રેલ્વેની મોટી જાહેરાત, એક વર્ષમાં 1.5 લાખ કર્મચારીઓની ભરતી કરશે - At This Time

રેલ્વેની મોટી જાહેરાત, એક વર્ષમાં 1.5 લાખ કર્મચારીઓની ભરતી કરશે


રેલ્વેએ આગામી એક વર્ષમાં 1.5 લાખ પદો પર ભરતી કરવાનો નિર્ણય લીધો છે. આટલું જ નહીં આ સમગ્ર પ્રક્રિયા આવતા વર્ષના જૂન સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રેલવેની આ જાહેરાત એવા યુવાનો માટે સારા સમાચાર છે જેઓ ઘણા સમયથી ભરતીની રાહ જોઈ રહ્યા છે. રેલ્વેએ કહ્યું કે, છેલ્લા 8 વર્ષમાં દર વર્ષે સરેરાશ માત્ર 43,678 લોકોની ભરતી કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે એક વર્ષમાં લગભગ ત્રણ ગણા કર્મચારીઓની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેની આ જાહેરાત પીએમ નરેન્દ્ર મોદીના આદેશ બાદ કરવામાં આવી છે, જેમાં તેમણે 2023ના અંત સુધીમાં 10 લાખ કર્મચારીઓની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે.

કેન્દ્ર સરકારના ખર્ચ વિભાગ મુજબ, ભારત સરકારના તમામ વિભાગોમાં કુલ 40.78 લાખ પદો છે, પરંતુ તેની સામે માત્ર 31.91 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ રીતે લગભગ 9 લાખ પદો ખાલી છે. એટલું જ નહીં, આ આંકડો માર્ચ 2020 સુધીનો હતો. આવી સ્થિતિમાં જો નિવૃત્ત કર્મચારીઓને ઉમેરવામાં આવે તો આ આંકડો 10 લાખની નજીક થઈ જાય છે. આ સંખ્યા કુલ પોસ્ટના 25 ટકાથી વધુ છે. એટલે કે આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારમાં કુલ સંખ્યાના ચોથા ભાગની ભરતી કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારના 92 ટકા કર્મચારીઓ એકલા રેલવે, સંરક્ષણ, ગૃહ મંત્રાલય, ટપાલ વિભાગ અને મહેસૂલ વિભાગમાં છે.

સૂત્રોનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદીના આદેશ બાદ તમામ વિભાગોએ ખાલી પડેલી જગ્યાઓનો ડેટા એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. વિગતો મેળવ્યા બાદ ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારે 10 લાખ ભરતીનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે સમગ્ર દેશમાં બેરોજગારીને લઈને ચિંતા વધી રહી છે. રેલ્વેએ ડેટા જાહેર કર્યો છે અને કહ્યું છે કે 2014-15 થી 2021-22 સુધીમાં તેણે કુલ 3,49,422 લોકોની ભરતી કરી હતી. આ આંકડો દર વર્ષે સરેરાશ 43,678 હતો, પરંતુ આ વખતે એક વર્ષમાં લગભગ 1.5 લાખ લોકોને નોકરી આપવામાં આવશે.

નોંધનીય છે કે થોડા મહિના પહેલા જ પીટીઆઈ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો કે રેલ્વે 72,000 પોસ્ટને દૂર કરવા જઈ રહી છે. તેનું કારણ જણાવવામાં આવ્યું હતું કે ટેક્નોલોજીના વિકાસને કારણે ગ્રુપ સી અને ગ્રુપ ડી લેવલ પર ઘણી પોસ્ટની જરૂર નથી. આવી સ્થિતિમાં ભવિષ્યની ભરતીમાં આ જગ્યાઓ નાબૂદ કરવામાં આવશે. આ ઉપરાંત હાલમાં આ જગ્યાઓ પર નિયુક્ત કરાયેલા લોકોને અન્ય વિભાગોમાં એડજસ્ટ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.