નોઈડામાં ટ્વીટન ટાવરનું કાઉન્ટ ડાઉન શરૂ : ૧૨ સેકન્ડમાં જ ટાવર તોડી પડાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/noida-demolition-final-check-ups-on-just-towers-and-exploder-need-to-be-connected/" left="-10"]

નોઈડામાં ટ્વીટન ટાવરનું કાઉન્ટ ડાઉન શરૂ : ૧૨ સેકન્ડમાં જ ટાવર તોડી પડાશે


નોઈડા, તા.૨૭નોઈડામાં ભ્રષ્ટાચાર આચરીને ઊભા કરવામાં આવેલા ૩૨ માળ અને ૧૦૩ મીટરની ઊંચાઈના ટ્વીન ટાવર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. આ ટ્વીન ટાવરને તોડી પાડવા માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ટ્વીટન ટાવરમાં વિસ્ફોટકો અને તેને સંબંધિત વ્યવસ્થાની અંતિમ ચકાસણી થઈ ગઈ છે. ટ્વીન ટાવરમાં વિસ્ફટોકો ગોઠવવા અને તેને કનેક્ટ કરવાનું કામ પૂરું થઈ ગયું છે. હવે માત્ર આ માળખામાંથી ૧૦૦ મીટર લાંબા કેબલને એક્સ્પ્લોડરના બટન સાથે જોડવાનું જ કામ બાકી છે. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે આ ટ્વીન ટાવરને રવિવારે બપોરે ૨.૩૦ વાગ્યે માત્ર ૧૨ સેકન્ડમાં તોડી પાડવામાં આવશે.દિલ્હીના વિશ્વવિખ્યાત કુતુબ મિનારથી ઊંચા ટ્વીન ટાવરને રવિવારે તોડી પાડવા માટે તેમાં વિસ્ફોટકો મૂકવા માટે ૯,૬૪૦  કાંણાં પાડવામાં આવ્યા છે તથા ૩૭૦૦ કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરાશે. નિશ્ચિત સમયે એક બટન દબાવતા જ ટ્વીન ટાવર પત્તાના મહેલની જેમ માત્ર ૧૨ સેકન્ડમાં ધરાશાયી થઈ જશે. એમરાલ્ડ કોર્ટ સોસાયટી પરિસરમાં સુપરટેક કંપની દ્વારા બાંધવામાં આવેલા આ ટ્વીન ટાવર નિયમોનો ભંગ કરીને બનાવાયા હોવાનું ઠર્યા પછી સુપ્રીમ કોર્ટે આ ટાવર તોડી પાડવા માટે આદેશ આપ્યો હતો. ટ્વીન ટાવરને તોડતા પહેલાં એમરાલ્ડ કોર્ટ અને આજુબાજુની એટીએસ વિલેજ સોસાયટીઓમાંથી અંદાજે ૫,૦૦૦થી વધુ રહેવાસીઓને તેમના પરિસરો ખાલી કરાવાયા છે જ્યારે ૩,૦૦૦ જેટલા વાહનોને પણ ત્યાંથી હટાવાયા છે. આ ટાવરોને તોડી પાડવાની કામગીરી કરનારી એડીફિસ એન્જિનિયરિંગના પ્રોજેક્ટ મેનેજર મયુર મહેતાએ કહ્યું કે, બધી જ કામગીરી પૂરી થાય અને બધી જ ટીમો ઈમારતમાંથી બહાર આવે પછી બે ઈમારતો એપેક્સ અને કેયેનને સાંકળવામાં આવશે. ત્યાર પછી બંને ટાવર્સમાંથી ૧૦૦ મીટર લાંબા કેબલને એક્સ્પ્લોડર સાથે જોડાશે અને માત્ર ૧૨ સેકન્ડમાં બંને ઈમારતો તોડી પડાશે.