મહિલા સ્વાવલંબનની દિશામાં રાજ્ય સરકારશ્રી દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે ત્યારે આજે આ કાર્યક્રમ થકી બહેનો પગભર થાય તે જ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય - At This Time

મહિલા સ્વાવલંબનની દિશામાં રાજ્ય સરકારશ્રી દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે ત્યારે આજે આ કાર્યક્રમ થકી બહેનો પગભર થાય તે જ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય


કાર્યક્રમમાં લાભાર્થીઓને કુલ રૂ. ૩૬ લાખ ૬૫ હજારની લોનનાં ચેકનું વિતરણ કરાયું

બોટાદમાં રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાનાં અધ્યક્ષસ્થાને “વિશ્વાસથી વિકાસ યાત્રા”
અન્વયે સ્વ-સહાય જૂથોનાં ચેક વિતરણ કાર્યક્રમ સંપન્ન

આજે બોટાદમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાનાં અધ્યક્ષસ્થાને સરકારશ્રીના ર0 વર્ષના વિશ્વાસ દ્વારા સાધેલા વિકાસની ઉજવણીનાં ભાગરૂપે “વિશ્વાસથી વિકાસ યાત્રા” અન્વયે સ્વ-સહાય જૂથોનાં ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓને કુલ ૩૬ લાખ, ૬૫ હજાર રૂપિયાની લોનનાં ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે, આજના “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમ હેઠળ ચેક વિતરણ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા સ્વ-સહાય જૂથોની આજીવિકા પ્રવૃત્તિ તેમજ અન્ય જરૂરિયાતોને પહોચી વળવા માટે બેંક મારફત જરૂરિયાત અનુસાર ધિરાણ આપવાનો છે. બોટાદ જીલ્લાનાં ગ્રામ્ય તથા શહેરી સ્વ-સહાય જુથોને આજીવિકા પ્રવૃતિ તેમજ અન્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેંક મારફત જરૂરિયાત અનુસાર ધિરાણ કરી તેમનાં દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની વિવિધ વસ્તુઓને પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે છે. બહેનો પાસે બચત કરવાનું કૌશલ્ય રહેલું છે અને નાની-મોટી કામગીરી થકી આર્થિક ઉપાર્જન દ્વારા પરિવારને આગળ લઇ આવવાની કુશળતા કુદરતી તેમનાંમાં રહેલી જ છે ત્યારે મહિલા સ્વાવલંબનની દિશામાં રાજ્ય સરકારશ્રી દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે ત્યારે આજે આ કાર્યક્રમ થકી બહેનો પગભર થાય તે જ રાજ્યસરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
મંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયાએ ઉમેર્યું કે, ગુજરાતનાં પનોતા પુત્ર અને ભારતનાં લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું લક્ષ્ય બહેનોને આત્મનિર્ભર બનાવવાનું રહ્યું છે. સરકારી યોજનાઓ થકી મળતી સહાયથી બહેનો પગભર બની છે. બહેનો અલગ-અલગ વ્યવસાય કરવા સક્ષમ બની છે. નરેન્દ્રભાઈ મોદીનો ચીલો આખા દેશે સ્વીકાર્યો છે. નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારની સ્પીડને કારણે દેશની ટ્રેનોએ પણ સ્પીડ પકડી છે. જનધન ખાતાથી કરોડો લોકો સુધી લાભો પહોંચી રહ્યા છે. સરકારનાં સતત પ્રયાસોનાં કારણે છેવાડાંનો માનવીને પણ વિશ્વાસથી વિકાસની પ્રતિતિ થઈ રહી છે.
આ તકે ગઢડાના ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમારે જણાવ્યું હતું કે, સરકારી સહાયનો ઉપયોગ કરીને છેવાડાનાં માનવી સુધી વિકાસ પહોંચાડી તેમનું જીવન ધોરણ ઉંચુ લાવવાનો ઉમદા પ્રયાસ સરકારશ્રી દ્વારા થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં શાસનમાં વિકાસની કુચ ગાંધીનગરથી દિલ્લી પહોંચી છે. ર0 વર્ષનાં કાળમાં તેમણે દેશનાં વિકાસને જ મહત્વ આપ્યું છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી નાનાં-નાનાં અનેક ઉદ્યોગોને વેગ મળ્યો છે.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, સ્વસહાય જુથો અને સખી મંડળો અન્ય લોકોને પણ પ્રોત્સાહન આપી રહ્યાં છે. બહેનો પોતાની વિવિધ કલા-કારીગીરીથી અવનવી વસ્તુઓનું ઉત્પાદન કરીને આજિવિકા મેળવીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રીનાં હસ્તે ૧૧ જેટલાં સ્વ-સહાય જૂથો અને સખી મંડળોને મંચ પરથી કુલ ૩૬ લાખ, ૬૫ હજાર રૂપિયાનાં લોનનાં ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પીએમજેવાયનાં લાભાર્થીઓને આયુષ્યમાનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને અમદાવાદનાં વસ્ત્રાલથી આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. મહત્વનું છે કે કાર્યક્રમમાં સ્વ-સહાય જુથો અંગે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી.
બોટાદનાં નાનજી દેશમુખ ઓડિટોરીયમમાં યોજાયેલાં આ કાર્યક્રમમાં ઈન્ચાર્જ કલેક્ટરશ્રી પી.ડી. પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બલોલિયા સહિતનાં મહાનુભાવો, પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.