કોઠારીયા પાસેની એનિમલ હોસ્ટેલમાં ગાયોના ટપોટપ મોત : જીવદયા ટ્રસ્ટની બેદરકારીનો આરોપ - At This Time

કોઠારીયા પાસેની એનિમલ હોસ્ટેલમાં ગાયોના ટપોટપ મોત : જીવદયા ટ્રસ્ટની બેદરકારીનો આરોપ


શહેરની ભાગોળે કોઠારીયા ગામમાં ખોખળદળ નદી પાસે આવેલી એનીમલ હોસ્ટેલનું સંચાલન કરતી અને મહિને 60 લાખની નિભાવ ગ્રાન્ટ લેતી સંસ્થા જીવદયા ટ્રસ્ટની બેદરકારથી રોજ બે આંકડામાં પશુઓ ટપોટપ મરી રહ્યાનો ગંભીર આક્ષેપ અને ખુલાસો પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ કાર્યકારી પ્રમુખ ડો.મહેશ રાજપૂતે કર્યો છે. આ સાથે જ તેમણે મનપા તુરંત બેદરકારી બદલ પગલા લે અને જરૂર પડયે સંચાલન પરત ખેંચે તેવી માંગણી કરી છે.
કોઠારીયા પાસે ખોખળદળ નજીક આવેલી એનીમલ હોસ્ટેલમાં ગાય, વાછરડા સહિતના પશુઓ રાખવામાં આવે છે. આ જગ્યાનું સંચાલન મહાપાલિકાએ જીવદયાના ઇરાદા સાથે જીવદયા ટ્રસ્ટને સોંપેલું છે. અહીં પશુઓના નિભાવ અને જાળવણી માટે રોજના બે લાખ એટલે કે રૂા. 60 લાખની માસિક ગ્રાન્ટ આપવામાં આવે છે. આ જગ્યાએ થોડા દિવસોથી પશુઓ ટપોટપ મરે છે. આજે પણ 1ર પશુના જીવ ગયા છે.
આ અંગે વધુ વિગતો જાહેર કરતા ડો.મહેશ રાજપૂતે જણાવ્યું છે કે, મહાપાલિકાએ પશુઓની યોગ્ય જાળવણી અને નિભાવ થાય તે માટે સંચાલન સોંપ્યું છે. આ જગ્યામાં રોજ 10થી 1ર પશુના મૃત્યુ થઇ રહ્યા છે. તેના સંચાલક રાજેન્દ્ર શાહ અને યશ શાહ છે. આ જગ્યાએ રોજ બે વખતના બદલે માત્ર એક જ વખત પશુને જમવાનું અપાતું હોવાની ફરિયાદ તેમને મળી છે. સ્વચ્છતાના ધોરણનું પાલન થતું નથી. હાલ ચોમાસુ કે રોગચાળા જેવી કોઇ સ્થિતિ ન હોવા છતાં પશુઓના મૃત્યુમાં બેદરકારી જ જવાબદાર દેખાઇ રહી છે. આ સંસ્થાને ખુબ મોટી ગ્રાન્ટ મળતી હોવા ઉપરાંત જુદા જુદા પ્રસંગોએ અને રોજિંદા દિવસોમાં મોટુ દાન પણ મળતું હોય છે.
ગાયોના નામે મોટુ દાન અને ગ્રાન્ટ આવતા હોવા છતાં થઇ રહેલા ગાયોના મોત અંગે તપાસ કરવાની જરૂર છે. છેલ્લા થોડા દિવસથી આવી ઘટના બનતી હોવા છતાં મહાપાલિકા તંત્રએ કોઇ તપાસ કરી ન હોય તો તે ખુબ ગંભીર બાબત છે. આટલી ગ્રાન્ટ આપવા છતાં ગંદકી વચ્ચે પશુના જીવ જતા હોવાથી તાત્કાલીક નોટીસ આપીને ખુલાસા પૂછવા જોઇએ. આજ સુધી તંત્રએ નોટીસ કેમ ન આપી તે પણ સવાલ છે. આ ઘટનાઓમાં જો ટ્રસ્ટની બેદરકારી સાબિત થાય તો તાત્કાલીક તેની પાસેથી સંચાલન પરત મેળવીને અન્ય સંસ્થાને જવાબદારી સોંપવાની માંગણી પણ પ્રદેશ કોંગ્રેસ નેતાએ કરી છે. આ એનિમલ હોસ્ટેલ બહાર સંસ્થાએ થાંભલા પર મનપાના બદલે પોતાની સંસ્થાનું બોર્ડ મારી દીધાની ફરિયાદ પણ ડો.રાજપૂતે તંત્રના ધ્યાને મૂકી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.