રાજકોટના કુખ્યાત ઈભલા આણી ટોળકીનો આતંક: દુકાનદાર પિતા-પુત્રની હત્યાનો પ્રયાસ - At This Time

રાજકોટના કુખ્યાત ઈભલા આણી ટોળકીનો આતંક: દુકાનદાર પિતા-પુત્રની હત્યાનો પ્રયાસ


રાજકોટમાં જુના મોરબી રોડ પર રહેતાં ઇબ્રાહિમ ઉર્ફે ઇભલાનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ગઈકાલે પણ જુના મોરબી રોડ પર ગણેશ નગરમાં કરીયાણાની દુકાન ધરાવતાં પિતા-પુત્રને ઘસી આવેલા ઇબ્રાહિમ ઉર્ફે ઈભલો તેનો ભાઈ ફિરોજ અને અન્ય બે શખ્સોએ તમારી કરીયાણાની દુકાન પાસે ભૈયા ઉભવા ન જોઈએ કહીં તલવાર અને ધોકાથી જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમજ ઇભલાએ પિતા-પુત્રને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી મારી નાંખવાની ધમકી આપી હતી.
હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે આરોપીઓ વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ઇભલા આણી ટોળકીની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે જુના મોરબી રોડ પર ગણેશ નગર શેરી નં. સી/11 ના ખૂણે રહેતાં યોગેશભાઈ હરજીવનભાઇ મકવાણા (ઉ.વ.43) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઇબ્રાહિમ ઉર્ફે ઈભલો કરીમ, ફિરોજ કરીમ તેમજ અન્ય બે શખ્સોના નામ આપતાં બી. ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ એસ. આઇ. એસ. નામની કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને હાલ તે શાપરમાં આવેલ આઈ.ડી.બી.આઈ. બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેઓને સંતાનમાં બે પુત્રો છે અને તેઓના ઘરની નીચે તેના બાપુજી દરજીની દુકાન અને માતૃ કરીયાણાની દુકાન ચલાવે છે. ગઈકાલે રાત્રીના સાડા આઠેક વાગ્યાની આસપાસ તેઓ ઘરે ઉપરના માળે હતો ત્યારે તેમની દુકાન પાસે ઝગડાનો અવાજ આવતો હોય જેથી નીચે જતા તેમના બા-બાપુજી સાથે લતામા રહેતો ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો માથાકુટ કરતો હતો.
જેથી તેને શા માટે માથાકુટ કરો છો ? તેમ કહેતા ઈભલાએ જણાવેલ કે, તમારી દુકાન પાસે પરપ્રાંતીય લોકોને કેમ ઉભા રાખો છો અને કેમ બેસાડો છો જેથી તેમને કહેલ કે, તેઓ અમારા ગ્રાહક છે જેથી બેઠા હોય છે તેમ કહેતા ઇભલો ઉશ્કેરાઈ જઈ ગાળો દેવા લાગેલ અને તેને ગાળો નહિ દેવાનુ કહેતા તેમજ તેમના બા વચ્ચે પડતા ઇભલાએ તેને બે ત્રણ ફડાકા ઝીંકી દિધેલ હતા.
દરમિયાન ઇભલો દોડીને તેની શેરીમાં ગયેલ અને થોડીવારમા ઈભલો તલવાર સાથે ઘસી આવેલ અને તેની સાથે તેનો ભાઇ ફિરોજ હાથમા લાકડાનો ધોકો લઇને આવેલ હતો અને ફિરોજે ઇભલાના હાથમાથી તલવાર લઇ લીધેલ અને તેણે તલવાર વડે માથામા બે ઘા ઝીંકી દેતાં તેઓ લોહીલુહાણ થઇ ગયા હતાં. ઇજાગ્રસ્તના બાપુજી વચ્ચે પડતા તેને પણ ઈભલાએ ધોકાથી ફટકારતાં હાથ-પગમાં ઇજા પહોંચી હતી. તેમજ અન્ય બે અજાણ્યાં શખ્સોએ લાકડી લઇ ઘસી આવેલ અને તેઓએ ફરિયાદી યુવક અને તેના બાપુજીને ઢોર મારમાર્યો હતો. તેમજ ઈભલો બોલતો હતો કે, આજે આમને પુરા કરી નાખવા છે કહી ગાળો બોલતો નાસી છૂટ્યો હતો.
બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી કુખ્યાત ઇબ્રાહિમ ઉર્ફે ઇભલા આણી ટોળકીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.