વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ - At This Time

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨


વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી બોટાદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાના પાલન અંગે જરૂરી માર્ગદર્શન અપાયું

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે બોટાદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. કલેક્ટર કચેરીનાં કોન્ફરન્સ હોલ ખાતે આયોજિત પરામર્શ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ સંબંધિત નોડલ અધિકારીશ્રીઓને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાના પાલન સંદર્ભે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આદર્શ આચાર સંહિતાના અમલ અંગે, પેઇડ ન્યુઝ બાબતે, ચૂંટણીનાં ચોપાનીયા કે ભીંતપત્રો વગેરેના છાપકામ અંગે, ચૂંટણીલક્ષી વિવિધ મંજૂરીઓ અંગેની સિંગલ વિન્ડો સિસ્ટમ બાબતે, ઉમેદવારનાં ચૂંટણી ખર્ચ-બેન્ક એકાઉન્ટ અંગે, ઉમેદવારીપત્ર ભરવા અંગે અને ચૂંટણીલક્ષી જરૂરી પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ઉક્ત પરામર્શ બેઠકમાં નોડલ અધિકારીશ્રી ઇલેક્શન એક્સપેન્ડીચર મોનીટરિંગ સેલ વ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા દ્વારા ચૂંટણી ખર્ચ બાબતે વિસ્તૃત માહિતી પૂરી પાડી નિયત સમયામર્યાદામાં ખર્ચની વિગતો રજૂ કરવા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી કે.એન.કાચાએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ રાજકીય પક્ષો, ઉમેદવારોએ અને સંબંધિતોને ચૂંટણી પંચની પાળવાની થતી આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન અને અમલ અંગેની મુદ્દાવાર વિસ્તૃત જાણકારી સાથે સમજ પૂરી પાડી હતી.
આ બેઠકમાં રાજકીય પક્ષોનાં પ્રતિનિધીઓ તેમજ નોડલ ઓફિસરશ્રી મેનપાવર મેનેજમેન્ટ વ નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઇ પરમાર સહિત નોડલ ઓફિસરશ્રી આદર્શ આચારસંહિતા અમલીકરણ અને નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નોડલ ઓફિસરશ્રી મિડીયા મેનેજમેન્ટ અને સહાયક માહિતી નિયામકશ્રી, નોડલ ઓફિસરશ્રી સિંગલ વિન્ડો સિસ્ટમ અને મામલતદાર-1 ઉપસ્થિત રહ્યાં હતાં.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.