસાદ 295 મીમી, ઈસ્ટઝોનમાં 196 મીમી અને વેસ્ટઝોનમાં 283 મીમી વરસાદ થયો છે.
આજે મધ્યમધારે અવિરત વરસાદ ચાલુ રહેતા શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર માધાપર ચોકડીએ ગોઠણડુબ પાણી ભરાયા હતા. આ ઉપરાંત રામાપીર ચોકડીએ, રૈયા ટેલીફોન એક્ષચેન્જ, બીગબજાર સર્કલ, મવડી ઓવરબ્રીજ ઉતરતા તેમજ ગોવર્ધન સર્કલ સહિતના સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. આ ઉપરાંત શહેરમાં માધાપર ચોકડી, ગોંડલ રોડ, કાલાવડ રોડ, ઉપર જડુસ ચોકડી, રીંગરોડ ઉપર નાનામવા સર્કલ, રામાપીર સર્કલ તેમજ સૌથી વધુ ટ્રાફિક વાળા કેકેવી સર્કલે ઓવરબ્રીજના કામ ચાલુ હોવાથી લોકોને ભારે હેરાનગતી થઈ રહી છે. અને સતત અકસ્માતોનો પણ ભય રહે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.