તારીખ : ૦૭ ઓગસ્ટ ૨૦૨૨ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ધો.૯ના ૯૦થી વધુ વિદ્યાર્થીઓ પહોંચ્યા "પહેલ-પુસ્તક પરબ"ની મુલાકાતે - At This Time

તારીખ : ૦૭ ઓગસ્ટ ૨૦૨૨ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ધો.૯ના ૯૦થી વધુ વિદ્યાર્થીઓ પહોંચ્યા “પહેલ-પુસ્તક પરબ”ની મુલાકાતે


હરખ, ઉમંગ અને કુતુહલ સાથે પહેલની મુલાકાતે લઈ વિદ્યાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો

બોટાદમાં સરકારી પ્રકાશનોની આટલી વિશાળ શ્રેણી આજ પૂર્વે ક્યારેય જોઈ નહોતી : વિદ્યાર્થીઓ

પહેલ-પુસ્તક પરબ અને વાંચનાલય ખાતે બોટાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ધોરણ ૯ના ૯૦થી વધુ વિદ્યાર્થીઓ મુલાકાત માટે આવી પહોંચ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓએ સરકારી પ્રકાશનો વિશે વિવિધ માહિતી મેળવી હતી.

વિદ્યાર્થીઓને પુસ્તકો અને પુસ્તક પરબ વિશે માહિતગાર કરતાં જિલ્લા રોજગાર અધિકારીશ્રી પી.કે.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની અનેરી ઉજવણીના ભાગરૂપે એક નવતર અભિગમ અપનાવતાં પુસ્તક પરબનો શુભારંભ કરવામાં આવ્યો છે. પહેલ - પુસ્તક પરબ સરકારી પુસ્તકોનો ખજાનો છે અને 19 જુલાઈના રોજ પ્રારંભ થયેલા આ પુસ્તક પરબ ખાતે આજદિન સુધીમાં અનેક બોટાદવાસીઓ મુલાકાત માટે આવી ચૂક્યા છે. આ વાંચનાલય ખાતે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતાં યુવાનો હોંશે-હોંશે વાંચન માટે આવે છે તો વડીલો અને જિલ્લા સેવા સદન ખાતે ફરજ બજાવતા કર્મયોગીઓ પણ અહીં ઉપલબ્ધ પુસ્તકોનો લાભ લઇ રહ્યાં છે.

આ તકે સહાયક માહિતી નિયામકશ્રી રાધિકા વ્યાસે જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના દિશાનિર્દેશ અનુસાર પ્રારંભાયેલ "પહેલ" સાથેનાં મીઠાં અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ પુસ્તકપરબ ખાતે વડીલોથી લઈને બાળકો સહિત તમામ વયજૂથના નાગરિકો મુલાકાત માટે આવી ચૂક્યાં છે અને સૌને પોતપોતાના રસના વિષય અનુસાર પુસ્તકો મળી રહે તે માટે અમે પૂરતી વ્યવસ્થા કરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તકો સાથે યોજનાકીય માહિતી આપતાં લેખો સહિતના સામયિકો, નવલિકા સંપુટનો સમાવિષ્ટ કરતાં ગુજરાતનાં દીપોત્સવી અંકો પણ અહીંયા વાંચન માટે ઉપલબ્ધ છે. ઉપરાંત તેમણે વિધાર્થીઓને આગામી "હર ઘર તિરંગા" અભિયાન અન્વયે જોડાવા પ્રેરિત કર્યાં હતાં.

પહેલ - પુસ્તક પરબની મુલાકાતે આવેલા સેન્ટ ઝેવિયર્સના ૯માં ધોરણના વિદ્યાર્થીએ સ્વાનુભવ જણાવતાં કહ્યું હતું કે, બોટાદમાં સરકારી પ્રકાશનોની આટલી વિશાળ શ્રેણી આજ પૂર્વે ક્યારેય જોઈ નહોતી. અહીં મુલાકાત લઈ અમને ઘણું નવું જાણવા-શીખવા મળ્યું છે. આગામી સમયમાં કારકિર્દીના ઘડતર સમયે આ પુસ્તકાલય અમારા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.