બોટાદ જિલ્લામાં સ્વ-રક્ષણની તાલીમમાં મહિલાઓની ઉત્કૃષ્ટ કામગીરી - At This Time

બોટાદ જિલ્લામાં સ્વ-રક્ષણની તાલીમમાં મહિલાઓની ઉત્કૃષ્ટ કામગીરી


આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

આજની મહિલાઓ હાથમાં હાઇટેક વેપન્સ પકડીને દેશની સુરક્ષામાં ખડે ૫ગે તૈનાત
ગુજરાતમાં મહિલાઓના સન્માન-ગૌરવ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ : બોટાદ જિલ્લા વહીવટીતંત્રમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડતી ટીમ

દર વર્ષે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાવામાં છે. આ દિવસ સૌ પહેલાં વર્ષ 1909માં ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ દિવસને 1975માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે માન્યતા આપી. પછી તો દુનિયાભરમાં તેની ઉત્સાહપૂર્વક ઉજવણી થવા લાગી. આ દિવસ ઉજવવાનો હેતુ મહિલાઓ પ્રત્યે સન્માન, તેમની પ્રશંસા અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો છે.

આ દિવસે ખાસ કરીને એ મહિલાઓ પ્રત્યે સન્માન પ્રગટ કરવામાં આવે છે જેમણે આર્થિક, રાજનૈતિક અને સામાજીક સહિતના ક્ષેત્રોમાં ઉપલબ્ધિ મેળવી છે. આ દિવસે મહિલાઓના સંઘર્ષનો ઉલ્લેખ કરતાં તેમની સફળતાની વાત રજૂ કરવામાં આવે છે. તેનો મતલબ એ નથી કે આ દિવસે ચૂપચાપ જીવી રહેલી ઘરેલું મહિલાઓને યાદ જ નથી કરવામાં આવતાં. રાજ્ય સરકારશ્રી દ્વારા મહિલા ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓનાં સથવારે આજે ગુજરાતની મહિલાઓ અનેક ક્ષેત્રે સમર્થ બની છે. ભારતમાં મહિલા દિવસને લઈને સરકારી અને બિનસરકારી સ્તર પર અનેક કાર્યક્રમોનું આયોજન થાય છે.

*નવા યુગને પડકાર આપતી મહિલાઓ*:

આજે મહિલાઓએ પોતાની ક્ષમતાનો પરચો ક્યાં ક્ષેત્રમાં નથી દેખાડ્યો? દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી, નાણાંમત્રી નિર્મલા સીતારામનજી, આપણાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ સહિત આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી અને ઉદ્યોગક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, કલાક્ષેત્રે એમ આંગણવાડીથી લઈને અંતરીક્ષ સુધી મહિલાઓએ ખૂબ જ પ્રગતિ કરી છે. એટલે જ એવું કહી શકાય કે, ઘરમાં વેલણ પકડતી મહિલા આજે હાથમાં હાઇટેક વેપન્સ પકડીને દેશની સુરક્ષામાં ખડે ૫ગે તૈનાત છે. અંતરીક્ષમાં ઓજસ પાથરતી કલ્પના ચાવલા, રેસલિંગની રાણી ગીતા ફોગાટ, પોલીસ તરીકે શક્તિનું સામર્થ બતાવતા આઈપીએસ કિરણ બેદી, ન્યાયલયની નારી ન્યાયાધીશ જસ્ટિસ ફાતિમા બીબીએ પોતપોતાનાં ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી વિશ્વને મહિલાઓની કુશળતાનો પરિચય કરાવ્યો છે.

બોટાદ જિલ્લામાં સ્વ-રક્ષણની તાલીમમાં મહિલાઓની ઉત્કૃષ્ટ કામગીરી

બોટાદ જિલ્લામાં શાળા-કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓને મુશ્કેલીના સમયે સ્વ-બચાવ કરી શકે તે માટે સ્વ-રક્ષણ તાલીમ આપવાની કામગીરી કરવાં આવી રહી છે. જે અંતર્ગત સુરક્ષા સેતુ સોસાયટી-બોટાદ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન કુલ ૪,૦૧૬ યુવતીઓ અને મહિલાઓને સ્વ-રક્ષણની તાલીમ આપી લક્ષ્યાંકની સામે ૧૨૦ ટકા જેટલી ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે.

મિશન મંગલમ્ યોજનાનો લાભ લઇ સ્વરોજગારી મેળવવાની સાથે આત્મનિર્ભર બનતી બોટાદની બહેન

વર્ષ ૨૦૧૫-૧૬ થી લઇને આજદિન સુધીમાં મિશન મંગલમ્ યોજના હેઠળ બોટાદ જિલ્લામાં ૭૨૭ સખીમંડળોની રચના કરવામાં આવી છે. જેમાં ૭૫૩ સ્વસહાય જૂથોને રૂ.૯૨.૫૧ લાખનું રિવોલ્વીંગ ફંડ તથા ૯૯ સ્વસહાય જૂથોને રૂા ૩૬૮.૩૦ લાખનું કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અપાયું છે. તેવી જ રીતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ૧૯૫ સ્વસહાય જૂથોને રૂા ૧૯૫ લાખનું વ્યાજ મુક્ત ધિરાણ આપવામાં આવ્યું છે. જેથી બોટાદની બહેનો સ્વરોજગારી મેળવવાની સાથે આત્મનિર્ભર બની છે.

*બોટાદ જિલ્લા વહીવટીતંત્રમાં મહિલાઓનું યોગદાન*

ગુજરાતમાં મહિલાઓનાં સમગ્રતયા સન્માન-ગૌરવ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. ત્યારે બોટાદ જિલ્લા વહીવટીતંત્રમાં નાયબ કલેક્ટર વ જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી આર.કે.વંગવાણી, જિલ્લા તિજોરી અધિકારી શ્રીમતિ એ.એ.કુંતે, જિલ્લા સહાયક નિરિક્ષક સુશ્રી જાનવી ત્રિવેદી, સહાયક માહિતી નિયામક સુશ્રી રાધિકા વ્યાસ, કાર્યપાલક ઇજનેર (પંચાયત) શ્રીમતિ ગીતાબેન પટેલ, દહેજ પ્રતિબંધક અધિકારી સુશ્રી હેતલબેન દવે, માહિતી મદદનીશ સુશ્રી હેમાલી ભટ્ટ્ સહિતની અનેક મહિલાઓ આજે સરકારી ક્ષેત્રે પારદર્શક અને પરિણામલક્ષી કામગીરીમાં સહભાગી બની મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડી રહ્યાં છે.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.