બોટાદમાં મહિલાઓના પરિવારને આત્મનિર્ભર બનાવી રહ્યા છે સખી મંડળો અને સ્વ સહાય જુથો - At This Time

બોટાદમાં મહિલાઓના પરિવારને આત્મનિર્ભર બનાવી રહ્યા છે સખી મંડળો અને સ્વ સહાય જુથો


મંડળની બહેનોએ વ્યવસાય કરવા માટે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી હાથ લાંબો કરવો પડતો નથી: નરગીસબેન ચૌહાણ, લાભાર્થી

રાજ્ય સરકારશ્રી તરફથી મળતી ચાવીરૂપ સહાયનાં સથવારે મહિલાઓ માટે ખુલ્યા છે આત્મનિર્ભરતાના દ્વાર

રાજ્યને પ્રગતિશીલ બનાવવા માટે મહિલાઓનો સર્વાંગી વિકાસ ખુબ જ જરૂરી છે, અને આ માટે ગુજરાત સરકારશ્રી હંમેશા અગ્રેસર રહી છે. મહિલાઓ, કિશોરીઓ, યુવતીઓ સશક્ત બને તે માટે અનેક યોજનાઓ અને કાર્યક્રમો અમલી છે. ત્યારે આજે આપણે બોટાદ જિલ્લાના એક એવા લાભાર્થીને મળશું કે જેઓ સરકારશ્રી તરફથી મળેલી સહાયથી પગભર બન્યા છે સાથોસાથ અન્ય સખી મંડળ અને સ્વ સહાય જુથોની બહેનોને પણ આર્થિક સ્વતંત્ર બનાવી રહ્યાં છે.
બોટાદ જિલ્લાના રાણપુરના વતની નરગીસબેન ચૌહાણ છેલ્લા ઘણાં વર્ષોથી સખી મંડળ ચલાવી રહ્યા છે. તેમના સખી મંડળમાં અનેક બહેનો વિવિધ વસ્તુઓ જેમ કે, સીલાઈકામ, કાપડની દુકાન, બ્યુટીપાર્લર, ડેરી, કરિયાણાની દુકાન જેવા નાના-મોટા વ્યવસાય કરીને આર્થિક પગભર બની છે. નરગીસબેનની ઉર્જાને નાણાંકીય સહાય પ્રદાન કરીને સરકારશ્રીએ પ્રેરક બળ પુરૂં પાડ્યું છે. નરગીસબેનને સરકારશ્રી તરફથી સહાય પેટે રૂ. 7 લાખની લોન મળી છે. તેમના કહેવા મુજબ, આ રકમથી સખી મંડળો અને સ્વ સહાય જુથોને વ્યવસાય કરવા માટે નવું જોમ મળશે.
નરગીસબેન સરકારશ્રીનો આભાર માનતા જણાવે છે કે, સરકારશ્રી તરફથી અમારા સખી મંડળને મળેલી સહાય આર્થિક ઉપાર્જન માટે ખુબ જ ઉપયોગી નીવડી રહેશે. મંડળની બહેનો પોતાના વ્યવસાયને આગળ વધારી શકે છે અને આર્થિક પગભર બની શકે છે. આજે બહેનો પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી થઈ છે તેથી સામાજિક સ્તર પણ મજબૂત બન્યું છે. મંડળની બહેનોએ વ્યવસાય કરવા માટે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી હાથ લાંબો કરવો પડતો નથી. બહેનો પણ સરકારશ્રી તરફથી મળતી આર્થિક સહાયનો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે અને પોતાની કલા-કૃતિ અને અન્ય વ્યવસાય વિકસાવી રહી છે.
રાજ્યભરમાં હજારોની સંખ્યામાં કાર્યરત સખી મંડળો અને સ્વ સહાય જુથો થકી નરગીસબેન જેવી અનેક મહિલાઓ પગભર થઈ રહી છે. રાજ્ય સરકારશ્રી તરફથી મળતી ચાવીરૂપ સહાયથી મહિલાઓ આત્મનિર્ભરતાનાં નવા-નવા દ્વાર ખોલી રહી છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.