હોળીનું માંગવા માટે આવી છું તેવું કહી ગૃહિણીનો સોનાનો દોરો છીનવી લીધો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/opqwwm9jknudy6gw/" left="-10"]

હોળીનું માંગવા માટે આવી છું તેવું કહી ગૃહિણીનો સોનાનો દોરો છીનવી લીધો


ગાંધીનગર શહેરના સેક્ટર-૧૯માં

પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસી નજર ચૂકવીને હાથ સાફ કરી લીધો : સેક્ટર-૨૧ પોલીસ મથકમાં ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૧૯માં આવેલી ઘ ટાઈપ વસાહતમાં આજે બપોરના સમયે હોળીનું માગવા માટે આવેલી મહિલાઓએ પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસીને ગૃહિણીની નજર ચૂકવી ૭૫ હજાર રૃપિયાનો દોરો સેરવી લીધો હતો. જે સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે તપાસ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોર અને ગઠિયાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે હવે તહેવારોના નામે મકાનો આગળ પહોંચીને ગૃહિણીઓ પાસેથી રૃપિયા ઉઘરાવવાના બહાને કીમતી માલ સામાન ચોરી લેતી ટોળકી સક્રિય થઈ છે અને આવી જ એક ઘટના ગાંધીનગર શહેરના સેક્ટર ૧૯માં બનવા  પામ્યો છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે ઘ ટાઈપ વસાહતમાં રહેતા રાજશ્રીબેન પંકજકુમાર આહિર આજે બપોરના સમયે ઘરે એકલા હતા અને તેમનો પુત્ર અંદરના રૃમમાં વાંચી રહ્યો હતો તે દરમિયાન કેટલીક મહિલાઓ હોળી પર્વ નિમિત્તે માંગવા માટે તેમના ઘર પાસે પહોંચી હતી. જેથી રાજશ્રીબેન દ્વારા તેમને બક્ષિસ પણ આપવામાં આવી હતી. આ દરમિયાન આ મહિલાઓએ પાણી પીવું હોવાનું કહેતા તેમને ઘરમાં બોલાવીને પાણી આપવામાં આવ્યું હતું. જે દરમિયાન આ મહિલાઓ પૈકી એક મહિલા માતાજીની ભગત હોવાનું કહીને તેમના આશીર્વાદ લેવા માટે કહ્યું હતું જેથી રાજશ્રીબેન આશીર્વાદ લેવા ગયા તે દરમિયાન તેમની નજર ચૂકવીને તેમના ગળામાં પહેરેલો ૭૫ હજારની કિંમતમાં સોનાનો દોરો સેરવી લેવામાં આવ્યો હતો. આ મહિલાઓ નીકળી ગયા બાદ રાજશ્રીબેનને ગળામાં રહેલો દોરો ગાયબ હોવાનું જણાયું હતું. જેથી તુરંત જ તેમના પતિને જાણ કરી હતી અને ત્યારબાદ આ મહિલાઓની શોધખોળ કરી હતી પરંતુ તેમનો પત્તો નહીં લાગતા આ સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં મહિલાઓના ફોટા સાથે ફરિયાદ કરવામાં આવી છે.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]