ધંધુકા APMCની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ અત્યારથી જ સોગઠા ગોઠવવામાં વ્યસ્ત - At This Time

ધંધુકા APMCની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ અત્યારથી જ સોગઠા ગોઠવવામાં વ્યસ્ત


અમદાવાદ જીલ્લા ના ધંધુકા APMCની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ અત્યારથી જ સોગઠા ગોઠવવામાં વ્યસ્ત
આગામી એપ્રિલ માસમાં ચૂંટણીની જાહેરાત થતા ગરમાવો
ધંધુકા એપીએમસીની ચૂંટણીઓ આગામી એપ્રિલમાં યોજાનાર છે. જેને લઇ રાજકીય ચહલપહલ વધી ગઇ છે. ભાજપ એપીએમસીમાં સત્તા ટકાવી રાખવા કટીબધ્ધ બન્યુ છે. તો કોંગ્રેસ પણ આ વખતે ભાજપને પરાસ્ત કરી ખેડૂતોની સંસ્થા પર સત્તા મેળવવા મથામણ કરી રહી છે, ત્યારે આગામી એપ્રિલમાં કસોકસની લડાઇ સમી ચુંટણી યોજાવાની છે. જેને લઇ ભાજપ અને કોંગ્રેસ અત્યારથી જ સોગઠા ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે.
ધંધુકા એપીએમસીની પ્રતિષ્ઠાભરી ચુંટણીની અંતે સરકાર દ્વારા જાહેરાત કરી દેવાઇ છે. આગામી એપ્રિલ માસમાં ચુંટણી યોજાનાર છે. ત્યારે પાછલા ૬ વર્ષ ઉપરાંતથી ભાજપ પ્રેરીત પેનલ સત્તા પર છે અને આગામી ચુંટણીમાં પણ ભાજપ પ્રેરીત પેનલ અથવા ભાજપ મેન્ડેટ આપી ચુંટણી લડાવે તેવી પણ પુર્ણ શકયતાઓ જણાઇ રહી છે. જયારે કોંગ્રેસ પ્રેરીત પેનલ ચુંટણીમાં ભાજપને ટકકર આપે તેવા રાજકીય સમીકરણો જોવાઇ રહયા છે. વર્તમાન ચેરમેન સહદેવસિંહ ગોહિલ સારી છબી ધરાવે છે. તો પાર્ટીના જ જિલ્લાના કોષાધ્યક્ષ ચેતનસિંહ ચાવડા પણ પાછલા બારણે પ્રબળ રેસમાં હોવાનુ રાજકીય વર્તુળો જણાવી રહયા છે. પાર્ટી લેવલે એકતા દેખાડતા બંને દિગ્ગજોમાં પાર્ટી કોના પર કળશ ઢોળે તેના પર સૌની મીટ છે. તો સૌથી મોટુ પરિબળ ભાજપના ચુંટાયેલ ધારાસભ્ય કાળુભાઇ ડાભી એપીએમસીમાં પણ મહત્વની ભુમિકા ભજવશે તેવુ લાગી રહયુ છે. ખાસ કરીને કોળી સમાજને એપીએમસીના ચેરમેન પદ માટે ચાન્સ આપવામાં આવે તેવો સુર પણ ઉઠે તો નવાઇ નહી. જયારે કોંગ્રેસ કઇ રણનીતિ અપનાવે તે રસપ્રદ બની રહેશે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.