ડોગી, મોબાઇલ લેવાની જીદ પૂરી નહિ થતા તરુણી ઘરેથી નાસી ગઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/thhl8qzu6svrpufi/" left="-10"]

ડોગી, મોબાઇલ લેવાની જીદ પૂરી નહિ થતા તરુણી ઘરેથી નાસી ગઈ


10 વર્ષની તરુણી ગત રાતે એક્ટિવા સાથે ભેદી રીતે ગુમ થઇ’તી

મોડી રાતે ફરિયાદ નોંધાયા બાદ સવારે તરુણી માસીના ઘરેથી મળી

શહેરના પોશ વિસ્તારમાંથી ગત રાતે ભેદી રીતે ગુમ થયેલી 10 વર્ષની તરુણી સવારે મળી આવતા પરિવારજનો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. ડોગી, મોબાઇલની જીદ પૂરી નહિ થતા તરુણી ઘરેથી નીકળી ગઇ હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે. નિર્મળા સ્કૂલ રોડ પર સવન એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી રવિભાઇ મુકેશભાઇ મહેતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને સંતાનમાં પુત્ર, પુત્રી છે. પત્ની સાથે ત્રણ વર્ષ પૂર્વે છૂટાછેડા થઇ ગયા છે. છૂટાછેડા બાદ પત્નીએ બીજા લગ્ન પણ કરી લીધા છે. જ્યારે બંને સંતાન પોતાની પાસે છે.

પત્ની સાથેના છૂટાછેડા બાદ ધો.5માં ભણતી 10 વર્ષની પુત્રી થોડી ગુમસુમ રહ્યાં કરતી હતી. દરમિયાન ગત રાતે સાડા અગિયાર વાગ્યાના અરસામાં બાજુમાં સૂતેલી પુત્રી જોવા મળી ન હતી. જેથી પરિવારના અન્ય સભ્યોને જગાડી તપાસ શરૂ કરી હતી. આ સમયે પોતાનો મોબાઇલ પણ જોવા મળ્યો ન હતો. તેમાં રિંગ કરતા મોબાઇલ બંધ થઇ ગયો હતો. બાદમાં પોતાનું એક્ટિવા પણ જોવા મળ્યું ન હતું. જેથી સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ પુત્રીની કોઇ ભાળ મળી ન હતી.

પોતાનો મોબાઇલ, એક્ટિવા સાથે પુત્રી ભેદી રીતે ગુમ થઇ હોય કોઇ અપહરણ કરી ગયાની શંકાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં મોડી રાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પીએસઆઇ જે.ડી.જાડેજા, એએસઆઇ જયસુખભાઇ હુંબલ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી હતી. ત્યારે સવારે તરુણી તેના ઘર નજીક રહેતા માસીના ઘરેથી મળી આવી હતી. પોલીસની પૂછપરછમાં તેને ડોગી અને મોબાઇલ લેવાની જીદ કરી હતી. જે જીદ પૂરી નહિ થતા તે ઘરેથી કોઇને કહ્યાં વગર નીકળી ગયાનું જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]