સિમ્બા કોઈનમાં સુરત-બારડોલીના 80 થી વધુ રોકાણકારોના રૂ.2 કરોડથી વધુ ડૂબ્યા

સિમ્બા કોઈનમાં સુરત-બારડોલીના 80 થી વધુ રોકાણકારોના રૂ.2 કરોડથી વધુ ડૂબ્યા


- ફોરેક્સ ટ્રેડર યુ.કે.ના એલેક્સ જેમ્સને શરૂ કરેલી સિમ્બાકોઈન.લાઈવમાં વેબમાં આઈડી ધારક બે પ્રમોટરે કોઈન લોન્ચ કરી ચૂનો માર્યો - જેની સાથે મળીને લોકોને ચૂનો માર્યો તે દિલ્હીના યુવાનની અટકાયતસુરત, : ફોરેક્ષ ટ્રેડીંગનું કામ કરતા યુકેના એલેક્સ જેમ્સને શરૂ કરેલી સિમ્બાકોઈન.લાઈવ વેબસાઈટમાં આઈડી ધરાવતા કર્ણાટક અને મહારાષ્ટ્રના બે પ્રમોટરોએ દિલ્હીના યુવાન સાથે મળી બાદમાં સિમ્બા કોઈન લોન્ચ કરી હજારો લોકોને ચૂનો ચોપડતા સુરત-બારડોલીના 80 થી વધુ રોકાણકારોના રૂ.2 કરોડથી વધુ ડૂબ્યા છે. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી તેની એસઆઇટીએ દિલ્હીના યુવાનની અટકાયત કરી છે. આર્થિક ગુના નિવારણ શાખાના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના જહાંગીરપુરા કેનાલ રોડ વૈષ્ણવોદેવી હાઈટસ ઈ/1202 માં રહેતા અને માર્કેટીગનું કામ કરતા 41 વર્ષીય મેહુલ ગોરધનલાલ પટેલને જુલાઈ 2021 માં મિત્ર શિવકુમાર સિંધેએ ફોન કરી રેલવે સ્ટેશન વિસ્તારની આકાશ હોટલમાં મળવા બોલાવ્યો હતો. મેહુલ ત્યાં જતા શિવકુમારે ત્યાં તેની ઓળખાણ કર્ણાટકના સંગમેશ સંગન્ના હરલાપુર અને મહારાષ્ટ્રના શિર્ડીના શશીકાંત સુખદેવ અઢવ સાથે કરાવી હતી. બંનેએ ત્યાર બાદ ફોરેક્ષ ટ્રેડીંગનું કામ કરતા યુકેના એલેક્સ જેમ્સને શરૂ કરેલી સિમ્બાકોઈન.લાઈવ વેબસાઈટમાં આઈડી બનાવી તેમાં ડોલરમાં રોકાણ કરવાથી રોજ નફો મળશે તેમ જણાવ્યું હતું.તેમાં સંગમેશની પહેલી આઈડી હતી અને બીજી આઈડી સુખદેવની હતી. આથી બંનેએ તેમના હાથ નીચે આઈડી બનાવી મેહુલ પણ પોતાના હાથ નીચે આઈડી બનાવે તો તેમાં કમિશન મળશે તેમ પણ કહ્યું હતું.બંનેએ બાદમાં સ્ટેશન વિસ્તારની લોર્ડ પ્લાઝા હોટલમાં મિટિંગ કરી નવો કોઈન લોન્ચ કરી એક્સચેન્જ પણ ચાલુ કરવાના છે તેમ કહી મેહુલ પાસે રોકાણ કરાવી તેની આઈડી બનાવી બાદમાં રિટર્ન પણ આપ્યું હતું.આથી મેહુલે પોતાની આઈડી નીચે અન્યોની પણ આઈડી બનાવી રોકાણ કરાવ્યું હતું. ત્યાર બાદ કોઈન માટે ગોવામાં એક ઈવેન્ટ પણ થઈ હતી. જેમાં સુરત અને બારડોલીના 80 રોકાણકારો ગયા હતા. ત્યાં પણ કોઈનની વાત કરવામાં આવી હતી. મેહુલે પોતાની અને ટીમની જુદીજુદી આઈડી કુલ રૂ.2 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. બાદમાં બંનેએ ડોલરમાં જે કમિશન આપતા હતા તે બંધ કરી કોઈન લોન્ચ કરી શરૂઆતમાં તેમાં કમિશન જમા કર્યું હતું. પણ બાદમાં તેમાં પણ જમા કરવાનું બંધ કરી વેબસાઈટ બંધ કરી દીધી હતી.મેહુલે બંનેનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો તો તેમના ફોન પણ બંધ હતા.જયારે ફોન ચાલુ કરી વાત કરતા ત્યારે બંને તમારા પૈસા તમારી આઈડીમાં આવી જશે તેમ કહેતા હતા પણ તેમ થયું નહોતું.આથી મેહુલે તેમના વિરુદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં અરજી કરતા પોલીસે તપાસ કરતા કોઈનની વેબસાઈટ દિલ્હીના ન્યુ અશોકનગરમાં રહેતો અંકીત લક્ષ્મણસીંગ ચહર ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું.આથી આર્થિક ગુના નિવારણ શાખાએ આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ગતરાત્રે રૂ.2 કરોડથી વધુની ઠગાઇનો ગુનો ત્રણેય વિરુદ્ધ નોંધી દિલ્હીમાં હાજર આર્થિક ગુના નિવારણ શાખાની એસઆઈટીએ અંકીતની અટકાયત કરી હતી.સિમ્બાકોઈન.લાઈવ વેબસાઈટમાં આઈડી ધરાવતા કર્ણાટક અને મહારાષ્ટ્રના બંને પ્રમોટરોએ દિલ્હીના યુવાન સાથે મળી બાદમાં સિમ્બા કોઈન લોન્ચ કરી હજારો લોકોને ચૂનો ચોપડયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. વધુ તપાસ પીએસઆઈ સાગર પ્રધાન કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »