પતિએ ચોટીલા માતાજીના દર્શને જવાની ના પાડતા પરિણિતાએ આપઘાત કર્યો - At This Time

પતિએ ચોટીલા માતાજીના દર્શને જવાની ના પાડતા પરિણિતાએ આપઘાત કર્યો


રાજકોટ તા.4 : રાજકોટ જિલ્લાના પડદરી નજીક આવેલા ખંભાળા ગામે વાડી વિસ્તારમાં રહેતા ખેત મજૂર પરિવારની 25 વર્ષીય પરિણિતાએ કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. નવરાત્રી હોય ચોટીલા માતાજીના દર્શન કરવા જવાનું હતું પણ પતિએ ના પાડતા પત્નીએ આ પગલું ભર્યાનું તારણ છે.
મળતી વિગત મુજબ કમાબેન મુકેશભાઈ ડામોર (ઉ.25) નામની પરિણિતાને ગઈકાલે બપોર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, કમાબેને કપાસમાં છાંટવાની ઝેરી દવા પીધી હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. સારવાર દરમિયાન રાત્રે કમીબેને દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો.
બનાવના પગલે પડધરી પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે કમાબેન અને મુકેશભાઈ તેના બે સંતાન 1 દીકરો અને 1 દીકરી સાથે દોઢેક મહિના પહેલા ખંભાળામાં પરસોતમભાઈ દેવજીભાઈ ભોજાણીની વાડીએ કેત મજૂરી કરવા આવેલા, અને અહીં વાડીમાં જ રહેતા હતા. તેઓ મૂળ દાહોદના ધાનપુરના વતની છે.
હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો હોય કમાબેને ચોટીલા માતાજીના દર્શને જવા માટે પતિને વાત કરેલી જો કે હાલ વાડીમાં ઘણું કામ પડયું હોય કપાસ વિણવાનો બાકી હોય જે કામ પૂર્ણ કરી પછી ચોટીલા જવાનું પતિએ કહેલું, જે વાતનું કમાબેનને લાગી આવ્યું હતું. જેથી ગત બપોરે મુકેશભાઈ અન્ય ખેતમજૂરો સાથે વાડીમાં કપાસ વીણી રહ્યા હતા ત્યારે કમાબેનને ચા બનાવવા મોકલ્યા હતા. ચા બનાવવા ગયેલા કમાબેને કપાસમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને મોત વ્હાલુ કયુર્ં હતું. બે સંતાનો માં વિહોણા થતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.