અમરેલી જિલ્લાનું એસ.ટી.તંત્ર દિન-પ્રતિદિન કથળતુ હોવાથી મુસાફરોમાં એસ.ટી.તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%87%e0%aa%b2%e0%ab%80-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%8f%e0%aa%b8-%e0%aa%9f%e0%ab%80-%e0%aa%a4%e0%aa%82/" left="-10"]

અમરેલી જિલ્લાનું એસ.ટી.તંત્ર દિન-પ્રતિદિન કથળતુ હોવાથી મુસાફરોમાં એસ.ટી.તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે.


એક સમયે એસ.ટી. બસ મુસાફરો માટે નિયત સ્થળે પહોંચવાનો મુખ્ય આધાર હતો. જોકે શટલિયા વાહનો અને દ્વિચક્રી વાહનો વધતાં બસમાં મુસાફરોની સંખ્યા ઓછી થઇ જવા પામી છે. મુસાફરોને બસ તરફ પુનઃ આકર્ષવા નિગમ દ્વારા ઘણા ગતકડાં કરવામાં આવ્યા હતા તે છતાં વહીવટી કામગીરી કથળતા મુસાફરો ઓછા થતા એસ.ટી. તંત્ર આર્થિક આવક પણ ગુમાવી રહ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર સમગ્ર અમરેલી જિલ્લામાં એક સમયે સલામત મુસાફરી માટે એસ.ટી.બસ મહત્વની બની હતી પરંતુ હવે વારંવાર બસ અડધે રસ્તે ખોટકાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે. અવારનવાર બસ સેવા બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓને પણ છાસવારે આંદોલન કરીને વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી રહી છે. ૧૫ દિવસના ભાડામાં ૩૦ દિવસની મુસાફરી, પર્યટન સ્થળોએ જવા માટે ખાસ રાહત, ગ્રુપ બુકિંગ પર રાહત જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હોવા છતાં હાલ એસ.ટી. સેવા ખોટ કરી રહી છે. બસમાં મનોરંજન માટે ટીવી ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા જે હાલ મોટાભાગની બસોમાં ફક્ત ખોખાં બની ગયા છે. આ ઉપરાંત ફરિયાદ બોક્સની પણ સગવડ કરવામાં આવી છે જેનો જાગૃતતાના અભાવે લોકો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે. મુસાફરી દરમિયાન કોઈને ઊબકા ઊલટી થાય, માથું દુઃખે કે નાની ઇજા થાય તેવા સંજોગોમાં તાત્કાલિક રાહત મળે તે હેતુથી આરોગ્ય કીટ બોક્ષ મૂકવામાં આવે છે જોકે તેમાં એક પણ પ્રકારની ટેબ્લેટ, પાટાપિંડીનો સામાન કે અન્ય આરોગ્ય કીટ રાખવામાં આવતી નથી જેના લીધે ઘણીવાર બીમાર મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. જવાબદાર વિભાગ પણ આળસ દાખવતાં મુસાફરલક્ષી યોજનાઓ, સુવિધા માત્ર દેખાવ પૂરતી મર્યાદિત રહેવા પામી છે. આમ, અમરેલી જિલ્લાનું એસ.ટી.તંત્ર દિન-પ્રતિદિન કથળતુ હોવાથી મુસાફરોમાં એસ.ટી.તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે.

ગમે ત્યારે બસ રદ્દ કરી દેવામાં આવતી હોવાથી મુસાફરોમાં આક્રોશ
અમરેલી એસ.ટી.ડિવિઝનનો વહીવટ ખાડે ગયો હોવાથી બસ બગડયા પછી સમયસર રીપેર કરવામાં આવતી નથી. બસ ન હોવાથી જવાબદાર અધિકારી દ્વારા ગમે ત્યારે બસ રદ્દ કરી દેવામાં આવે છે જેના કારણે કલાકો સુધી બસની રાહ જોતા મુસાફરોને હેરાનગતિ વધી જાય છે. મુસાફરોએ આ બાબતે જણાવ્યુ હતું કે, આગળના સ્ટેશનથી અથવા તો જે તે ડેપો પરથી ઉપડતી બસ રદ્દ થઈ હોય તો પણ પછીના બસ ડેપોને જાણ કરવામાં આવતી નથી જેના લીધે મુસાફરો કલાકો સુધી રાહ જોતા હોય છે અને કોઈપણ જાતની જાણ કર્યા વગર બસ રદ્દ કરી દેવામાં આવતી હોવાથી મહિલા મુસાફરો સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે છતાં એસ.ટી.ના અધિકારીઓ મૂક તમાશો જાતા હોય તેવુ લાગી રહ્યુ છે.

અમરેલી એસ.ટી.ડિવિઝન નીચે આવતા તમામ ડેપોમાં અમુક બસ ટાયરના અભાવે ધૂળ ખાઈ રહી છે. જેમા બગસરા બસ સ્ટેશનમાં જ ત્રણથી ચાર બસ ટાયર વગરની પડી છે. આ બાબતે જવાબદાર અધિકારીને પુછતા તેમણે સમગ્ર જિલ્લાના તમામ બસ સ્ટેશનમાં માત્ર ત્રણ જ બસમાં ટાયર ન હોવાનું જણાવી તંત્રની નબળાઈ ઢાંકવાનો હીન પ્રયાસ કર્યો હતો. ટાયરના અભાવે બસ બંધ હોવાથી એસ.ટી.રૂટ શરૂ થઈ શકતા નથી જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે.

સરકારી કાર્યક્રમમાં ટનાટન બસ, રૂટમાં ‘ઠોઠા’
રાજયમાં કોઈપણ જગ્યાએ પ્રધાનમંત્રી સહિતના નેતાઓનો સરકારી કાર્યક્રમ હોય ત્યારે ત્યાં જનમેદની એકઠી કરવા માટે અમરેલી એસ.ટી.વિભાગ દ્વારા ટનાટન બસ મોકલવામાં આવે છે. જો કે એસ.ટી.ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જ ટનાટન બસ મોકલવાની સૂચનાઓ આપવામાં આવે છે જેથી સરકારી કાર્યક્રમમાં ટનાટન બસ મોકલવામાં આવે છે અને મુસાફરોની સુવિધા માટે ‘ઠોઠા’ મોકલવામાં આવે છે. જેથી ઘણીવાર બસ રસ્તામાં જ બ્રેકડાઉન થઈ જાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]