યુવરાજસિંહ વાઘેલાનું રાજકોટથી તેની જ કારમાં અપહરણઃ પડધરી તરફ લઇ જઇ ધોલધપાટ - At This Time

યુવરાજસિંહ વાઘેલાનું રાજકોટથી તેની જ કારમાં અપહરણઃ પડધરી તરફ લઇ જઇ ધોલધપાટ


રાજકોટ તા. ૨૦: સાયલામાં બ્રાહ્મણ ભોજનશાળા સામે દેસાઇ શેરીમાં રહેતાં અને અમદાવાદ-રાજકોટ પાટે અર્ટીગા કારમાં ફેરા કરતાં યુવરાજસિંહ અજીતસિંહ વાઘેલા (ઉ.૩૦) નામના યુવાનનું ગઇકાલે સવારે અગિયારેક વાગ્‍યે રાજકોટ ગ્રીનલેન્‍ડ ચોકડીએથી તેની જ કારમાં અપહરણ કરી ગાળો દઇ ધોલધપાટ કરી અલગ અલગ જગ્‍યાએ ફેરવી છેલ્લે પોલીસની ભીંસ વધતા કાલાવડ પાસે છોડી દેવામાં આવતાં આ યુવાને સહધંધાર્થી એવા રાજકોટના જ શખ્‍સ સહિત ૭ જણા વિરૂધ્‍ધ ફરિયાદ કરી છે. બી-ડિવીઝન પોલીસે મનીલેન્‍ડ એક્‍ટ, લૂંટ, કાવત્રુ, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે. ૨૫ હજારના વ્‍યાજની લેતીદેતીનો ડખ્‍ખો કારણભુત હોવાનું સામે આવ્‍યું છે.
આ બનાવમાં પોલીસે સાયલા રહેતાં યુવરાજસિંહ વાઘેલાની ફરિયાદ પરથી રાજકોટના મુળરાજસિંહ જાડેજા, તેના કુટુંબી ભત્રીજા અજયસિંહ જાડેજા, રાજભા ફોૈજી, વીરૂભા જાડેજા, રાજુભાઇ અને બે અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે. યુવરાજસિંહ વાઘેલાએ જણાવ્‍યું હતું કે હું પુત્ર અને માતા સાથે સાયલા રહુ છું અને અમદાવાદ-રાજકોટ પાટે અર્ટીગા કારમાં મુસાફરોની હેરફેરનું કામ કરુ છું. રાજકોટ આવતો જતો હોઇ અને રાજકોટના મુળરાજસિંહ જાડેજા પણ રાજકોટ-અમદાવાદ પાટે ગાડીઓ ચલાવતાં હોઇ તેથી તેને હું ઓળખું છું. મારે પૈસાની ઘરમાં જરૂર હોઇ જેથી છ મહિના પહેલા મેં મુળરાજસિંહ પાસેથી રૂા. ૨૫ હજાર વ્‍યાજે લીધા હતાં. જેની સામે મારે રોજના રૂા. ૨૦૦ તેને આપવાના હતાં. પરંતુ ધંધો ઠપ્‍પ થઇ જતાં હું તેને પાંચ હજાર જ આપી શક્‍યો હતો. બીજી રકમ ચુકવી શક્‍યો નહોતો.
થોડો સમય મેં સાયલામાં બીજુ કામ ચાલુ કર્યુ હતું. હાલમાં ફરીથી અર્ટીગા કારના ફેરા ચાલુ કર્યા હોઇ અને બે દિવસ પહેલા રાજભા ફોૈજી મળ્‍યા હોઇ તેણે મુળરાજસિંહના પૈસા તારે અમને આપવાના છે તેમ કહી ઉઘરાણી કરતાં તેની પાસે મેં એકાદ મહિનાની મુદ્દત માંગી હતી. આથી તેણે હા પાડી હતી. એ પછી ગઇકાલે ૧૯મીએ સવારે હું મારી પાસેથી જીજે૩૮ટી-૭૩૦૬ નંબરની અર્ટીગા લઇ રાજકોટ અગિયારેક વાગ્‍યે પહોંચ્‍યો ત્‍યારે અગાઉથી ઘડી રખાયેલા કાવત્રા મુજબ મારી કારની ચાવી પડાવી લઇ તેમજ મારો મોબાઇલ ફોન લૂંટી લઇ મારી જ કારમાં મારું અપહરણ કરી રસ્‍તામાં મને ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો.
ત્‍યારબાદ રાજકોટથી પડધરી નજીકના ખારા પીપળીયા પાસે જીઇબી ઓફિસ પાસે લઇ ગયેલ ત્‍યાં એક શખ્‍સે ધોકાથી મારકુટ કરી હતી. તેમજ પૈસા અત્‍યારે જ દેવા પડશે તેમ કહેતાં મેં મારા ભાણેજને ફોનથી જાણ કરી ઓનલાઇન ત્રીસ હજાર મોકલવા કહ્યું હતું. તેની પાસે પૈસા ન હોય તેમણે મારા મોટા ભાઇ ઉત્તમસિંહ વાઘેલાને જાણ કરતાં તેમણે ફોનમાં વાત કરી હતી. એ પછી તેમણે રાજકોટ પોલીસને જાણ કરતાં પોલીસે નાકાબંધી કરવા સહિતની કાર્યવાહી શરૂ કરતાં આરોપીઓ ભીંસમાં આવતાં મને છેલ્લે કાલાવડ નજીક છોડી મુકાયો હતો. મેં પચ્‍ચીસ હજાર મુળરાજસિંહ પાસેથી વ્‍યાજે લીધા હોઇ તે ચુકવી ન શકતાં કાવત્રુ ઘડી કારની ચાવી, ફોન લૂંટી લઇ મારી જ કારમાં અપહરણ કરી લઇ ગયા હતાં અને છેલ્લે મારકુટ કરી ધમકી આપી મુકી દીધો હતો. બી-ડિવીઝન પીઆઇ એમ. સી. વાળા અને ટીમે તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.