ધંધુકા ધોલેરા તાલુકામાં કપાસના પોષણક્ષમ ભાવ નહીં મળવાથી ખેડૂતો મૂંઝવણમાં. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3cseljfxtcsx5got/" left="-10"]

ધંધુકા ધોલેરા તાલુકામાં કપાસના પોષણક્ષમ ભાવ નહીં મળવાથી ખેડૂતો મૂંઝવણમાં.


અમદાવાદ જિલ્લાના ધંધુકા ધોલેરા તાલુકામાં કપાસના પોષણક્ષમ ભાવ નહીં મળવાથી ખેડૂતો મૂંઝવણમાં.
ગત ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો અપાવવાની વાતો ખૂબ સંભળાયેલી,પણ ચૂંટણી પત્યા પછી કપાસના ભાવ વધવાના બદલે ઘટી ગયા છે ત્યારે પોષણક્ષમ ભાવ આપવા અને અપાવવાની વાતો કરનારાઓ હાલ સ્થાનિક વિસ્તારોમાં ક્યાંય દેખાતા નથી અને ઉત્પાદન ખર્ચની તુલનામાં કપાસના ભાવ ખૂબ ઓછા હોવાથી ધંધુકા ધોલેરા તાલુકા ના ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
કપાસના પોષણક્ષમ ભાવ મળી રહે તેવી વ્યવસ્થા કરવામા આવે તેવી ધંધુકા તથા ધોલેરા ભાલ વિસ્તારના ખેડૂતોની પ્રબળ માંગણી છે
ગત વર્ષે ખેડૂતોને કપાસના ભાવ સારા મળ્યા હતાં.સારા કપાસના મણ દીઠ ભાવ રૂ.૨૨૦૦થી ૨૫૦૦ સુધી અને સાવ નબળા માલના ભાવ રૂ.૧૬૦૦થી૧૬૫૦ સુધી ઉપજયા હતા આથી જગતના તાત ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ગત વર્ષે સારો ભાવ મળવાથી આ વર્ષે પણ પાકનો સારો જ ભાવ મળશે તેવી આશાઓ સાથે ખેડૂતો દ્વારા આ વરસે વધુ ખર્ચ કરીને વધુ વાવેતર કરવામાં આવ્યુ હતું. દરમિયાન કમ્મરતોડ મોંઘવારીને લઈને આ વર્ષે રાસાયણિક ખાતરો અને વધુ મોંઘા ભાવના જંતુનાશકોનો ઉપયોગ કરીને સારી ગુણવત્તાવાળા કપાસનું ઉત્પાદન કર્યા પછી આ વરસે કપાસના ભાવ ગત વર્ષની તુલનામાં ખૂબ ઓછા છે.ગયા વરસે સાવ નબળા કપાસના ભાવ મળેલા તેનાથી પણ ઓછા ભાવ આ વરસે સારા માલના હોવાથી ખેડૂત વર્ગ ચિંતાતુર બન્યો છે.ખેડ, ખાતર,જંતુનાશક દવાઓ અને મજૂરીના ભાવો આ વરસે વધુ પડતા રહ્યા જયારે કપાસના ભાવ ખૂબ નીચા જતાં ઉત્પાદન ખર્ચ જેટલું પણ વળતર ન મળે તેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું ખેડૂતો આક્રોશભેર જણાવી રહ્યા છે અને કપાસના પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]