નારી વંદન ઉત્સવ અન્વયે માહિલાલક્ષી સાફલ્યગાથાની શ્રેણી – ૭ મહિલા કલ્યાણ દિવસ - At This Time

નારી વંદન ઉત્સવ અન્વયે માહિલાલક્ષી સાફલ્યગાથાની શ્રેણી – ૭ મહિલા કલ્યાણ દિવસ


મહિલાઓની સુરક્ષા કરે સુનિશ્ચિત, સંવેદનશીલ સરકારની આ સંવેદનશીલ રીત

બોટાદ જિલ્લાની મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે ૨૪ કલાક ખડેપગે જિલ્લા મહિલા પોલીસની ટીમ

અમારી મહિલા પોલીસની ટીમ જિલ્લાની મહિલાઓને સખી અને મિત્રની જેમ માર્ગદર્શન આપી તેમના પ્રશ્નો અન્વયે યોગ્ય કાર્યવાહી કરે છે: PSI અને ઈન્ચાર્જ પી.આઈશ્રી એચ.એલ.જોષી

સશક્ત મહિલા સશક્ત સમાજનું નિર્માણ કરે છે, દરેક મહિલાએ સશક્ત બનવું ખુબ જ જરૂરી: બોટાદ મહિલા પોલીસ

“અમારી પાસે કોઈપણ મહિલા તેની સમસ્યા અને પ્રશ્નો લઈને આવે ત્યારે તેનું સમાધાન ન આવે ત્યાં સુધી અમે સતત તેમની પડખે અડીખમ રીતે ઉભા રહીએ છીએ. પીડિત મહિલાઓને અમે ન માત્ર અધિકારીની જેમ, પરંતુ મિત્ર અને સહેલીની જેમ માર્ગદર્શન આપીને તેમને મુંઝવતા પ્રશ્નો દૂર કરવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ, મહિલાઓને તેમના હકો અને કાયદાઓ વિશે માર્ગદર્શિત કરી અમે તેમને તમામ મદદ કરીએ છીએ.” આ દ્રઢ નિર્ધાર છે બોટાદ જિલ્લાની મહિલા પોલીસની ટીમનો..

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યની મહિલાઓના કલ્યાણ માટે હંમેશા સંવેદનશીલ સરકારશ્રી દ્વારા સક્ષમ નારી, સશક્ત ગુજરાત અન્વયે નારી વંદન સપ્તાહ ઉજવાય રહ્યો છે. આ ઉજવણી અંતર્ગત આજે આપણે વાત કરવાના છીએ એવી સન્નારીઓની,જેઓ ખુદ સાહસ અને શક્તિનું સ્વરૂપ છે. બોટાદ મહિલા પોલીસ... પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન અન્વયે મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે ચોવીસે કલાક કાર્યરત રહેતી બોટાદ મહિલા પોલીસની કામગીરી સમાજ માટે ઉદાહરણરૂપ છે. મહિલાઓના કલ્યાણ અને ઉત્થાન માટે ટીમ કાયમ તત્પર રહે છે. મહિલાઓના અંગત પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય કે પછી તેમની સાથે કોઈ ગુનો કે અન્યાય થયો હોય. બોટાદ મહિલા પોલીસની ટીમ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય ત્યાર બાદ જ રાહતનો શ્વાસ લે છે.

બોટાદ મહિલા પોલીસ સબ ઈન્સપેક્ટર તેમજ ઈન્ચાર્જ પી.આઈ તરીકે ફરજ બજાવતા શ્રી એચ.એલ જોષી જણાવે છે કે, દરેક મહિલાએ સશક્ત બનવું ખુબ જ જરૂરી છે, અન્યાય સામે અવાજ ઉઠાવવો અને તેમની સમસ્યા પોલીસ સુધી પહોંચાડવી પણ એટલું જ અનિવાર્ય છે. રાજ્ય સરકારશ્રી મહિલાઓના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ ઘડી અને તેને અમલીકૃત પણ કરી રહી છે.

મહિલાઓને કાયદા વિશે માહિતી મળે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે આપણા સમાજને ખુબ જ ઉન્નત બનાવે છે. જ્યારે મહિલાઓ વિવિધ પ્રશ્નો લઈને મહિલા પોલીસ પાસે આવે છે ત્યારે તેમના તમામ પ્રશ્નો દૂર કરવાના અમે પૂરા પ્રયત્નો કરીએ છીએ. ઘરેલું હિંસા, શોષણ કે અન્યાય સહિતના તમામ મુદ્દાઓ પર અમે ખુબ જ સંવેદનશીલ રીતે કામગીરી કરીને નિરાકરણ લાવીએ છીએ. મહિલા પોલીસની SHE ચીન, અભ્યમ્ 181, સખી વનસ્ટોપ સેન્ટરની ટીમ પણ મદદ માટે સતત ખડેપગે છે. મહિલાઓ પોતાના પ્રશ્નોનું કાઉન્સેલીંગ કરાવવા માંગતી હોય તો તેમને PBSC સેન્ટર ખાતે મોકલી આપવામાં આવે છે.

માત્ર આટલું જ નહીં પરંતુ બોટાદ મહિલા પોલીસ પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન અનુસાર “દાદા-દાદીના દોસ્ત”ની ભજવી રહી છે. જેમાં નિ:સહાય વૃદ્ધોને અનાજ, કીટનું વિતરણ, એકલવાયુ જીવન જીવતા વૃદ્ધોને સહાય તેમજ જિલ્લાના તમામ વૃદ્ધોના નંબર મેળવી નિયમિત ખબર અંતર પૂછવાનું ભગીરથ કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે. સમાજની જાગૃતિ માટે વિવિધ સેમિનારો યોજવા, કાયદાકીય અને ખાતાકીય માહિતી લોકો સુધી પહોંચાડવી સહિતના લોકજાગૃતિના કાર્યો બોટાદ મહિલા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. બાળકોની મદદ અને માર્ગદર્શન માટે બોટાદ જિલ્લાની મહિલા પોલીસ કર્મીઓ હંમેશા તત્પર રહે છે.

બોટાદ જિલ્લાની મહિલા પોલીસની ટીમ મળેલી જવાબદારી અને ફરજ ઉત્સાહપૂર્વક તેમજ પૂરા જોશથી કરવામાં માને છે. જે આજના સમયમાં દરેક વ્યક્તિ માટે નવું મનોબળ અને નવો જુસ્સો પુરો પાડે છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon