ગોડલાધારના પરબતને ઘરેથી વાડીએ લઇ જઇ પાંચ શખ્સોએ માર મારીગરમ કોશથી બેઠક પર ડામ દીધા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/o4qm6khpojbfodly/" left="-10"]

ગોડલાધારના પરબતને ઘરેથી વાડીએ લઇ જઇ પાંચ શખ્સોએ માર મારીગરમ કોશથી બેઠક પર ડામ દીધા


તારે મારી ઘરવાળી સાથે આડાસંબંધ છે, મારી વાડીએ આવ બેસીને ચોખવટ કરવી છે...કહી ભૂપત લઇ ગયો'તો : બપોરથી સાંજ સુધી સીતમ ગુજારી પાછો મુકી જવાયો : સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયોઃ ભૂપત માણકોલીયા, રવિ, કિશન, યોગેશ અને રસિકે ડીશના વાયર, ઢોર બાંધવાની સાંકળ અને લાકડીથી ફટકાર્યોઃ જસદણ પોલીસે ગુનો નોંધ્યો. જસદણના ગોડલાધાર ગામે રહેતાં યુવાનને ગઇકાલે તેના ઘરેથી તારુ કામ છે તેમ કહી કારમાં બેસાડી પાંચ શખ્સોએ ગામની સીમમાં આવેલી વાડીએ લઇ જઇ ધોકાથી બેફામ મારકુટ કરી તેમજ ધગધગતી કોશથી પગ અને બેઠક પર ડામ આપી સિતમ ગુજારી બાદમાં સાંજે પરત ઘરે મુકી જવામાં આવતાં આ યુવાન જસદણ સારવાર લઇ રાજકોટની હોસ્પિટલમાં દાખલ થયો છે. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે આ યુવાનને ગામના એક શખ્સની ઘરવાળી સાથે આડાસંબંધ છે તેવી શંકા પરથી એ પરિણીતાનો પતિ સહિતનાએ વાડીએ ચોખવટ કરવી છે તેમ કહી વાત કરવાના બહાને લઇ જઇ સિતમ ગુજાર્યો હતો.

જાણવા મળ્યા મુજબ જસદણના ગોંડલાધારમાં રહેતાં પરબતભાઇ ભીમાભાઇ માણકોલીયા (ઉ.વ.૪૦) નામના યુવાનને ગત રાતે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તબિબની પુછતાછમાં તેણે કહ્યું હતું કે પોતાને ઘરેથી બપોરે બે વાગ્યે કારમાં બેસાડી ભુપતની વાડીએ લઇ જઇ ભુપત, કિશન, યોગેશ સહિતે ધોકાથી માર મારી ગરમ કોશથી ડામ દીધા છે. તબિબે તુરત પોલીસને જાણ કરતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને તૌફિકભાઇ જુણાચે જસદણ પોલીસને એન્ટ્રી નોંધાવી હતી. જસદણ પોલીસ સમક્ષ હોસ્પિટલના બિછાનેથી પરબતભાઇએ જણાવ્યું હતું કે હું કુવાના દાર બનાવવાની મજૂરી કરવા સાથે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવુ છું. હું બે ભાઇ અને ચાર બહેનમાં નાનો છુ અને સંતાનમાં એક પુત્રી તથા બે પુત્ર છે. મારા પત્નિનું નામ પંખુબેન છે. હું મંગળવારે બપોરે બે વાગ્યે ઘરે હતો ત્યારે ભુપત, તેના પરિવારના સભ્યો સાથે આવ્યો હતો અને અને મને કહ્યું હતું કે તારે મારી પત્નિ સાથે આડાસંબંધ છે. જેથી મેં કહેલું કે મારે એવું કઇ નથી. આથી ભુપતે જો એવુ ન હોય તો તેની ચોખવટ કરવાની વાત કરવા તારે મારી વાડીએ આવવું પડશે. આથી હું તેની કારમાં બેસી ગયો હતો. બાદમાં મને ભૂપતની વાડીએ લઇ જવાયો હતો.

વાડીએ અગાઉથી જ કિશન, મુકેશ, યોગેશ, રસિક સહિતના પણ હતાં. મારી સાથે આ લોકોએ આડાસંબંધ બાબતે વાતચીત કરી ગાળો દઇ બાદમાં બોલાચાલી કરી હતી. એ પછી મને ઢોર બાંધવાની સાંકળથી પગ અને વાંસામાં માર માર્યો હતો. તેમજ લાકડીથી પણ મારકુટ કરી હતી. આ ઉપરાંત મને ગરમ કોશથી સાથળની પાછળ બેઠકના ભાગે ડામ દેતાં હું દાઝી ગયો હતો. ત્યારબાદ મને છોડી મુકતાં હું ઘરે આવ્યો હતો અને મારા પત્નિ, કાકા સહિતને જાણ કરતાં મને જસદણ હોસ્પિટલે અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરબતભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારે ભૂપતની પત્નિ સાથે બોલવા ચાલવાના સારા સંબંધ છે. જેથી ભૂપત અને તેના પરિવારને મારા પર શંકા જતાં આ શંકાની ચોખવટ કરવાના નામે વાડીએ બોલાવી ડીશના વાયર, લાકડી, સાકળથી માર મારી કોશથી ડામ પણ દીધો હતો. એએસઆઇ જે. ડી. મજીઠીયાએ પરબત માણકોલીયાની ફરિયાદ પરથી ભૂપત કરમશીભાઇ માણકોલીયા, રવિ મુકેશભાઇ માણકોલીયા, કિશન મુળજીભાઇ માણકોલીયા, યોગેશ જીવાભાઇ માણકોલીયા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહિ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]