રાજકોટમાં કેનાલ રોડ પર ફાયરબ્રિગેડની ગાડીએ બાઇકને હડફેટે લેતાં યુવકનું મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/r2p1owuwstwfz1zz/" left="-10"]

રાજકોટમાં કેનાલ રોડ પર ફાયરબ્રિગેડની ગાડીએ બાઇકને હડફેટે લેતાં યુવકનું મોત


રાજકોટમાં કેનાલ રોડ પર ફાયરબ્રિગેડની ગાડીએ બાઇકને હડફેટે લેતાં જસદણના યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલ મિત્રને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસે અકસ્માત સર્જનાર ફાયરબ્રિગેડના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ જસદણમાં શિવશક્તિ સોસાયટીમાં રહેતો હર્ષિલ ઉમેશભાઈ રવીયા (ઉ.વ.20) રાજકોટમાં આવેલ ગુંદાવાડી મેઇન રોડ ઉપર જયંત કોલ્ડ્રીંક્સની સામે સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સમાં કમલેશભાઈ પીઠાડીયાની સિદ્ધિ ફેશન નામની કાપડની દુકાનમાં છેલ્લા 22 દિવસથી તેના રાજકોટમાં લક્ષ્મીવાડી મેઈન રોડ પર રહેતાં તિર્થ વિપુલભાઈ સવસેટા (ઉ.વ.18) સાથે નોકરી કરતો હતો અને ગઈકાલે સવારના દસેક વાગ્યે હર્ષિલ તેના મિત્ર સાથે દુકાને કામ પર આવેલ હતાં.
બાદમાં બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ હર્ષિલ તેના મિત્ર તીર્થ સાથે શેઠ કમલેશભાઈનું એક કપડાનું પાર્સલ ગ્રાહકને કેનાલ રોડ ઉપર આવેલ બલદેવ ચાની હોટલ સામે આપવા જવા એક્સેસ બાઈક લઈ નીકળ્યા હતાં અને બાઈક તેનો મિત્ર ચલાવતો હતો અને યુવક પાછળ બેસેલ હતો.
દરમિયાન કેનાલ રોડ પર ગુંદાવાડી પોલીસ ચોકીથી જિલ્લા ગાર્ડન તરફ જતા રોડ ઉપર બલદેવચાની દુકાન આગળ પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવેલ ફાયર બ્રિગેડના વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા બંને યુવાનો રોડ પર પટકાયા હતાં. બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. દરમિયાન બનાવ સ્થળે લોકો એકઠાં થતાં ફાયર બ્રિગેડના વાહનનો ચાલક તેનું વાહન લઈ નાસી છૂટ્યો હતો.
બાદમાં હાજર લોકોએ બંને યુવાનોને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ પદ્મકુવરબા હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ વધું સારવાર મળે તે પહેલાં જ હર્ષિલનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં એ.ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતકના મિત્ર તીર્થ સવસેટાની ફરીયાદ પરથી અકસ્માત સર્જનાર ફાયર બ્રિગેડની ગાડી નં. જીજે-03-વાય-9008 ના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં મૃતક દરરોજ જસદણથી અપડાઉન કરતો હતો. તેમજ એક બહેન-એક ભાઈમાં નાનો હતો. પરિવારનો એક નો એક અને આધારસ્તંભ પુત્ર ગુમાવતાં આક્રંદ સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, અકસ્માત સર્જનાર ફાયર બ્રિગેડની ગાડી ટોટલ લોસ હતી અને તેને બેડીપરામાં આવેલ વાહન વાહન સ્ટોરમાં મુકવા જતાં હતા ત્યારે છેલ્લી સફરમાં 20 વર્ષીય યુવાનને મોતના મુખમાં ધકેલી દિધો હોવાનું સામે આવ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]