હળવદ તાલુકાના માથક ગામે પે સેન્ટર શાળામાં બેગલેસ દિવસ અંતર્ગત"બાળ સંસદ"ની ચૂંટણી યોજાઈ, - At This Time

હળવદ તાલુકાના માથક ગામે પે સેન્ટર શાળામાં બેગલેસ દિવસ અંતર્ગત”બાળ સંસદ”ની ચૂંટણી યોજાઈ,


ધોરણ-૬ થી ૮ ના બાળકોએ હોંશે હોંશે ભાગ લીધો.

વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા પ્રેક્ટીકલ રીતે સમજાવવા શિક્ષકોનો સરાહનીય પ્રયાસ...*

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અનુભવ દ્વારા જ્ઞાન મળી રહે તે માટે સરકાર દ્વારા 10 બેગલેસ દિવસનું આયોજન કરેલ છે જે અંતર્ગત આજરોજ ત્રીજા બેગલેસ દિવસે માથક પે સેન્ટર શાળામાં બાળ સંસદની ચૂંટણી કરી મહામંત્રીની પસંદગી કરવામાં આવી હતી. આ માટે સૌપ્રથમ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા અને ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ દરેક ઉમેદવારને તેમનું ચૂંટણી ચિન્હ આપવામાં આવ્યું હતું. આમ મતદાન પ્રક્રિયાની તમામ બાબતોને આવરી લઈ મતદાન કરવામાં આવ્યું અને પ્રિસાઇડિંગ ઓફિસર તથા મતદાન અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ ગુપ્ત રીતે મતદાન કરી શકે તે માટે મતકુટીર બનાવવામાં આવી હતી મતદાન માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓએ મોબાઈલ એપ્લિકેશનથી પોતાનો મત આપ્યો હતો. મત આપતી વખતે વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરો આનંદ જોવા મળતો હતો. ચૂંટણી બાદ મતગણતરી કરવામાં આવી હતી અને શાળાની વિવિધ સમિતિઓની પણ રચના કરવામાં આવી હતી અને સૌથી વધુ મત મેળવનાર ધોરણ-૮ ના વિદ્યાર્થી ભોરણીયા ધવલની મહામંત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી. શાળાના ધોરણ-૬ થી ૮ ના તમામ બાળકોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ મતદાન પ્રક્રિયા અંગે જાણકારી મેળવી હતી. શાળાના શિક્ષકોએ આયોજન કર્યું હતું અને શાળાના આચાર્ય દ્વારા માર્ગદર્શન તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.