પ્રકાશ સત્ય ધર્મ અને વિજય નો ઉત્સવ એટલે દીપાવલી - At This Time

પ્રકાશ સત્ય ધર્મ અને વિજય નો ઉત્સવ એટલે દીપાવલી


દિવાળીનો તહેવાર "પ્રકાશનો પર્વ"

દિવાળીનો તહેવાર "પ્રકાશના પર્વ" તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, "મનના પ્રકાશની જાગૃતિ".સ્થૂળ શરીર અનને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે(તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે), વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે. આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ (ઉચ્ચ જ્ઞાન) આવે છે. આનાથી આનંદ (આંતરિક ઉલ્લાસ અથવા શાંતિ) આવે છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે.

દિપાવલી નો અથૅ

દિપાવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (સંસ્કૃત દિપ= દીવડો અને આવલી= હારમાળા, હાર). ઘણી આધુનિક ભાષાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને દિવાળીના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. વિવિધ સમુદાયો દિવસોની સંખ્યાને અલગ પાડવા માટે કિધાની ઉજવણી કરે છે.ભારત અને નેપાળમાં મુખ્ય દિવસો સરખા હોવા છતાં અને એક સાથે જ આવતા હોવા છતાં તેઓ અલગ-અલગ ગ્રેગેરિયન મહિનાઓમાં આવે છે, જેનો આધાર જે-તે વિસ્તારમાં પ્રચલિત હિન્દુ પંચાંગની આવૃત્તિ પર રહેલો છે.

દિવાળીનું પૌરાણીક મહત્વ

લક્ષ્મી દિવાળીના દિવસે પ્રગટ થયા હતા
કારતક મહિનામાં અમાસના દિવસે ક્ષીર સાગર માંથી દેવી લક્ષ્મીજી પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આથી લોકો આ દિવસે ઘરોને શણગારે છે અને માતા લક્ષ્મીનું સ્વાગત અને પૂજન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લક્ષ્મી-વિષ્ણુનાં લગ્ન પણ દિવાળીની રાતે થયાં હતા.
શ્રીરામના પરત આવતાં દીવા પ્રગટાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રામાયણ સાથે સંકળાયેલા કથાઓ અનુસાર, ત્રેતાયુગમાં કારતક મહિનાના અમાસના દિવસે ભગવાન શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણ સાથે 14 વર્ષના વનવાસ ગાળ્યા બાદ અયોધ્યા પાછા ફર્યા હતા. અયોધ્યાવાસીઓએ તેમના સ્વાગત માટે દીપ પ્રગટાવી મીઠાઇનું વિતરણ કર્યુ હતું. શ્રીરામના પરત આવવાનાં પ્રસંગે દર વર્ષે દીવડાઓ પ્રગટાવી અને મીઠાઇ વહેંચીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

દિવાળી ભારતના લોકોનો એક લોકપ્રિય તહેવાર છે. દિવાળીએ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે.

દિવાળી ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનામાં આવે છે. આસો મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ આસો મહિનાની અમાસના દિવસને દિવાળીના દિવસ તરીકે ઊજવવામાં આવે છે. દર વર્ષે ઑક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં દિવાળીનો તહેવાર આવે છે.
વિક્રમ સંવતનો છેલ્લો દિવસ એટલે આસો વદ અમાસ અને એના બીજા દિવસ થી વિક્રમ સંવતનું નવું વર્ષ શરુ થાય છે. તેથી નવા વર્ષની ઉજવણી આનંદ અને ઉલ્લાસથી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમ થી ઊજવવામાં આવે છે.

દર વર્ષે આસો મહિનાની શરૂઆતથી જ દિવાળીની તૈયારીઓ શરુ થઇ જાય છે. લોકો ઘરની સાફસફાઈ કરે છે. લોકો ઘરની દીવાલો અને બારીબારણાં પર રંગરોગાન કરાવે છે. લોકો દિવાળી માટે નવા કપડાં, ફટાકડા, સુશોભનની વસ્તુઓ, નાસ્તા અને મીઠાઈઓ વગેરે જેવી વસ્તુઓની ખરીદી કરે છે.

ઘણા લોકો જાતજાતના નાસ્તા અને અલગ અલગ મીઠાઈઓ ઘરે પણ બનાવે છે. લોકો દિવાળીની ખરીદી કરવા માટે બજારમાં ઊમટી પડે છે. દિવાળીના દિવસોમાં બજારમાં લોકોની ભીડ જામ થઇ જાય છે. દિવાળીના દિવસોમાં લોકો મકાનો અને દુકાનો પર વીજળીના તોરણોથી રોશની કરે છે.

લેખન
પ્રોફેસર ડો સચિન જે પીઠડીયા
G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ

રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.