બરડા ડુંગર ના સિખર પર થતી કનમેરા હોળી નો ઇતહાસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jhgkx6p0cdcxhlhi/" left="-10"]

બરડા ડુંગર ના સિખર પર થતી કનમેરા હોળી નો ઇતહાસ


*(બરડા ડુંગર ના શિખર પર થતી )*
*‘‘કાનમેરા હોળી’’*
*ઈતિહાસ ની અટારીએથી*
*[આલેખન - પ્રો. રામ બાપોદરા ]*

એવું કહેવાય છે કે બરડા ડુંગરના એક શિખર પર પ્રજ્વલિત થતી ‘કાનમેરા’ હોળીની જ્વાળાઓ ના દર્શન છેક ‘દ્વારકા’ થી થઈ શકતા હતા. આ ઐતિહાસિક કથા પાછળની વાત આજે ભાગ્યેજ કોઈ સંશોધકો અને ઈતિહાસકારો જાણતા હશે માટે સ્થાનિક લોકો ની વાતો આધારીત લેખ અત્રે પ્રસ્તુત છે.

પોરબંદર ના બરડા ડુંગર પર ‘કાનમેરા’ ની હોળી પ્રજ્વલિત થયા બાદ જ આજુબાજુ ના ગામડાંઓ માં હોળી પ્રજ્વલિત થાય છે. સૌથી પહેલાં આ હોળી પ્રજ્વલિત થાય છે. અને સ્થાનિક લોકો દર્શન કરી આજુબાજુના ગામડાઓમાં આ સમાચાર આપે છે. એટલે ત્યારબાદ બધા ગામડાઓમાં હોળી પ્રગટે છે.

ભગવાન શ્રી કૃષ્ણ ના ચરણો થી પાવન થયેલ બરડા ડુંગરમાં ઠેર ઠેર એવા અનેક સ્થળો આવેલાં છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ વાસ કર્યો હતો. આજે પણ આપણને અનેક કથાઓ મળે છે. તેમાંની એક વાત એટલે ‘કાનમેરા’ ની હોળી.

‘કાનમેરા’ શિખર બરડા ડુંગર ના ‘વેણું’ અને ‘આભપરા’ પછીનું સૌથી ઉંચું શિખર છે.

એવું કહેવાય છે કે અહીં હજારો વર્ષ પહેલાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ હોળી પ્રગટાવી હતી.
ત્યારબાદ આજ વર્તમાન સમયમાં પણ આ શિખર પર હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે. અને આજુબાજુના ગામડાઓમાં રહેતા અનેક લોકો અહીં દર્શન કરવા માટે આવે છે.

અહીં આવતા ગામના વયોવૃદ્ધ વડીલો દ્વારા વિવિધ દુહાઓ અને છંદ બોલવામાં આવે છે.

એક એવી લોકવાયકા છે કે ભગવાન શ્રી કૃષ્ણ ‘રુક્ષિ્મણી’ નું હરણ કરી ને અહીં લાવ્યા હતા એ દિવસ ફાગણ સુદ પૂનમ નો હતો. અહીં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં હોળી પ્રગટાવે છે. લોકો અહીં રાસ રમે છે. ઉત્સવ ઉજવે છે. મેળો ભરાય છે એટલે આ શિખર નું નામ ‘કાનમેરો’ એવું પડે છે.

ઈતિહાસવિદો આ શિખર ના નામકરણ પાછળ એક જુદો જ તર્ક રજૂ કરે છે - આ શિખર પર ‘તમરાઓ’ બહુ પ્રમાણમાં છે. કાનમેરા ની દક્ષિણ દિશામાં ‘સાકળોજુ’ તળાવ આવેલું છે. તેની આજુબાજુ અનેક વૃક્ષો છે. પરંતુ ટીમરુનાં ઝાડ વધુ છે. ત્યાં ‘વનરાવન નેશ’ આવેલ છે તેના પરથી આ શિખર નું નામકરણ થયેલ છે. એવો પણ એક મત છે.

‘કાનમેરા’ હોળી જ્યાં થાય છે તે જગ્યાએ વિસેક ફુટ નિચે ગાત્રાળ માતાજી નું સ્થાનક આવેલું છે.

હોળી પ્રગટાવી અને કોઈ લોકો ત્યાં રાતવાસો કરી શકતા નથી. બધાજ લોકો શિખર પરથી નિચે આવી જાય છે. આજુબાજુ માંથી આવતા લોકો હોળી ના દર્શન કર્યા બાદ પોતપોતાના ઘરે પરત ફરે છે. સ્થાનિક લોકો ના કહેવા પ્રમાણે હોળી પ્રજ્વલિત કર્યા પહેલાં તેની નીચે જમીન માં રાખવામાં આવતો કુંભ સવારે બહાર હોય છે. કોઈ અદ્રશ્ય અને દિવ્ય શક્તિ હજુ પણ ત્યાં છે. તેની સાક્ષી આપણને આ બાબત આપે છે.

હોળી ની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે. કુંભ કેવો પાક્યો છે. તે બાબત ના આધારે આવનારું વર્ષ કેવું જશે તેના એંધાણ ગામના લોકો આપે છે.

અન્ય એક લોકવાયકા મુજબ એક બીજો મત પણ પ્રચલિત છે - પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા- ખંભાળા વિસ્તાર ની વચ્ચે આવેલ બરડા ડુંગર ની એક શાખ ટેકરી ‘કાનમેરા’ ડુંગરની એક પ્રચલિત દંતકથા અનુસાર ‘હુતાસણી’ પર્વના સાંજના ‘હુતાસણી’ પ્રગટાવવા ના સમયે ગુરૂ દ્રોણાચાર્ય ના પુત્ર અશ્વત્થામા અહીં પધારે છે. તેઓ ‘કાન મેરા’ ની હોળી પ્રગટાવી અને અદ્રશ્ય અંતરિક્ષ હાજર રહે છે.

હોળી પ્રજ્વલિત થયા બાદ અમુક સમય જ ડુંગર માં વસતા માલધારીઓ ત્યાં રહી શકે છે.
ત્યાં રાત્રિ રોકાણ થઈ શકતું નથી.

એવી માન્યતા છે કે હોળી પ્રગટાવ્યા પહેલાં જમીનમાં ગોળ ખાડો તૈયાર કરવામાં આવે છે. તેમા માટીનો કુંભ રાખવામાં આવે છે. આ કુંભમાં ઘઉં અને ચણા ભરવામાં આવે છે. સવારે લોકો આ કુંભ માં રહેલા ચણા ને પ્રસાદ સ્વરૂપે વહેંચે છે. પરંતુ ‘કાનમેરા’ ડુંગર ની હોળીમાં જમીન માં રહેલ કુંભ અદશ્ય થઈ જાય છે અને સવારે સ્વયં કુંભ ના દર્શન બહાર થાય છે. કોઈ અલૌકિક અને અદ્રશ્ય શક્તિ હજુ પણ ત્યાં બિરાજમાન છે જે બાબતની સાક્ષી આ પ્રસંગ આપણને આપે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]