બોટાદની મહિલાઓને “અભય રહો”નું વરદાન આપતી ૧૮૧ અભયમ હેલ્પલાઇન: મહિલાઓ માટે ૧૮૧ અભયમ હેલ્પલાઈન સાચી સખી-સહેલીની જેમ વિશ્વાસુ બની - At This Time

બોટાદની મહિલાઓને “અભય રહો”નું વરદાન આપતી ૧૮૧ અભયમ હેલ્પલાઇન: મહિલાઓ માટે ૧૮૧ અભયમ હેલ્પલાઈન સાચી સખી-સહેલીની જેમ વિશ્વાસુ બની


બોટાદની મહિલાઓને “અભય રહો”નું વરદાન આપતી ૧૮૧ અભયમ હેલ્પલાઇન: મહિલાઓ માટે ૧૮૧ અભયમ હેલ્પલાઈન સાચી સખી-સહેલીની જેમ વિશ્વાસુ બની

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: બોટાદ જિલ્લામાં “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા”ને સફળતાપૂર્વક ૮ વર્ષ પૂર્ણ

૮ માર્ચ,૨૦૧૫ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્યવ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી હતી

૮ વર્ષની સફળ કામગીરી દરમિયાન બોટાદ જિલ્લામાં ૧૩,૩૪૭ મહિલાઓ અભયમ સેવાઓની મદદથી લાભાન્વિત થઈ

ગુજરાતની મહિલાઓને અભય બનાવવા રાજ્ય સરકારશ્રીએ વર્ષ ૨૦૧૪માં પાઇલોટ પ્રોજેક્ટ બાદ વર્ષ ૨૦૧૫માં ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજવ્યાપી શરૂ કરેલા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પ્રોજેક્ટને સફળતાપૂર્વક ૮ વર્ષ પૂર્ણ થયા છે. રાજ્ય સરકારશ્રી દ્વારા મહિલાઓની નિરંતર પ્રગતિ માટે અનેક યોજનાઓ કાર્યરત છે. ત્યારે અભયમ હેલ્પલાઈન મહિલાઓ માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે.
૮ વર્ષની સફળ કામગીરી દરમિયાન ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા દ્વારા બોટાદ જિલ્લામાં ૧૩,૩૪૭ જેટલી મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ-સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પૂરી પાડી છે તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટનાસ્થળ પર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ જઇને 3,360 જેટલી મહિલાઓને મદદ કરી છે. વર્ષ ૨૦૨૨માં બોટાદ ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા ૪૨૮ પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોંચાડવામાં આવી હતી, જેમાંથી ૨૩૬ જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવી ચુક્યું છે. અન્ય ૧૭૯ કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર સહિતની મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જઈ આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા

• મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી મહિલાને તાત્કાલિક સહાય આપવી.
• ટેકનોલોજીનો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત.
• પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.
• મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.

અનેક મહિલાઓના જીવનમાં આશાના કિરણ સમાન તેમજ સુખમય જીવન જીવવામાં અભયમ સતત પ્રેરણાદાયી બની રહ્યું છે. ગુજરાતની મહિલાઓ માટે ૧૮૧ અભયમ હેલ્પલાઈન સાચી સખી-સહેલીની જેમ વિશ્વાસુ બની છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.