સાવલી તાલુકા કેનાલના કારણે સિંચાઈ માટે નર્મદાના પાણીથી વંચિત ખેડૂતો ડીઝલ પંપના સહારે - At This Time

સાવલી તાલુકા કેનાલના કારણે સિંચાઈ માટે નર્મદાના પાણીથી વંચિત ખેડૂતો ડીઝલ પંપના સહારે


રિપોર્ટ:- નિમેષ‌ સોની,ડભોઈ

સાવલી તાલુકામાં ખેડૂતો સિંચાઇ માટે નર્મદાનાં પાણીથી વંચિત રહેતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. અસમતલ કેનાલના કારણે ખેડૂતો મુશકેલીઓ ભોગવી રહ્યા છે.જેથી આ ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે સ્વખર્ચે ડીઝલ મશીન વડે પાણી ખેંચીને સિંચાઈ માટે પાણી મેળવવા મજબૂર બન્યા છે જેથી તેઓને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. સાવલી તાલુકાના લસુન્દ્રા , શિહોરા, પ્રતાપપુરા, રાજપુરા, પીપરીયા સહિતના ગામોનાં ખેડૂતો આ કેનાલો તૂટેલી અને અસમતલ હોવાથી સિંચાઇ માટે નર્મદાના પાણી મેળવી શકયા નથી.

ખેડૂતો કેનાલનું પાણી ન મળતાં ડીઝલ પંપના સહારે

સાવલી તાલુકાના ખેડૂતોને નર્મદાની કેનાલનું પાણી ન મળવાને કારણે તેઓનો પાક બળી જાય તેવો ડર હોવાથી તેઓ સ્વખર્ચે ડીઝલ પંપનો સહારો લઈ પાણી લે છે અને મોટું આર્થિક નુકસાન ભોગવી રહયાં છે. આ બાબત અંગેની રજૂઆત નર્મદા સિંચાઈના અધિકારીઓને કરવા છતાં તેઓ આ બાબતે આંખ આડા કાન કરી ખેડૂતોની વાતની અવગણના કરતા નાખતા હોય છે. ખેડૂતોને આ આર્થિક નુકશાન વેઠીને પાક બચાવવાની નોબત આવી છે. પરિણામે ખેડૂતોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. સત્વરે આં સમસ્યાનો નિકાલ આવે નહીં આવે તો ઉગ્ર રજૂઆત પણ કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. સાવલીના લસુન્દ્રા પંથકમાં નર્મદા કેનાલ બિલકુલ શોભના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. હાલ રવિ પાકની સીઝન હોય તમાકુ, દિવેલા, ઘઉં, ચણા, કપાસ, શાકભાજી, તુવેર, મકાઈ, સુંધિયું જેવા પાકો હાલ વાવીને તૈયાર કરવામાં આવ્યા છે. પરંતુ સિંચાઈ માટે પાણીની ખાસ જરૂરિયાત છે. ખેડૂતોના ખેતરના છેડા ઉપરથી કેનાલો પસાર થાય છે. પરંતુ તે શોભાના ગાંઠીયા સમાન બની રહી છે.

છેલ્લા 25 વર્ષથી ખેડૂતોને પારાવાર મુશ્કેલી

સાવલી તાલુકાના ખેડૂતોને આ નર્મદાના નીર ન મળવાને કારણે તેઓએ સ્થાનિક કક્ષાએ તેમજ પોતાના વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ બાબતે રજૂઆત કરવા છતાં પણ સાવલી તાલુકાના કેટલાક વિસ્તારોમાં આજે પણ25 વર્ષનો સમય વીતી ગયા હોવા છતાં સિંચાઇ માટે પાણી મળતું નથી અને આ વિસ્તારના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે. હાલ તમામ પાકો તૈયાર થવાની સ્થિતિમાં છે અને તેના માટે પાણીની ખાસ જરૂરિયાત છે. જેથી વેચાતું પાણી લેવા માટે ખેડૂતો મજબૂર થયા છે. તેવી જ રીતે સાવલી તાલુકાના લસુન્દ્રાની આજુબાજુના પસવા, શુભેલાવ, રાધન, પુરા, ટુંડાવ જેવા ગામોમાં નિયમિત રીતે કેનલોમાં પાણી આવે છે. જ્યારે લસુન્દ્રા ગામના 150 થી 200 ખેડૂત ખાતેદારોને ખેતરના છેડા પરથી પસાર થતી કેનાલ હોવા છતાંય પાણી વગર રહેવાનો વારો આવ્યો છે.

દુકાળમાં અધિકમાસ જેવી ખેડૂતોની સ્થિતિ

જ્યારે ખેડૂતોનો પાક તૈયાર થવા આવી ગયો છે ત્યારે ખેડૂતોની સ્થિતિ " દુકાળમાં અધિકમાસ " જેવી બની રહી છે. પોતાના તૈયાર થયેલા પાકો માટે વેચાતું પાણી લેવાની નોબત આવતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો વેઠવાનો વારો આવે છે. નાણા અને સમયનો વ્યય થાય છે. જ્યારે બીજી બાજુ નર્મદા કેનાલનું ઇનફાસ્ટ્રક્ચર તૈયાર છે. પરંતુ અધિકારીઓની અણઆવડત અને પ્રજાલક્ષી કામો બાબતની ઉદાસીનતાના કારણે અને ભ્રષ્ટાચારના કારણે તેમજ ઉચી નીચી બનેલી કેનલોના કારણે પાણી વગર ખેડૂતોને વંચિત રહેવાનો વારો છે. જ્યારે આ પંથકના ખેડૂતો દિવસ રાત એક કરીને મહાન મહેનતે અને ખેડૂતો 2000 ફૂટ લાંબી પાઈપ વડે કનેક્શન કરીને પાણી ખેંચીને પોતાના પાકને બચાવી રહ્યા છે. જ્યારે નાના અને ગરીબ ખેડૂતો છે તે પાણીનાં વાંકે પોતાનો તૈયાર થયેલો પાક ખરાબ થઈ જતો જોઈને નિ:સાસો નાખતા અને પસ્તાવો કરતાં જોવા મળી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.