વેપારી સંગઠનોનો અનુરોધઃ પહેલા કરીએ મતદાન પછી ખોલીએ દુકાન - At This Time

વેપારી સંગઠનોનો અનુરોધઃ પહેલા કરીએ મતદાન પછી ખોલીએ દુકાન


લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

અમરેલીના વેપારી સંગઠનોનો અનુરોધઃ
પહેલા કરીએ મતદાન પછી ખોલીએ દુકાન

મતદાતાઓને પ્રોત્સાહિત કરવા મતદાન કરી ખરીદી કરવા
આવનારને વળતર આપવા અમરેલીના વેપારીઓની સહમતિ

ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત અમરેલીના વિવિધ વેપારી સંગઠનો અને મંડળો સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને TIP-ખર્ચ નોડલશ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

અમરેલી તા.૨૫ એપ્રિલ, ૨૦૨૪ (ગુરુવાર) જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન થશે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન માટે જાગૃત્તિ આવે તે માટે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાની કામગીરી શરુ છે.
આ કડીના ભાગરુપે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને TIP તેમજ ખર્ચ નોડલશ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને વેપારી સંગઠનો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વેપારીઓને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ. મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી મતદાન કરી ખરીદી કરવા માટે આવનારા ગ્રાહકોને યથા યોગ્ય વળતર આપવાના ચૂંટણી પંચના અનુરોધને અમરેલી જિલ્લાના વેપારી સંગઠનોએ વધાવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ ઉપસ્થિત અમરેલી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સ, રેડીમેઇડ ગાર્મેન્ટ એસોસિએશન, વેપારી મહામંડળ, મોલ-સુપર માર્કેટના પ્રતિનિધીશ્રીઓ, પેટ્રોલ પમ્પના વિક્રેતાઓ, સંચાલકો, અમરેલી જિલ્લા આઈ.ટી.એસોસિએશન, મેડીકલ સ્ટોર્સ સંચાલક એસોસિએશન, ફૂટવેર એસોસિએશન, હોટલના સંચાલકો, ઈન્દિરા શોપીંગ સેન્ટર, એસોસિએશન એગ્રો પ્રોડક્ટ અને ડેરી પ્રોડક્ટના વેપારીઓ, કાપડ, કરિયાણાના વિક્રેતાઓ વગેરે વેપારી સંગઠનો અને એસોસિએશન, મંડળોના પ્રમુખશ્રીઓ તેમજ સંગઠનના હોદ્દેદારોને જણાવ્યુ કે, અમરેલી લોકસભા મતવિસ્તારમાં મતદાનની ટકાવારી વધારવા માટે છેલ્લા કેટલાક સમયથી ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરુપે વેપારીઓને મતદાન કરી આવનારા ગ્રાહકોને ૭% જેટલું અથવા પોતાની યથા શક્તિ મુજબ વળતર આપવા માટે અનુરોધ છે.
વેપારી સંગઠનો પૈકી કેટલાક સંગઠનો અગાઉથી જ આ પહેલના ભાગરૂપે તેમની સંમતિ સાથેની વિગતો પૂરી પાડી હતી. જ્યારે કેટલાક સંગઠનો આગામી દિવસોમાં વેપારીઓ સાથે સંમતિ સાધી અને પોતાના સંગઠન હેઠળના વેપારીઓ કેટલું ડિસ્કાઉન્ટ આપશે તેની વિગતો પૂરી પાડશે.
બેઠકમાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકીયાએ વેપારી સંગઠનોને તેમના કર્મચારીઓને મતદાન માટે સવેતન રજા અથવા મતદાન માટેના સમયની અનુકૂળતા કરી આપવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં ઉપસ્થિત સૌ સંગઠનને એક જ સૂરમાં જણાવ્યું હતું કે, આગામી તા.૭ મે, ૨૦૨૪ના રોજ 'પહેલાં મતદાન પછી ખોલીએ દુકાન' બેઠકના પ્રારંભે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપાબેન કોટકે બેઠકનો વિષય તેમજ ટર્ન આઉટ ઈમ્પલિટેશન પ્લાન (TIP) વિશે માહિતી આપી હતી.
કાર્યક્રમના અંતે સૌએ આગામી તા. ૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન કરવાના શપથ લીધા હતા તેમજ પોતાના અને પોતાના પરિવાર તેમજ આસપાસના લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપવાની બાંહેધરી આપી હતી.
આ બેઠકમાં વિવિધ સંગઠનોના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ખજાનચીશ્રી, સદસ્યશ્રીઓ, જિલ્લા વહીવટી-ચૂંટણી તંત્રના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.