અમદાવાદમાં ભડભડ સળગી ઉઠી BRTS બસ, ડ્રાઈવરની સૂચકતાથી પેસેન્જર્સનો બચાવ - At This Time

અમદાવાદમાં ભડભડ સળગી ઉઠી BRTS બસ, ડ્રાઈવરની સૂચકતાથી પેસેન્જર્સનો બચાવ


અમદાવાદમાં આજે વહેલી સવારે એક BRTS બસ એકાએક રીતે સળગી ગઈ હતી જો કે બસના ડ્રાઈવરે સમય રહેતા પોતાની સુજબુઝથી પેસેન્જર્સને નીચે ઉતારી દીધા હતા જેથી તમામ પેસેન્જર્સનો બચાવ થયો હતો. અમદાવાદ શહેરના મેમનગરમાં આવેલા BRTS બસ સ્ટેન્ડ પર આજે સવારે અચાનક જ બસના એન્જીનમાંથી ધુમાડો નીકળતાં જ બસ ડ્રાઈવરે બધા પેસેન્જર્સને બહાર જવા કહ્યું હતું અને BRTS બસ સ્ટેન્ડ પર ઉભેલા તમામ યાત્રીઓને પણ બસ સ્ટેન્ડથી દૂર જવા કહ્યું હતું.

જે BRTS બસમાં આગ લાગી હતી તે બસમાં લગભગ 25 જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા. આ ઘટનામાં કોઈપણ જાનહાની થઇ નથી અને આ બસ RTOથી મણિનગર તરફ જઈ રહી હતી. આ ઘટના આજે સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બસ મેમનગર BRTS પર પહોચી ત્યારે બસ અચાનક બંધ પડી ગઈ હતી અને બસના એન્જીનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ બસના ડ્રાઈવરે બસના તમામ દરવાજા ખોલી નાખ્યા હતા અને બધા પેસેન્જર્સને ઉતરી જવા કહ્યું હતું અને બધા લોકોને દૂર જવા કહ્યું હતું.

જો કે થોડીક ક્ષણોમાંજ બસમાં આગ લાગવાની શરુઆત થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે આ ઘટનાથી BRTS બસના માઈન્ટેન્સ પર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.