નશામાં ધુત ઉપલેટાના કાર ચાલક યુવકે ગુંદાળા ગામ પાસે બે ટુ વ્હીલરને અડફેટે લેતા સારવાર દરમિયાન એકનું મોત - At This Time

નશામાં ધુત ઉપલેટાના કાર ચાલક યુવકે ગુંદાળા ગામ પાસે બે ટુ વ્હીલરને અડફેટે લેતા સારવાર દરમિયાન એકનું મોત


કાર ચાલક નશા ધુત થઈ પુરપાટ ઝડપે ગાડી ચલાવતા હોવાનું સામે આવતા લોકોએ મેથીપાક ચખાડ્યો

અકસ્માતની ઘટનામાં ફરેણી ગામના ખેડૂત દંપતીનો એક જ દિકરનું મોત થતાં પરિવારમાં સન્નાટો

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૩, રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર જેતપુર ગુંદાળા ગામ પાસે એક સ્વીફ્ટ કારે બે બાઈકને અડફેટે લેતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયુ છે. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બાઈક ચાલકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ હતા. જો કે સારવાર દરમિયાન ૧૮ વર્ષીય હર્ષ પ્રવીણભાઈ વઘાસીયા નામના યુવક મોત થયું છે. મૃતક યુવક ફરેણી ગામનો હોવાનું અને હાલ અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે જ્યારે આ કાર ચાલક ઉપલેટાનો પ્રતીક નટુભાઈ ગજેરા હોવાનું સામે આવ્યું છે જે જામ કંડોરણા ડેરીમાં નોકરી કરે છે તેવું સામે સામે આવ્યું છે. મોતની ઘટનાથી સમસ્ત ફરેણી ગામમાં લોકોમાં રોષ છે અને કાર ચાલકને કડકમાં કડક સજા મળે તેમજ પરિવારને ન્યાય મળે તેવી માંગણી લોકો કરી રહ્યાં છે. મૃતક ખેડૂત દંપતીનો એક જ દિકરો હોવાથી માતા-પિતા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે ત્યારે મૃતકની અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું હતું.

રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર બનેલી હિટ એન્ડ રનની આ ઘટનામાં અકસ્માત બાદ સ્થાનિક લોકો ઈજાગ્રસ્ત લોકોની મદદ માટે દોડી આવ્યા હતા જેમાં અકસ્માતની આ ઘટનામાં હર્ષ પ્રવીણભાઈ વઘાસીયા, હર્ષ મહેશભાઈ વિરડિયા એક્ટીવામાં સવાર હતા જ્યારે નિષાર્થ બાંભરોલિયા
તેમજ અન્ય એક યુવક પ્લેટિનામાં સવાર હતા. બનાવ બાદ મદદે આવેલ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કારની અંદર અન્ય લોકો સવાર હતા અને દારૂની બોટલો પણ જોવા મળી હતી આ ઉપરાંત કારચાલક પ્રતીક નશાની હાલતમાં હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. આ ઘટનામાં નશાની હાલતમાં કાર ચલાવી રહેલા પ્રતીકને લોકોએ પ્રથમ તો મેથીપાક પણ ચખાડ્યો હતો. પરંતુ આ દારૂની બોટલો તેમજ નશાની હાલતમાં મળેલ વ્યક્તિ સામે દારૂ બાબતે કોઈ કારવાહી નહીં થતાં લોકોએ પોલીસ પર અનેક સવાલો ઊભા કર્યા છે.

આ અંગે જેતપુર તાલુકા પોલીસ ફરિયાદ દાખલ કરાવનાર હર્ષ મહેશભાઈ વિરડિયાએ જણાવ્યું હતું કે, તારીખ ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સાજના તેમના મિત્ર હર્ષે પ્રવિણભાઇ વઘાસિયા સાથે ફરેણી ગામથી જેતપુર ગલગલીયા હોટેલમાં જમવા માટે ગયા હતા એન પરત આવતી વખતે ઍક્ટિવા હર્ષ ચલાવતો હતો તે વખતે મંડલીકપુર ગામના પુલની આગળ ઓજસ સ્કૂલની સામેના ભાગે રોડ ઉપર જતા હતા તે વખતે પાછળથી એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડી પૂર ઝડપે આવેલ અને ટક્કર મારતા ફંગોડાઇને રોડ ઉપર નીચે પડી ગયા હતા જેમાં ઇજાઓ થયેલ હતી.

