ભાવનગરની જીવાદોરી એવાં શેત્રુંજી ડેમના ૫૯ દરવાજા ખોલવામાં આવ્યાં - At This Time

ભાવનગરની જીવાદોરી એવાં શેત્રુંજી ડેમના ૫૯ દરવાજા ખોલવામાં આવ્યાં


પાલિતાણા અને તળાજાના હેઠવાસના ગામોને સતર્ક રહેવાં માટે તંત્રની સૂચના

ભાવનગરની જીવાદોરી એવાં શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ડેમના ૫૯ દરવાજા ખોલવામાં આવ્યાં છે. અત્યારે ૨ ફુટ દરવાજા ખોલવાથી ડેમમાંથી ૧૫,૨૦૦ ક્યુસેક્સ અને કેનાલમાં ૧૪૦ ક્યુસેક્સનો આઉટફ્લો જઇ રહ્યો છે.

ડેમના હેઠવાસમાં અને નિચાણવાળા વિસ્તારમાં આવેલાં લોકો નદીના પટમાં ન જાય અને વહેતાં પાણીમાં ન ઉતરે તે માટે ડેમની હેઠવાસમાં આવતાં ગામના લોકોને તંત્ર દ્વારા સતર્ક કરવામાં આવ્યાં છે.

ખાસ કરીને પાલીતાણા તાલુકાના રાજસ્થલી, લાપાડીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ,પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામને સાવધ કરવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ ડેમ ઓવરફ્લો થવાથી સ્થિતિની નજીક હતો. આજે ડેમ છલોછલ ભરાઇ જતાં સવારે ૬-૩૦ કલાકે ડેમના ૨૦ દરવાજા ખોલીને ૦.૩૦ મીટર ખોલવામાં આવ્યાં હતાં. જે સવારે ૮-૦૦ વાગ્યે ૦.૬૦ મીટર ખોલવામાં ૧૫,૩૬૦ ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું હતું.

જળાશયમાં હાલનું પાણીનું સ્તર ૫૫.૫૩ મીટર છે અને પુર પ્રવાહ ૧૫,૩૪૦ ક્યુસેક્સ છે તેમ ડ્યુટી ઓફિસર, ફ્લડ કંટ્રોલ સેલ, ભાવનગર સિંચાઇ યોજના વર્તુળની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.