પડધરી- ટંકારા બેઠક ઉપર નેતાઓ કુલડીમાં ગોળ ભાંગવાનું ક્યારે બંધ કરશે? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yknsgwfhzt8dughq/" left="-10"]

પડધરી- ટંકારા બેઠક ઉપર નેતાઓ કુલડીમાં ગોળ ભાંગવાનું ક્યારે બંધ કરશે?


બન્ને મુખ્ય પક્ષના ઉમેદવારોને તકો મળી, બન્નેના કામોથી પ્રજા અસંતુષ્ટ : ખાલી ચૂંટણી ટાણે જ જોવા મળતા નેતાને હવે નારાજગી ભારે પડે તેવી સ્થિતિ
પડધરી- ટંકારા બેઠક ઉપર કુલડીમાં ગોળ ભાંગવાનું ક્યારે બંધ થશે? તેવો સવાલ પ્રજામાં ઉઠી રહ્યો છે. બન્ને મુખ્ય પક્ષના ઉમેદવારોને તકો મળી છે. બન્નેના કામોથી પ્રજા અસંતુષ્ટ છે. ખાલી ચૂંટણી ટાણે જ જોવા મળતા નેતાને હવે નારાજગી ભારે પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

પડધરી- ટંકારા બેઠક સત્તાવાર રીતે મોરબી જિલ્લામાં આવે છે. પણ ભૌગોલિક સ્થિતિએ અડધી રાજકોટ અને અડધી મોરબી જિલ્લામાં આવે છે. આ બેઠક ઉપર વર્ષો સુધી હાલના સાંસદ મોહનભાઇ કુંડારિયા ધારાસભ્ય તરીકે રહ્યા હતા. તેઓએ ઘણા કામ કર્યા સામે પ્રજાને તેમના કામ પ્રત્યે સંતોષ રહેતા તેઓ સતામાં રિપીટ પણ થતા રહ્યા. બાદમાં તેઓની લોકસભામાં એન્ટ્રી થતા આ બેઠકનું ગણિત વિખાવા લાગ્યું છે.

ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ બેઠક ઉપર ભાજપના બાવનજીભાઈ મેતલિયાને પ્રજાએ તક આપી હતી. ત્યારબાદ પ્રજાએ કોંગ્રેસના લલિતભાઈ કગથરાને તક આપી હતી. જો કે બન્ને મુખ્ય પક્ષના આ નેતાઓના કામ પ્રત્યે પ્રજાને સંતોષ થયો નથી. છેલ્લા થોડા વર્ષોથી નેતાઓ માત્ર કુલડીમાં ગોળ ભાંગવાનું જ કામ કરી રહ્યા છે. ચૂંટણી ટાણે મત માંગવા આવે છે. ત્યાર બાદ તેઓ પોતાના વિસ્તારમાં દેખાતા જ ન હોય તેવી પ્રજામાં ફરિયાદો ઉઠી છે.

જે નેતાઓ મને એક તક આપો તેમ કહેતા હતા તેને ટંકારા અને પડધરીની પ્રજાએ તક આપી પણ તેઓ પ્રજાના વિશ્વાસમાં ખરા ઉતરવામાં અસમર્થ રહ્યા હોય તેઓ ઘાટ સર્જાયો છે. માટે જ આ વખતે પ્રજામાં કોને મત આપવો તેવો અસમંજસ સર્જાયો છે અને મતદાન પ્રત્યે નિરુત્સાહ જોવા મળી રહ્યો છે.

પડધરીને સ્થાનિક નેતાગીરી ક્યારે મળશે ?

પડધરી તાલુકો વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ મોટો છે. પડધરી સેન્ટર રાજકોટ- જામનગર હાઇવે ઉપર આવેલું હોય પોતાના જોરે વિકસિત થયો છે. સામે રાજકીય રીતે તાલુકાને અન્યાય થતો આવ્યો છે. પડધરીને સ્થાનિક નેતાગીરી આપવામા પક્ષોએ હંમેશા નનૈયો ભણ્યો છે. આયાતી ઉમેદવારોના સહારે તાલુકાનો વિકાસ આગળ કેવી રીતે ધપશે તે પ્રશ્ન પણ પ્રજામાં ઉઠી રહ્યો છે.

નર્મદાના પાણી છેક કચ્છ સુધી પહોંચ્યા, પણ એકેય ધારાસભ્ય આ પાણી પડધરીને ન અપાવી શક્યા

આજે નર્મદાના નીર છેક કચ્છ સુધી પહોંચી ગયા છે. પણ કમનસીબે નેતાઓની અવગણનાને કારણે હજુ સુધી નર્મદાના આ નીર પડધરી સેન્ટરને મળ્યા નથી. પાઇપલાઇન પડધરીમાંથી જ પસાર થઈ રહી છે. છતાં આ પાણી ન આપીને પડધરી સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય અત્યારે ચૂંટણી ટાણે મોટા મોટા ડીંગા હાંકે છે પણ તેઓએ પડધરીની પ્રજાને જીવન જરૂરિયાતની પ્રથમ એવી વસ્તુ શુદ્ધ પાણી પણ અપાવી શક્યા નથી. હાલ આખા પડધરીમાં દૂષિત પાણી વિતરણ કરીને પાણી વેંચતા ખાનગી ધંધાર્થીઓને ખટાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.

રાજકીય પક્ષો દ્વારા અન્ય જ્ઞાતિઓની સતત અવગણના

ટંકારા પડધરી બેઠકમાં રાજકીય પક્ષો દ્વારા મુખ્ય એવી બેથી ત્રણ જ્ઞાતિઓને જ ધ્યાનમાં રાખીને ચૂંટણી સમીકરણો રચવામાં આવે છે. અત્યાર સુધી અન્ય જ્ઞાતિઓને ધ્યાનમાં લેવામાં આવી નથી. આ મુદ્દે પણ અન્ય જ્ઞાતિઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે હવેની ચૂંટણીમાં અન્ય જ્ઞાતિઓની અવગણના પક્ષોને ભારે પડી શકે છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]