સમગ્ર દેશમાં રોજગારી પુરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે રહ્યું છે - At This Time

સમગ્ર દેશમાં રોજગારી પુરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે રહ્યું છે


યુવાનોને સરળતાથી નોકરી અને ઔદ્યોગિક એકમોને જરૂરિયાત અનુસાર કુશળ માનવબળ મળી રહે એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે

બોટાદ જિલ્લામાં ૮૧૩ ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર/એપ્રેન્ટીસ એનાયત પત્ર વિતરણ કરવામાં આવ્યાં

બોટાદના શ્રી નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે રોજગાર એનાયત પત્ર/એપ્રેન્ટીસ એનાયત પત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો

તા.૨૬ : બોટાદ જિલ્લા રોજગાર કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સાંસદ ડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાને બોટાદના શ્રી નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે આજે રોજગાર એનાયત પત્ર/એપ્રેન્ટીસ એનાયત પત્ર વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સાંસદ ડૉ.ભારતીબેન શિયાળે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ભારત દેશે વિવિધ ક્ષેત્રે અનેક ઉપલબ્ધિઓ હાસંલ કરી છે. રાજ્યના યુવા ધન પોતાનામાં રહેલી કુશળતા બહાર લાવી શકે તે માટે જિલ્લા સહિત તમામ તાલુકામથકોએ જ આઇ.ટી.આઇ સંસ્થાઓનું નિર્માણ થવાથી રોજગાર વાંચ્છુઓને ઉત્તમ પ્લેટફોર્મ મળી રહ્યું છે. સમગ્ર દેશમાં રોજગારી પુરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે રહ્યું હોવાનું ડૉ. ભારતીબેને જણાવ્યું હતું.

યુવાનોને સરળતાથી નોકરી અને ઔદ્યોગિક એકમોને જરૂરિયાત અનુસાર કુશળ માનવબળ મળી રહે એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. રાજ્યની આઈ. ટી. આઈમાં આધુનિક મશીનરીઓ ઉપલબ્ધ હોવાને કારણે ઉમેદવારો નવી ટેક્નોલોજી સાથે તાલ મિલાવીને મોટા ઉદ્યોગોમાં સરળતાથી નોકરી મેળવી રહ્યા છે.રાજ્યની સરકારે રોજગાર ભરતીમેળાના આયોજન થકી અનેક ઉમેદવારોને નોકરી પુરી પાડી છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આરંભેલી વિકાસયાત્રા વધુ વેગવાન બને તે દિશાના પ્રયત્નો સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવ્યાં હોવાનું જણાવ્યું હતું.

રાજ્યનો યુવાન સ્કિલ તરફ આગળ વધે અને વધુમાં વધુ રોજગારી મેળવે તે માટેના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. ઉદ્યોગોની કુશળ કારીગરોની માંગને પહોંચી વળવા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ એપ્રેન્ટિસોની ભરતી કરવામાં આવી રહી છે. રાજ્યનો યુવાન ખેતીક્ષેત્રમાં પણ અત્યાધુનિક નવી ટેકનોલોજીથી સજ્જ થાય તે માટે સરકારશ્રી દ્વારા કૃષિ આઇ.ટી.આઇ પણ ચાલુ કરવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં રોજગારીના ભરપુર અવસરો છે જેનો રોજગાર વાંચ્છુઓને વધુમાં વધુ લાભ લેવા જાહેર અનુરોધ કર્યો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ વીરાણીએ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને જોડીને અનેકવિધ જનહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. પસંદગી પામેલા રોજગાર વાંચ્છુઓને તેમણે શુભેચ્છા પણ પાઠવી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં પસંદગી પામેલા ૮૧૩ ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર/એપ્રેન્ટીસ એનાયત પત્ર વિતરણ કરવામાં આવ્યાં હતાં. તેમાંથી મહાનુભાવોના હસ્તે પ્રતિકરૂપે ૧૩ યુવાનોને એનાયત પત્ર/એપ્રેન્ટીસ એનાયત પત્ર વિતરણ કરવામાં આવ્યાં હતાં.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી પી.ડી.પલસાણાએ કાર્યક્રમના પ્રારંભે સૌનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં જિલ્લા નોડલ અધિકારી અને આઇ.ટી.આઇના આચાર્યશ્રી ડી.ડી.લાઠીયાએ આભારદર્શન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી દયાબેન અણીયાળીયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી, જિલ્લાના અગ્રણીશ્રી ભીખુભાઇ વાઘેલા, શ્રી ચંદુભાઇ સાવલિયા, જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ, રોજગાર વિભાગના કર્મીઓ સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.