હાઈકોર્ટનો આદેશ : રખડતા ઢોર મામલે કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર પર હુમલો કરનારા ચેતજો, પાસા હેઠળ કાર્યવાહી કરાશે - At This Time

હાઈકોર્ટનો આદેશ : રખડતા ઢોર મામલે કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર પર હુમલો કરનારા ચેતજો, પાસા હેઠળ કાર્યવાહી કરાશે


છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો પર રખડતા ઢોરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. તેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા, જેમાં અમુક કિસ્સાઓમાં મોત થયાની પણ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.રાજ્યમાં સૌથી વધુ વિકરાળ બનેલી રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ જેમાં હાઈકોર્ટે રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ લાવવા રાજ્ય સરકાર સહિત DGP અને તમામ મનપા અને નગરપાલિકાઓને કડક પગલા લેવા આદેશ આપ્યા છે.
આ મામલે થયેલી જાહેરહિતની અરજી પર અગાઉ સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને ફટકાર લગાવી હતી.જેમાં કોર્ટે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસે રજૂ કરેલા સોગંધનામાને ધ્યાને લીધા બાદ કેટલાક આકરા આદેશ કર્યા છે. આ કેસમાં પક્ષકાર તરીકે જોડાયેલા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અસીમ પંડ્યાએ કોર્ટને અવગત કરી કે છેલ્લા કેટલાક દિવસથી કાર્યવાહી તો ચાલી હતી. પરંતુ હજુ પણ સમસ્યા જેમની તેમ જ છે.
તેમણે રજૂઆત કરતા જણાવ્યુ કે જે ટીમ હાલ કામગીરી કરી રહી છે તેમના પર સતત હુમલા કરી રહ્યા છે. તેવા લોકો સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ. ઢોર પકડવાની કામગીરી કરી રહેલા કોર્પોરેશનના અધિકારીઓ પોલીસ પર હુમલો કરનારા વ્યક્તિને જોખમી વ્યક્તિ ગણી તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338, 188 હેઠળ ગુનો નોંધવા જોઈએ. આ મામલે અરજી કરનાર નિલય પટેલે સમગ્ર કાર્યવાહી મામલે કોર્ટમાં કહ્યું કે હજુ પણ આ સમસ્યા જેમની તેમ છે. હજુ પણ સતત કાર્યવાહી કરવાની જરૂર છે આ સાથે જ CNCD વિભાગને પણ આગામી સુનાવણી સુધી વધુ એક વખત 24 કલાક કામગીરી કરે તેવી વિનંતી કરી હતી તે કોર્ટે માન્ય રાખી હતી.
આ સાથે જ કોર્ટે એ પણ નોંધ્યુ કે AMC અને સરકારે પુરતા પગલા નથી લીધા તો આ જ મામલે હવે અમદાવાદ પોલીસ કમિશનર, રાજ્ય પોલીસ વડા અને રાજ્ય સરકારના રખડતા ઢોરને ડામવા માટેના લાંબા અને ટૂંકા ગાળાનો એક્શન પ્લાન રજૂ કરવા હુકમ કર્યો છે. રાજ્યના ગૃહ વિભાગને યોગ્ય સંકલન માટે એક વોરરૂમ તૈયાર કરવા પણ આદેશ આપ્યા છે. જ્યારે સમગ્ર મામલે હવે સરકાર અને AMC એ કોર્ટને આશ્વસ્થ તો કર્યા છે, પરંતુ સમસ્યાનો નિકાલ ક્યારે આવશે તે હજુ પણ એક ગંભીર સવાલ છે આ મામલે આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.