સૂસવાટાભેર પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી - At This Time

સૂસવાટાભેર પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી


માર્ચ મહિનાની શરૂઆતમાં જ રાજ્યના વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. મહિનાની શરૂઆત જ વરસાદની આગાહીથી થઇ છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોની ચિંતા વધારી છે.

અમદાવાદ: માર્ચ મહિનાની શરૂઆતમાં જ રાજ્યના વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. મહિનાની શરૂઆત જ વરસાદની આગાહીથી થઇ છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોની ચિંતા વધારી છે.

હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગઇકાલે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી હતી. હવામાન વિભાગે આજે શનિવારે પણ વરસાદની આગાહી કરી છે. જેમાં તેમના જણાવ્યા પ્રમાણે, આજે પણ ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ માવઠું થશે તેમ જણાવ્યુ છે. આ સાથે મધ્ય ગુજરાતનાં વડોદરા અને છોટાઉદેપુરમાં જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગરની વાત કરતા તેમણે જણાવ્યુ કે, આ બંને શહેરોમાં પણ ગાજવીજ સાથે હળવોથી સામાન્ય વરસાદ સાથે માવઠું થવાની શક્યતા છે. આ સાથે તેમણે કહ્યુ કે, થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે. 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. માછીમારો માટે કોઇ ચેતવણી નથી.

ગુજરાતમાં હાલ વરસાદ વરસવાનું કારણ જણાવતા કહ્યુ કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેની પોઝિશન અફઘાનિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં છે. નોર્થ ઇસ્ટ અરેબિયન સીમાં જેને સંબંધિત એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યુ છે. જેની સાથે વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં બનેલું છે. જેના કારણે ગુજરાતમાં ઉપર જણાવેલા જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે.

બીજી બાજુ, ગુજરાતમાં 2 માર્ચના દિવસે જે માવઠું થવાની આગાહી છે તે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, 2 માર્ચના દિવસે રાજ્યના ઘણાં ભાગોમાં દિવસભર વરસાદ થઈ શકે છે, તેમણે શનિવારે અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદી ઝાપટાં થઈ શકે છે. આ સાથે પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાંની શક્યતાઓ છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં પણ હળવા ઝાપટાં થઈ શકે છે. આ સાથે ડાંગમાં 2 માર્ચની રાત્રે ઝાપટાં થઈ શકે છે તેવી સંભાવનાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.