કોમર્સમાં ખાલી બેઠકો ભરાશે : પુરક પાસ વિદ્યાર્થી માટે ઓફલાઈન પ્રવેશ

કોમર્સમાં ખાલી બેઠકો ભરાશે : પુરક પાસ વિદ્યાર્થી માટે ઓફલાઈન પ્રવેશ


અમદાવાદધો.૧૨
સામાન્ય પ્રવાહનું પુરક પરીક્ષાનું આ વર્ષે સૌથી વધુ પરિણામ જાહેર થયુ છે અને ૨૩
હજારથી વધુ વિદ્યાર્થી પાસ થતા કોમર્સની ખાલી બેઠકો હવે ભરાશે.ગુજરાત યુનિ.દ્વારા
યુજી કોમર્સની કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પુરક પાસ વિદ્યાર્થીઓ અને
પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ માટે ચોથો રાઉન્ડ જાહેર કર્યો છે.પરંતુ આ રાઉન્ડમાં
ઓફલાઈન ધોરણે પ્રવેશ ફાળવાશે.જો કે રજિસ્ટ્રેશન ઓનલાઈન થશે અને જે આવતીકાલે ૫ાંચમી
ઓગસ્ટથી શરૃ થશે.બી.કોમ,બીબીએ,બીસીએ અને યુનિ.ના વિવિધ ઈન્ટિગ્રેટેડ કોર્સની ૪૦ હજારથી વધુ બેઠકોમાંથી
બે રાઉન્ડ બાદ પણ હજુ ૨૫ હજારથી વધુ બેઠકો ખાલી પડી છે ત્યારે ધો.૧૨ સામાન્ય
પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ ૬૨ ટકાથી વધુ આવતા અને ૨૩ હજારથી વધુ વિદ્યાર્થી
પાસ થતા હવે આ ખાલી બેઠકો ભરાઈ શકશે.જો કે તમામ રાઉન્ડ બાદ પણ કોમર્સમાં ઘણી બેઠકો
ખાલી રહેશે પરંતુ ખાલી  રહેનારી બેઠકો
ઘટશે. યુનિ.દ્વારા આ પુરક પાસ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ રાઉન્ડ જાહેર કર્યો છે.યુનિ.એ
જાહેર કરેલા પ્રવેશ કાર્યક્રમ મુજબ વિદ્યાર્થીઓ પાંચ ઓગસ્ટથી ઓનલાઈન રજિસ્ટ્રેશન
કરી શકશે અને જે ૧૧મી સુધી ચાલશે.ત્યારબાદ ૧૭થી ૨૦ ઓગસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓએ જે
તે કોલેજ ખાતે જરૃરી ડોક્યુમેન્ટ સાથે રજિસ્ટ્રેશન કરાવેલ ફોર્મની પ્રિન્ટ લઈને
જવાનું રહેશે અને ફોર્મ જમા કરવાનું રહેશે. ૨૪મીએ કોલેજે પોતાનું ઈન્ટરસે મેરિટ
જાહેર કરવાનું રહેશે.આ પ્રવેશ
યાદીમાં  જે વિદ્યાર્થીઓના નામ હશે તે
વિદ્યાર્થીઓએ ૨૪થી૨૫ ઓગસ્ટ દરમિયાન કોલેજ ખાતે જઈને ફી ભરવાની રહેશે. કોલેજોએ
૨૬મીએ ખાલી બેઠકો જાહેર કરવાની રહેશે અને ૩૦મી સુધીમાં યુનિ.ની એડમિશન કમિટીમાં
ફાઈનલ એડમિટેડ લિસ્ટ એટલે કે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની યાદી જમા કરવાની
રહેશે.આ ઓફલાઈન પ્રવેશ રાઉન્ડમાં પુરક પાસ સહિત તમામ પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ ભાગ
લઈ શકશે.અગાઉ રજિસ્ટ્રેશન ન કરી શકનારા કે ડોક્યુમેન્ટ જમા ન કરી શકનારા કે યુનિ.ની
પ્રવેશ પ્રક્રિયામાં મેરિટમાં નામ ન આવ્યુ હોય તે સહિતના તમામ પ્રવેશ વંચિત
વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.અગાઉ રજિસ્ટ્રેશન કરાવી ચુકેલા અને મેરિટમાં નામ હોય અને
અગાઉના ઓનલાઈન રાઉન્ડમાં ભાગ લઈ ચુક્યા હોય તેવા વિદ્યાર્થીઓ આ ઓફલાઈન રાઉન્ડમાં
ભાગ નહી લઈ શકે.         

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »