બોટાદના રતનવાવ ગામના કાકા-ભત્રીજા સાથે કપાસના દલાલે રૂ.75.95 લાખની છેતરપિંડી કર્યાની પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ - At This Time

બોટાદના રતનવાવ ગામના કાકા-ભત્રીજા સાથે કપાસના દલાલે રૂ.75.95 લાખની છેતરપિંડી કર્યાની પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ


બોટાદ તાલુકાના રતનવાવ ગામના ખેડૂત કાકા-ભત્રીજા સાથે ચકમપર ગામના કપાસના દલાલે કપાસની ખરીદી કરીને રૂપિયા 75 લાખ ન આપતા ખેડૂતે કપાસ દલાલ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે કપાસના દલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.બોટાદ જિલ્લાના રતનવાવ ગામે રહેતા ખેડૂત ડાહ્યાભાઈ રત્નાભાઈ શેટા જેઓ પોતાની જમીનમાં ખેતી કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. ડાહ્યાભાઈ શેટાની રતનવાવ ગામે તેમજ પાટણા ગામે જમીન આવેલી છે.ત્યારે ડાહ્યાભાઈ શેટાએ કપાસનું વાવેતર કરેલ તેમને સીઝનનો 2400 મણ કપાસની આવક થઈ હતી. તેમજ તેમના ભત્રીજા પ્રેમજી રાઘવભાઈ શેટાને 2046 મણ કપાસની નીપજ આવી હતી.આ બંને કાકા-ભત્રીજાએ ચકમપર ગામના અને કપાસની દલાલી કરતા લાલજી શામજીભાઈ ગઢાદરાને રૂપિયા 1505ના મણ લેખે પાંચ દિવસની ઉધારીમાં રૂ.75,95,230ના કપાસનું વેચાણ કર્યું હતું, પરંતુ સમય પૂરો થતાં ખેડૂત ડાહ્યાભાઈએ બંનેના કપાસના બાકી રહેલ રૂપિયાની કપાસના દલાલ પાસે ઉઘરાણી કરતા, કપાસના દલાલ લાલજીભાઈ ગઢાદરા ગલ્લા તલ્લાં કર્યા હતા.જેથી ખેડૂત ડાહ્યાભાઈએ બોટાદ રૂરલ પોલીસ મથકે કપાસના દલાલ લાલજી શામજીભાઈ ગઢાદરા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા રૂરલ પોલીસે કલમ 406, 420 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.