જામનગર જિલ્લાના જામજોધપુરમાં ધોધમાર બે ઇંચ વરસાદ: જામનગર શહેરમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો - At This Time

જામનગર જિલ્લાના જામજોધપુરમાં ધોધમાર બે ઇંચ વરસાદ: જામનગર શહેરમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો


 જામનગર તા.09 ઓગષ્ટ 2022,મંગળવાર જામનગર શહેર અને જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ બંધાયો છે, ત્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામજોધપુરમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો મળ્યા છે. જ્યારે જામનગર શહેરમાં પણ ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન છુટા છવાયા વરસાદી ઝાપટા પછી આજે સવાર સુધીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. લાલપુરના ગ્રામ્ય પંથકમાં પણ દોઢ ઇંચ વરસાદ પડી ગયા ના અહેવાલો મળી રહ્યા છે. જામનગર શહેરમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન ધૂપ છાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી, અને બપોરે આકરા તાપ પછી મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો, અને છુટા છવાયા વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા. ત્યારબાદ આજે પણ વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જોકે પાછળથી ઉઘાડ નીકળી ગયો હતો, અને જામનગર શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અડધો ઇંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. જામનગર જિલ્લાના જામજોધપુરમાં મેઘરાજાએ ફરીથી હેત વરસાવ્યું હતું, અને ધોધમાર બે ઇંચ વરસાદ પડી ગયો છે. જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર જામજોધપુરમાં ૪૫ મી.મી. વરસાદ નોંધાયો છે. જોકે આજે સવારે ૮.૦૦ વાગ્યાથી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીમાં જામનગર શહેર સિવાય અન્યત્ર વરસાદ નોંધાયો નથી. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં ૩૦ મી.મી. વરસાદ નોંધાયો છે. ઉપરાંત જામજોધપુર તાલુકાના પરડવામાં ૨૨ મી.મી., જામવાડી માં ૨૦ મી.મી. વાંસજાળીયામાં ૨૩ મી.મી., શેઠ વડાળામાં ૨૫મી.મી. પરડવામાં ૨૨ મી.મી., અને ધ્રાફામાં ૧૫ મી.મી. વરસાદ નોંધાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.