જમીનમાં પાકને પૂરતું ભેજ અને પોષણ મળે તે માટે મલ્ચિંગની પદ્ધતિ શ્રેષ્ઠ - At This Time

જમીનમાં પાકને પૂરતું ભેજ અને પોષણ મળે તે માટે મલ્ચિંગની પદ્ધતિ શ્રેષ્ઠ


પાકની ગુણવત્તાનો સરવાળો અને હાનિકારક તત્વોની બાદબાકી = મલ્ચિંગની પદ્ધતિ

જમીન પર આવરણ દ્વારા પાકને સુરક્ષિત કરતી રક્ષિત ખેતીથી થાય છે અનેક લાભો

આજે આધુનિક યુગમાં જીવનનને વધુ સરળ બનાવવા માનવી નવી-નવી ટેકનોલોજીનો સહારો લેતો થયો છે. લોકો કુદરતી કે બીજા સંકટોથી બચવા માટેનાં નાવિન્યસભર પ્રયોગોનાં સથવારે સતત પ્રગતિ કરી રહ્યાં છે. તેમાં પણ ખેતી એટલે સંપૂર્ણ કુદરત પર નિર્ભર બાબત. ખેતીમાં વરસાદ, પાણી અને હવામાન બધું જ કુદરતને આભારી છે. ગુજરાતના કુલ ખેતી ઉત્પાદનનાં આશરે ૭૫ ટકા જેટલાં ખેતી વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે, માટે જમીનમાં રહેલો ભેજ લાંબો સમય સુધી જળવાઈ રહે તે અતિ અગત્યનું છે.

કૃષિક્ષેત્રે જમીનમાં રહેલા ભેજને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે છોડ પાક કે ઝાડની આજુબાજુનાં વિસ્તારની જમીનને અમુક વસ્તુથી ઢાંકવાની પ્રક્રિયાને ‘મલ્ચિંગ’ કહેવાય છે. જમીન ઢાંકવા માટે વપરાતા આવા પદાર્થને ‘મલ્ચ’ કહેવાય છે.

આ મલ્ચ તરીકે વાપરવામાં આવતી વસ્તુઓમાં મગફળીના ફોતરાં, સુકાપાંદડા, શેરડીનાં છોતરાં, લાકડાંનો વહેર, કેળનાં પાન, પથ્થર વગેરેનો ઉપયોગ કરી શકાય છે, જેને ઓર્ગેનિક મલ્ચિંગ પણ કહેવામાં આવે છે. આજકાલની ખેતીમાં મલ્ચિંગનો વધુ ઉપયોગ થતો જોવા મળે છે. મલ્ચિંગ પડનો ઉપયોગ ભેજ ઉડી ન જાય તેના માટે આવરણ તરીકે કરવામાં આવે છે, તેથી જમીનમાંથી ભેજને ઉડી જતો અટકાવી શકાય છે, બાષ્પીભવન થતું અટકાવે છે જેનાં કારણે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.

 મલ્ચિંગથી થતા ફાયદાઓ
• ભેજનો સંગ્રહ
પાક પર આવરણ હોવાથી જમીનનું પાણી વાતાવરણનાં સીધા સંપર્કમાં આવતું નથી અને સૂર્યપ્રકાશ પણ સીધો જમીન ઉપર પડતો ન હોવાથી પાણી બાષ્પીભવન થઇને ઉડી જતું નથી. આ પ્રકારનો ઉપયોગી પ્રયોગ સુકા અને અર્ધસૂકા વિસ્તારમાં ખુબ જ અનિવાર્ય બની રહ્યો છે.

• જમીનમાં તાપમાનની જાળવણી
આવરણ જમીન ઉપર પાથરેલ હોવાથી સીધો સૂર્યપ્રકાશ જમીન ઉપર પડતો નથી ઉપરાંત રાત્રિ દરમિયાન પણ તાપમાન જાળવવામાં તે ખૂબ જ ઉપયોગી બની રહે છે. ઉનાળાની ગરમીથી અને શિયાળાની ઠંડીથી જમીનને થતી સીધી અસર આવરણ વડે બચાવી શકાય છે.

• જમીનને જંતુમુક્ત બનાવે
જમીનમાં રહીને જમીનને નુકસાન કરતાં વિષાણુ, બેક્ટેરીયા કે અન્ય હાનિકારક તત્વોને જમીનમાંથી દુર કરવા માટે એટલે કે જમીનને જંતુમુક્ત બનાવવા માટે અને જરૂરી તત્વોનો સૌરઉર્જા વડે નાશ થતો અટકાવવા માટે આ લાભકારક, સરળ, શ્રેષ્ઠ અને સુદ્રઢ પદ્ધતિ છે.

• જમીનનું ધોવાણ અટકાવે
ઘણી વખત સુકાં વિસ્તારોમાં જમીનની સપાટી સુકી હોવાથી પવનની વધારે ગતિથી જમીનનું ધોવાણ થાય છે. જમીનનું ઉપરનું આવરણ હવા સાથે ગતિ કરે છે અને આવરણ દુર થાય છે. તેવી જ રીતે વહેતા પાણીનાં કારણે પણ જમીન ઉપરનાં આવરણને અસર થાય છે. ત્યારે મલ્ચિંગને કારણે પવન અને પાણી દ્વારા થતું જમીનનું ધોવાણ અટકે છે.

• નિંદણમાં નિયંત્રણ
આવરણને કારણે પ્રકાશસંશ્લેષણ થતું અટકે છે જેથી જમીનમાં રહેલું નિંદણનું બીજ અંકુરણ પામતું નથી અને જે બીજ ઉગે છે તે પણ પુરતો પ્રકાશ ન મળવાને લીધે નાશ પામે છે.

• પાકની ગુણવત્તા સુધરે
જમીન ઉપર થતાં શાકભાજી જેવા પાકમાં ગુણવત્તા જળવાઇ છે અને ઉત્પાદન વધે છે, જમીન ઉપર પથરાયેલું આવરણ કોઈપણ શાકભાજી કે બીજા પાકોને સીધા જમીન સાથે સંપર્કમાં આવવા દેતાં નથી તેથી તેમાં સડો બેસતો નથી અને ઉત્પાદનમાં નોંધ પાત્ર વધારો જોવા મળે છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.