નારી વંદન ઉત્સવ અન્વયે મહિલાલક્ષી સાફલ્યગાથાની શ્રેણી-2 - At This Time

નારી વંદન ઉત્સવ અન્વયે મહિલાલક્ષી સાફલ્યગાથાની શ્રેણી-2


માતા અને બાળકની કરે સારસંભાળ, સતત પ્રયત્નશીલ રાજ્ય સરકાર

બોટાદમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉમંગભેર ઉજવણી: સ્તનપાનના મહત્વ
વિશે મહિલાઓને જાગૃત કરવાનું અભિયાન એટલે વિશ્વ સ્તનપાન સપ્તાહ

બાળક માટે જન્મથી જ માતાનું દૂધ અમૃત સમાન, 6 માસ સુધી
સ્તનપાન માતા અને બાળક બંને માટે લાભદાયી

જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો પર અલગ અલગ પ્રવૃત્તિઓ
સાથે પર સ્તનપાન સપ્તાહની ઉજવણી

રાજ્ય સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દેશના ભાગ્ય નિર્માતા ગણાતા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય અને માતાઓનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવા શુભ આશય સાથે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે રીતે એક છોડના જતન માટે તેને નિયમિત સુર્ય પ્રકાશ અને પાણીની વિશેષ જરૂરિયાત રહે છે તે જ રીતે બાળક માટે જન્મથી જ માતાનું દૂધ અમૃત સમાન હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા બાળકને જન્મની સાથે જ માતાનું દૂધ મળી રહે તે માટે સવિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માતા અને બાળકની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને તેમને પોષણક્ષમ આહાર સાથે જરૂરી તમામ સવલતો મળી રહે તે માટે અનેકવિધ યોજનાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

બાળકના સ્વાસ્થ્ય અને પોષણના સ્તરમાં વધારો કરવા માટે રાજ્યના ICDS વિભાગ દ્વારા તારીખ 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી ‘સ્તનપાનને પ્રોત્સાહન: કેળવણી અને સહયોગ’ની થીમ સાથે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો પર અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લાની તમામ સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્રો પર આયોજિત વિવિધ ઉજવણીમાં સહભાગી થવા પ્રોગ્રામ ઓફિસર, આઈ.સી.ડી.એસ શાખાનો અનુરોધ છે.

સ્તનપાન શા માટે જરૂરી છે?

માતાના દૂધમાં એન્ટીબોડી હોય છે જે બાળકને વાયરસ અને બેક્ટીરિયા સામે લડવામાં મદદ કરે છે. સ્તનપાન કરવાથી બાળકમાં અસ્થમા અને એલર્જીનું જોખમ પણ ઓછુ રહે છે. બાળકોને છ મહિના સુધી સ્તનપાન કરાવવામાં આવે તો સંક્રમણ, શ્વાસને સંબંધિત બીમારીઓ અને ડાયેરિયાના લક્ષણો ઓછા જોવા મળે છે.

જન્મના એક કલાકની અંદર માત્ર 37.8 ટકા નવા જન્મેલા બાળકોને સ્તનપાન કરાવવામાં આવે છે અને છ માસ સુધી 65 ટકા બાળકોને ફક્ત સ્તનપાન આપવામાં આવે છે. નવજાત બાળકને જન્મના એક કલાકમાં માતાનું પહેલું ઘટ્ટ પીળું દૂધ અતિ આવશ્યક હોય છે જે નવજાત શિશુને રોગ પ્રતિકારક શક્તિ આપે છે. બાળકને છ માસ સુધી ફક્ત માતાનું ધાવણ જ આપવું જોઈએ. છ માસ પૂરા થતાં તરત જ સ્તનપાનની સાથે ઉપલબ્ધ પૌષ્ટિક નરમ અને પોચા ખોરાકની શરૂઆત કરવી જોઈએ.

WHO અનુસાર સ્તનપાન બાળકોની સાથે સાથે માતાઓ માટે પણ લાભદાયી છે. બાળકને સ્તનપાન કરાવવાથી માતાઓમાં સ્તન કેન્સર, ટાઈપ 2 ડાયાબિટીસ અને હ્રદય રોગનું જોખમ ઓછુ થઈ જાય છે. અનુમાન લગાવવામાં આવે છે, કે સ્તનપાન કરાવવાથી દર વર્ષે બ્રેસ્ટ કેન્સરના કારણે થતા 20,000 મૃત્યુને પણ રોકી શકાય છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.