આજુબાજુની સોસાયટીના રહેવાસીઓને બંને ટાવર તોડવાથી તેમના મકાનોને નુકસાન થવાની આશંકા છે. જોકે, બંને ઈમારતોને સલામત રીતે તોડી પાડવાની કામગીરી અંગે પ્રોજેક્ટ મેનેજર મયુર મહેતાને એકદમ આત્મવિશ્વાસ છે. મુંબઈ સ્થિત કંપનીએ આ કામગીરી માટે દક્ષિણ આફ્રિકન નિષ્ણાતોને બોલાવ્યા છે. સંપૂર્ણ કામગીરી પર સ્થાનિક નોઈડા ઓથોરિટી દેખરેખ રાખી રહી છે.બીજીબાજુ સુપરટેક વિરુદ્ધ શરૂઆતથી કેસ લડનારા ઉદયભાન તેવટિયાએ જણાવ્યું કે, તેઓ ઉદયભાન એમરોલ્ડ કોર્ટમાં આરડબલ્યુએના અધ્યક્ષ છે. તેઓ ટ્વીન ટાવર તોડી પાડવા અંગે ખૂબ જ ખુશ છે. તેમનું કહેવું છે કે મને આનંદ છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મારી લડાઈના કારણે આજે ગેરકાયદે નિર્માણ તોડી પાડવામાં આવી રહ્યું છે.સુપરટેક ટ્વીન ટાવર તોડી પાડવામાં અંદાજે ૧૭.૫૫ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ ખર્ચ સુપરટેક કંપની જ ઉપાડશે.આ બંને ટાવરમાં કુલ ૯૫૦ ફ્લેટ્સ છે અને તે બનાવવા સુપરટેકે ૨૦૦થી ૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. વર્તમાન સમયમાં આ ટાવર્સની વેલ્યુ અંદાજે રૂ. ૧,૦૦૦ કરોડ હશે તેમ નિષ્ણાતોનું કહેવું છે.ટ્વીન ટાવર કેવી રીતે તોડી પડાશે?બંને ટાવરમાં પ્રાઈમરી અને સેકન્ડરી ૩૬ બ્લાસ્ટ ફ્લોર ચિહ્નિત છે, જેના પર વિસ્ફોટક મૂકાયા છે. બ્લાસ્ટ ડિઝાઈનની દૃષ્ટીએ એક અને બે ફ્લોર છોડીને બ્લાસ્ટ માટે ફ્લોર પસંદ કરાયા છે. બંને ટાવરમાં ૨૬૫૦ કોલમમાં વિસ્ફોટકો મૂકાયા છે. આ કોલમ બ્લાસ્ટ ફ્લોરમાં સામેલ બેઝમેન્ટથી ટોપ ફ્લોર સુધીના છે. ૧૦૦ મીટર દૂરથી બટન દબાવી વિસ્ફોટ કરાશે. બધા બ્લાસ્ટ એક સાથે નહીં થાય. ડિઝાઈન મુજબ તેમાં સેકન્ડના ૨૦૦મા ભાગનું અંતર રહેશે. પહેલો બ્લાસ્ટ સિયાન ટાવરના બેઝમેન્ટમાં ખૂણા પર થશે. ટ્વીન ટાવરમાં વિસ્ફોટ પછી ૩,૦૦૦ ટ્રક જેટલો કાટમાળ નીકળશે.દુનિયાની પાંચ સૌથી ઊંચી તોડી પડાયેલી ઈમારતો* ૨૩૪.૭ મી.ના સિંગાપોરના એએક્સએ ટાવર ફરી બનાવવા માટે તોડી પડાયા.* ૨૧૫ મી. ઊંચા અમેરિકામાં ૨૭૦ પાર્ક એવન્યુને વધુ ઊંચી ઈમારત બનાવવા તોડી પડાયા.* ૧૮૭ મી. ઊંચી સિંગર બિલ્ડિંગ લિબર્ટી પ્લાઝા બનાવવા તોડી પડાઈ.* ૧૭૧ મી. ઊંચી સિંગાપોરની સીપીએફ ઈમારતને ૨૯ માળના ઓફિસ ટાવર બનાવવા તોડી પડાઈ.* ૧૬૮.૫ મી. ઊંચી યુએઆઈનું અન્ડર કન્સ્ટ્રક્શન મીના પ્લાઝા તોડી પડાયું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]