ચપ્પાના 20થી વધુ ઘા ઝીંકી યુવકની ઘાતકી હત્યાના કેસમાં આરોપીને જન્મટીપ

ચપ્પાના 20થી વધુ ઘા ઝીંકી યુવકની ઘાતકી હત્યાના કેસમાં આરોપીને જન્મટીપ


- ગેલેક્સી સિનેમા મર્ડર કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદોઅમદાવાદ,તા.13 ઓગષ્ટ 2022,શનિવારશહેરના નરોડા વિસ્તારમાં ગેલેક્સી સિનેમા પાસે અંગત અદાવતમાં જાહેરમાં યુવકને ચપ્પાના ૨૦થી વધુ ઘા ઝીંકી કમકમાટીભરી હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં અત્રેના પ્રિન્સીપાલ સેશન્સ જજ સુભદાબહેન બક્ષીએ આરોપી કલ્પેશ નટવરભાઇ પટણીને જન્મટીપની આકરી સજા ફટકારતો મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું કે, આરોપી ખૂબ જ ગંભીર પ્રકારના હત્યાના ગુનામાં દોષિત ઠરે છે. તેણે અત્યંત ઘાતકી રીતે ક્રૂરતાપૂર્વક નિર્દોષ યુવકની હત્યા કરી છે અને આવા ઝનૂની ઘાતકી માનસિકતા ધરાવતા આરોપીને સમાજમાં મુકત કરાય તો સામાન્ય નાગરિકોની સુરક્ષા અને સલામતી જોખમાય.ઝનૂની ઘાતકી માનસિકતા ધરાવતા આવા આરોપીને સમાજમાં મુકત છોડાય તો સામાન્ય નાગરિકોની સુરક્ષા અને સલામતી જોખમાય :  કોર્ટ ચકચારભર્યા આ મર્ડર કેસની વિગત એવી છે કે, આરોપી કલ્પેશ નટવરભાઇ પટણી(રહે.કિર્તીનગર સોસાયટી, કલાપીનગર રોડ, મેઘાણીનગર)એ તેની બહેન સાથે પ્રેમસબંધ રાખનાર હિતેશ પટણી નામના યુવકને આ અંગેની અદાવત રાખી ગત તા.૨૦-૨-૨૦૧૮ના રોજ નરોડા ગેલેક્સી સિનેમા પાસે સુરભી હોટલની સામે ચપ્પાના ૨૦થી વધુ ઘા ઝીંકી જાહેરમાં જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે અંગે મરનાર યુવકના પિતાએ સરદારનગર પોલીસમથકમાં આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપી કલ્પેશ પટણીને સખતમાં સખત સજા ફટકારવાની દલીલો કરતાં અધિક સરકારી વકીલ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, આરોપીએ નજીવા કારણસર અદાવત રાખી ૨૦ વર્ષના નિર્દોષ યુવકને ચપ્પાના ૨૦થી વધુ ઘા મારી ભારે ક્રૂરતાપૂર્વક જાહેરમાં રહેંસી નાંખ્યો છે. આરોપીની ઝનૂની અને ઘાતકી માનસિકતા સમાજ માટે જોખમી છે. હત્યાના આવા ગંભીર ગુનાને સહેજપણ હળવાશથી લઇ શકાય નહી. આ સંજોગોમાં કોર્ટે આરોપીને સખતમાં સખત સજા ફટકારવી જોઇએ કે જેથી સમાજમાં દાખલો બેસી શકે. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી કલ્પેશ પટણીને જન્મટીપની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો. યુવકના મોત બાદ આરોપીએ પગથી ધક્કો મારી ચપ્પુ પેટમાં ઘૂસાડયુઅધિક સરકારી વકીલ ભાવેશ પટેલે આરોપીની ક્રૂર માનસિકતા પરત્વે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, આરોપી કલ્પેશ પટણીએ ભોગ બનનાર હિતેશને છાતીથી લઇ પેટ સુધીના ભાગમાં ચપ્પાના ૨૦થી વધુ ઘા માર્યા હતા. હિતેશ ઘટનાસ્થળે જ લોહીના ખાબોચીયામાં ઢળી પડયો હતો અને મોતને ભેટયો હતો, તેમછતાં આરોપીએ તેના પેટમાં પગ વડે ધક્કો મારી ચપ્પુ ઘૂસાડયુ હતુ, તે પરથી આરોપીની ક્રૂર માનસિકતા છતી થાય છે. કોર્ટે આરોપીના આ ઘાતકી કૃત્યની પણ નોંધ લીધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »