બોટાદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસની ઉમંગભેર ઉજવણી - At This Time

બોટાદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસની ઉમંગભેર ઉજવણી


બોટાદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના
બીજા દિવસની ઉમંગભેર ઉજવણી
*****
બાળકોની પ્રકૃતિ ખીલવીને તેઓને ભણતર સાથે ગણતર
મળે તે જરૂરી: કલેક્ટરશ્રી બી.એ.શાહ
*******
ઢબકતા ઢોલના નાદે આંગણવાડી અને ધો.૧ માં પ્રવેશ
મેળવતાં ભૂલકાઓના કલરવથી શાળા ગુંજી ઉઠી
********
પ્રવેશોત્સવ દરમિયાન નવતર અભિગમ - કલેક્ટરશ્રીએ ગામના વડીલો અને બાળકોના હસ્તે દીપપ્રાગટ્ય કરાવ્યું : ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો
********
માહિતી બ્યુરો, બોટાદ:- બોટાદ જિલ્લામાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ થયો છે. જેમાં આજે દ્વિતીય દિવસે જિલ્લાકક્ષાના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ ગામોમાં બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ અપાયો હતો. જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહે પ્રવેશ પામનારા ભુલકાઓને પુસ્તકોની કીટ્સનું વિતરણ કરીને સ્વાગત કર્યુ હતું. ઢબકતા ઢોલના નાદે આંગણવાડી અને ધો.૧માં પ્રવેશ મેળવતાં ભૂલકાઓના કલરવથી શાળા ગુંજી ઉઠી હતી.

શાળા પ્રવેશોત્સવના પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહે જણાવ્યું હતું કે, બાળકોની પ્રકૃતિ ખીલવીને તેઓને ભણતર સાથે ગણતર મળે તે જરૂરી છે અને એ કાર્ય શાળામાં જ થઈ શકે છે. બાળકોમાં મૌલિકતા કેળવાય એ ખૂબ જ જરૂરી છે તેથી તેમની કલા-કૌશલ્યને ઓળખી તેનું ઘડતર કરવા કલેક્ટરશ્રીએ શિક્ષકોને સૂચિત કર્યા હતાં. કલેક્ટરશ્રીએ શાળાઓની મુલાકાત દરમિયાન એકમ કસોટીની તપાસ, શિક્ષકોને મૂંઝવતા પ્રશ્નો અંગે પણ તેમને માર્ગદર્શન આપ્યું હતું. પ્રવેશોત્સવ દરમિયાન એક નવતર પહેલના ભાગરૂપે કલેક્ટરશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિતે ગામના ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે બાબતે તેઓને માર્ગદર્શીત કર્યા હતા તેમજ કલેક્ટરશ્રીએ ગામના વડીલો અને બાળકોની સાથે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. કલેક્ટરશ્રીએ ગામ ખાતે હાથ ધરાયેલા વિકાસકાર્યોની પણ સમીક્ષા કરી ખરા અર્થમાં જ્ઞાનપર્વની ઉજવણી કરી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે શાળા ખાતે અભ્યાસ કરી ચૂકેલા વયોવૃદ્ધ વિદ્યાર્થીઓ, તેજસ્વી વિદ્યાર્થીઓ તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના નાના છૈડા ગામે ૪૦ વિદ્યાર્થીઓ, રતનપર ખાતે ૧૦ વિદ્યાર્થીઓ તેમજ નાના પાળીયાદ ખાતે ૪૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.

આ સાથે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓએ અન્ય ગામોની શાળાઓમાં ઉપસ્થિત રહીને બાળકોને પ્રવેશોત્સવ કરાવ્યો હતો. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ થકી બાળકોને શાળાએ આવવા અને ભણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.