દીવમાં ધોધમાર ચાર ઈંચ, લાઠી - બાબરામાં કરા સાથે અઢી થી ત્રણ અને દ્વારકામાં ૩ ઈંચ - At This Time

દીવમાં ધોધમાર ચાર ઈંચ, લાઠી – બાબરામાં કરા સાથે અઢી થી ત્રણ અને દ્વારકામાં ૩ ઈંચ


- અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી કાળુભાર સહિતની નદીઓમાં ઘોડાપુર, દામનગર સહિતનાં વિસ્તારો જળબંબોળ બન્યા , ખેતરોમાં પાણી ભરાયા રાજકોટસૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જાણે અષાઢી માહોલ જામ્યો છે રાજકોટ સહિત અન્ય જિલ્લામાં અર્ધાથી માંડીને ત્રણ ઈંચ સુધીનો વરસાદ પડયાનાં અહેવાલો મળ્યા છે. દીવમાં ધોધમાર ચાર ઈંચ જેટલો વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. અમરેલી જિલ્લાનાં લાઠી અને બાબરામાં કરા સાથે અઢીથી ત્રણ ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબોળ બન્યા હતા. કાળુભાર સહિતની નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. રાજયનાં ૮૦ તાલુકામાં આજે હળવો - ભારે વરસાદ પડયાનાં અહેવાલો મળ્યા છે. આજે સવારથી સૌરાષ્ટ્રમાં વાદળા જામ્યા હતા અનેક વિસ્તારોમાં સવારથી મેઘમહેર શરુ થઈ હતી. દેવભૂમી દ્વારકા તાલુકામાં સવારથી ધીમી ધારે શરુ થયેલો વરસાદ બપોર સુધીમાં ત્રણ ઈંચ જેટલું પાણી પડી ગયુ હતુ નીચાળવાળા  વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દ્વારકા તાલુકામાં મોૈસમનો કુલ વરસાદ ર૬ ઈંચ થયો હતો. કલ્પાણપુરમાં એક ઈંચ જેટલો અને ભાણવડ - ખંભાળીયામાં ઝાપટા પડયા હતા. અમરેલી જિલ્લાનાં ખાસ કરીને લાઠી અને બાબરામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ કરા અને વીજળીનાં કડાકા સાથે અઢીથી ત્રણ ઈંચ વરસાદ પડતા દામનગર, લાઠી સહિતનાં વિસ્તારો જળબંબોળ બન્યા હતા. લાઠીની મેઈન બજારમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા જયારે કાળુભાર સહિતની નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. લાઠીનાં શેખ પીપરીયા, દેવળીયા, ચાવંડ, આસોદર સહિતનાં ગામોમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પાકમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. ખાંભામાં સવા ઈંચ જેટલો વરસાદ પડયો હતો કોઝ - વે પર પાણી ભરાયા હતા. ધારી, રાજુલા - જાફરાબાદ સહિતનાં તાલુકામાં પણ આજે બીજા દિવસે અર્ધાથી એક ઈંચ વરસાદ પડયો હતો. રાજકોટ શહેરમાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ રહયા બાદ હળવા ઝાપટા પડયા હતા પરંતુ જસદણ પંથકમાં સાંજે ધોધમાર બે ઈંચ જેટલો વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને નદીઓમાં પૂર આવ્યા હતા. લોધિકામાં અર્ધો ઈંચ વરસાદ પડયો હોવાનાં અહેવાલો મળ્યા છે. જો કે ફાડદંગબેટી ડેમ સાઈટ પર ત્રણ ઈંચ અને સોડવદરમાં અઢ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ભાદર - ૧ માં નવા પાણીની આવક શરુ થતા સપાટી ર૩.૬પ ફૂટે પહોંચી હતી. મોરબી જિલ્લાનાં વાંકાનેરમાં સાંજે વાતાવરણમાં પલટો આવતા ર ઈંચ વરસાદ દોઢેક કલાકમાં પડી ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે એક થી ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. ચોટીલામાં એક ઈંચ વરસાદનાં અહેવાલ છે. જામનગર જિલ્લાનાં કાલાવડમાં બે અને ધ્રોલમાં એક અને લાલપુરમાં અર્ધોઈચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. સૌરાષ્ટ્રમાં વરાપમાં નીંદામણ બાદ ફરી સમયસર વરસાદનો રાઉન્ડ થતા ખેડૂતોમાં ખૂશીની લહેર જોવા મળી રહી છે. જળાશયોમાં પણ ફરી આવકો શરુ થઈ છે.  સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠામાં ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસમાં ખાસ કરીને દ્વારકા, અમરેલી અને દીવ સહિતનાં દરિયાકાંઠાનાં વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાંવ્યુ છે કે સૌરાષ્ટ્રમાં ચોમાસુ સક્રિય બન્યુ છે આગામી ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દ્વારકા, ભાવનગર, અમરેલી અને દીવ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.