હાઈવે પર અકસ્માત સર્જનાર આ સ્વિફ્ટ રાડીના નંબર જી.જે. ૨૫ જે. ૮૧૨૩ હતા જેમા અકસ્માત બાદ માણસો ભેગા થઇ જતા એક ઈકકો ગાડીમાં બેસાડી ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવારમાં થઇ ગયેલ હતા જ્યાંથી વધુ સર્વ અર્થે ખાનગી તૈલી હોસ્પિટલ ધોરાજીમાં વધુ સારવાર અર્થે દાખલ થયેલ હતા. અકસ્માતમાં હર્ષને માળાના ભાગે ગંભીર પ્રકારની ઇજા થયેલ હોય જેથી તેને જુનાગઢ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ અને હર્ષને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સારવાર દરમિયાન મુત્યુ થયેલ છે.

તપાસ આ બનાવની ચલાવનાર જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મનસુખ રંગપરાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું છે કે, આ મામલે ફરિયાદીની ફરિયાદ નોંધાઈ ગયેલ છે. આ મામલામાં કાર ચાલકે બે બાઈકને ઠોકર મારી અડફેટે લેતા અકસ્માતની ઘટના હતી અને અકસ્માતની આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે. અકસ્માત સર્જનાર કાર ચાલક સારવારની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી તે દરમિયાન યુરીન જવાનું બહાનું કરીને ફરાર થઈ ગયો હોવાનું જણાવ્યું છે.

રાજકોટના જેતપુર-ધોરાજી વચ્ચે થયેલા અકસ્માતમાં ઉપલેટાના પ્રતીક નટુભાઈ ગજેરા નામના યુવકે બે બાઈકને અડફેટે લેતા ચાર જેટલા યુવાનોને ઇજાગ્રસ્ત કર્યા હતા જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થતાં જેતપુર તાલુકા પોલીસે સ્વિફ્ટ કાર ચાલક પ્રતિક નટુભાઈ ગજેરા સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ), એમ.વી. કલમ ૧૮૪, ૧૭૭ મુજબનો ગુનો દાખલ કર્યો છે ત્યારે પોલીસની બેદરકારીનો લાભ લઈને પોલીસને તાલી આપી આ યુવક હોસ્પિટલ માંથી ફરાર થવામાં સફળ થયો છે.

અકસ્માતની ઘટના બાદ કાર ચાલકને પણ ઈજાઓ પહોંચી હતું જેમાં આ ઈજાગ્રસ્ત કાર ચાલકની સારવાર ચાલી રહી હતી અને હોસ્પિટલ ખાતે હતો ત્યારે પોલીસની બેદરકારી અને બેજવાબદારીનો પુરો લાભ લઈને અકસ્માત સર્જનાર પ્રતીક નટુભાઈ ગજેરા પોલીસ પકડે અને અટકાયત કરે તે પહેલા મોકાનો પુરો લાભ લઈને ભાગી છૂટ્યો છે જેમાં પોલીસની સંપૂર્ણ બેજવાબદારી સામે આવતા હાલ ફરિયાદીનો અને મૃત યુવકના પરિવાર સહિતનાઓમાં પોલીસની ઢીલી નીતિ અને બેદરકારી સામે ખુબ જ રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ આ મામલામાં હજુ કેટલી ઢીલાશ વાપરી અને મામલો રફેદફે કરવાનો પ્રયત્ન કરે છે તેના પર સૌ કોઈની નજર છે અને પોલીસની બેદરકારી બદલ ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લ્યે છે તે પણ તપાસનો વિષય બન્યો છે.

તસ્વિર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.