*બોટાદના જુના નાવડાથી વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ કરાવતા રાજ્યકક્ષાના મંત્રીશ્રી આર.સી.મકવાણા* - At This Time

*બોટાદના જુના નાવડાથી વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ કરાવતા રાજ્યકક્ષાના મંત્રીશ્રી આર.સી.મકવાણા*


*વંદે ગુજરાત વિકાસ યાત્રા*
--------
*બોટાદના જુના નાવડાથી વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ કરાવતા રાજ્યકક્ષાના મંત્રીશ્રી આર.સી.મકવાણા*
....
*એકપણ જરૂરિયાતમંદ વ્યક્તિ લોકોપયોગી યોજનાઓના લાભથી વંચિત ન રહે તે જ અમારો મુખ્ય ધ્યેય છે : રાજયકક્ષાના મંત્રીશ્રી આર.સી.મકવાણા*
...

*રાજ્યમંત્રીશ્રીના હસ્તે જુના નાવડા ગામમાં રૂપિયા પાંચ લાખ પચાસ હજારના ખર્ચે પેવર બ્લોકના કામનું લોકાર્પણ કરાયું*
.......
*પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના સહિતના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાયનું વિતરણ કરાયું*
-------------
*બોટાદ જિલ્લામાં ખાતમુહૂર્ત - લોકાર્પણ સહિતના અંદાજે રૂ.૧૬૫૩.૦૯ કરોડથી વધુ રકમના ૬૯૧ વિકાસકાર્યોની નાગરિકોને ભેટ મળશે*
----------
૦૦૦૦૦

બોટાદ માહિતી બ્યુરો, તા.૫ જુલાઈ:
ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા-વિભાગ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યમંત્રીશ્રી આર.સી. મકવાણાએ 'બોટાદ જિલ્લામાં બરવાળા તાલુકાના જુના નાવડા ગામેથી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' નો શુભારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તની સાથોસાથ લાભાર્થીઓને જન કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યકક્ષાના મંત્રીશ્રી આર.સી.મકવાણાએ જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં "વંદે ગુજરાત વિકાસ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં હરણફાળ ગતિએ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે વંદે ગુજરાત વિકાસ યાત્રા નામના ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ યાત્રા દરમિયાન રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજૂર થયેલા કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

રાજયકક્ષાના મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકારની લોક ઉપયોગી યોજનાના માધ્યમથી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિનું કલ્યાણ થાય તે જ અમારો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દરેક યોજનાઓ અને લાભો છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. આયુષ્યમાન કાર્ડ, નલ સે જલ, સ્વચ્છતા અભિયાન, ઉજ્જવલા યોજના, સાત પગલાં ખેડૂત કલ્યાણના, પ્રધાન મંત્રી આવાસ યોજના સહિતની અનેકવિધ યોજનાઓ દ્વારા આજે જન સુખાકારીના કાર્યો થઈ રહ્યા છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આજે વંદે ગુજરાત વિકાસ યાત્રાના પ્રથમ ચરણનો શુભારંભ થયો છે. સરકારે ગામડામાં છેવાડાના માનવીને પણ સુવિધા આપવા માટેના તમામ પ્રયાસો કર્યા છે અને આજે આ તમામ લોકોપયોગી યોજનાઓથી કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ વંચિત ન રહી જાય તેની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે જુના નાવડા ગામમાં રૂપિયા પાંચ લાખ પચાસ હજારના ખર્ચે પેવર બ્લોકના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ પી.એમ.જે.એ.વાય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ખેતીવાડી, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના સહિતના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાયનો લાભ આપવામાં આવ્યો હતો. આ તકે નવ્વાણું ટકાથી વધુ વિતરણ કર્યુ હોય તેવા વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગુજરાતના છેલ્લા ૨૦ વર્ષની વિકાસ ગાથા દર્શાવતી ફિલ્મો પણ મોટી સંખ્યામાં ગ્રામજનોએ નિહાળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદના જિલ્લા પંચાયતની ૨૦ સીટ પર ૧૮૨ ગામોમાં અને જિલ્લાની ૦૩ નગરપાલીકાઓમાં ખાતમુહૂર્તના-૩૧૫ અને લોકાર્પણના-૩૭૬ સહિત રૂ.૧૬૫૩.૦૯ કરોડથી વધુ રકમના કુલ-૬૯૧ વિકાસ કામોની નાગરિકોને ભેટ મળશે. આ યાત્રા દરમિયાન જિલ્લામાં ૧૫૦.૫૨ લાખના ખર્ચે નવા ૫૨ કામોની જાહેરાત પણ કરાશે.

કાર્યક્રમના અંતે રાજયકક્ષાના મંત્રીશ્રી આર.સી.મકવાણા સહિત અન્ય મહાનુભાવોએ વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી બરવાળાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મામલતદારશ્રી બરવાળાએ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીશ્રી ભીખુભાઈ વાઘેલા, કલેક્ટરશ્રી બીજલ શાહ, ડીડીઓશ્રી પી.ડી. પલસાણા, આયોજન અધિકારીશ્રી સહિત પદાધિકારીઓ - અધિકારીઓ, લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.