ડભોઈ નગરપાલિકાનો અંધેર વહિવટ જીવલેણ બની શકે છે ગટરનાં ખુલ્લા ઢાંકણા અને પાણીની લાઈન માટે ખોદેલા ખાડા નાગરિકો માટે જોખમી - At This Time

ડભોઈ નગરપાલિકાનો અંધેર વહિવટ જીવલેણ બની શકે છે ગટરનાં ખુલ્લા ઢાંકણા અને પાણીની લાઈન માટે ખોદેલા ખાડા નાગરિકો માટે જોખમી


રિપોર્ટ:- નિમેષ‌ સોની, ડભોઈ

ડભોઈ નગર પાલિકાનો વહિવટનો નમૂનો સમગ્ર રાજ્યમાં કાયમ માટે ચર્ચામાં રહયો છે. કયારેક આ પોલંપોલ વહિવટ નાગરિકો માટે જોખમી બનતો હોય છે. જેમાં આજરોજ નગરની વડોદરી ભાગોળ પાસે મુખ્ય માર્ગ ઉપર પાણીની પાઈપલાઈન માટે છેલ્લાં ઘણાં સમયથી એક મોટો ખાડો ખોદેલો હતો. આ માર્ગ ઉપરથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નગર પાલિકાનાં કર્મચારીઓ પણ અવરજવર કરતાં હોય છે. પણ તેમણે કોઈએ આ જોખમી ખાડા બાબતે ત્વરિત કામગીરી થાય તે માટે કોઈ રસ દાખવ્યો ન હતો. તેવામાં આજરોજ શાળા શરૂ થવાના સમયે આ માર્ગ ઉપરથી પસાર થતી એક વિદ્યાર્થીની પોતાની એકટીવા સાથે આ ખાડામાં ખાબકી હતી. જેના કારણે આ વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થતા દવાખાને પહોંચી સારવાર લેવાનો વારો આવ્યો હતો. પરંતુ સદનસીબે આ વિદ્યાર્થીનીનો જીવ બચી જવા પામ્યો હતો. આમ ડભોઇ નગરમાં તંત્ર દ્વારા આડેધડ ખોદાયેલા ખાડાઓ અને જર્જરિત ઢાંકણા વાળી ગટરની ચેમ્બરો નાગરિકો માટે ક્યારેક જીવલેણ સાબિત થશે. જો વહીવટી તંત્ર નાગરિકોની સુવિધા માટે પૂરતું ધ્યાન નહીં આપે તો આવી ઘટનાઓના કારણે કોઈ નાગરિકનો જીવ જોખમમાં મુકાય તો નવાઈ નહીં. જેથી આ ગંભીર બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓએ પૂરતું ધ્યાન આપવું જોઈએ તેવી પ્રચંડ લોકોમાંગ ઉભી થવા પામી છે.
ડભોઈ નગરનાં તાઈવાગામાં ગટરની ચેમબરનું જર્જરિત ઢાંકણ અંદર જતું રહેલ હતું. જેના કારણે આજરોજ ડભોઇ નગરપાલિકાનું વેક્યુમ પ્રેસર આ વિસ્તારમાં કામગીરી અર્થે પહોચ્યું ત્યારે આ ગટરના ખાડામાં વેક્યુમ પ્રેસરે જ ગબડવાનો વારો આવ્યો હતો. આ વેક્યુમ પ્રેસરને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યું હતું. આમ, આજે બનેલી આ બંને ઘટનાઓએ વહિવટી તંત્રની પોલ ખોલી હતી અને ગેર વહીવટની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. આ જોખમી ઢાંકણા વાળી ગટરની ચેમ્બરમાં કામગીરી અર્થે જતા વાહને તેમાં ખાબકવાનો વારો આવ્યો હતો. જેથી નાગરિકો માટે હાસ્યદસ્પદ માહોલ સર્જાયો હતો અને તંત્રની ટીકાઓ થવા લાગી હતી તેમજ " હાથનાં કર્યા હૈયે વાગ્યા "નો ઘાટ સર્જાયો હતો.
આમ આજે બનેલી આ બંને ઘટનાઓ નગરમાં ચર્ચાનાં ચકડોળેચડી હતી અને ચારે તરફ વહીવટી તંત્રની ટીકાઓ થવા લાગી હતી. આ બનેલી ઘટનાઓમાંથી બોધ પાઠ લઈ નગરપાલિકાનું વહીવટી તંત્ર સચોટ કામગીરી કરે તેવી હાલના સમયની પ્રબળ માગ છે. ક્યારેક નાની સરખી બેદરકારી નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે જેથી તંત્ર એ આ બાબતે સવેળા કામગીરી આરંભવી જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.