મહિનામાં બે જગ્યા ખાલી: મનપામાં 23 વિભાગોનું કામ ફરી એકમાત્ર DyMC હસ્તક - At This Time

મહિનામાં બે જગ્યા ખાલી: મનપામાં 23 વિભાગોનું કામ ફરી એકમાત્ર DyMC હસ્તક


ગાંધીનગર મહાપાલિકાના હદ વિસ્તરણ અને વધતી કામગીરીને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ત્રણ જગ્યા મંજૂર કરવામાં આવી છે. આ જગ્યા પર ત્રણેય અધિકારીની નિમણૂંક થયેલી હતી પરંતુ ગત એપ્રિલ માસમાં બે અધિકારીને આઇએએસમાં બઢતી મળતા એકમાત્ર ડીવાયએમસી રહ્યા હતા. જેના હસ્તક તમામ વિભાગોનો હવાલો રહ્યો હતો. 8- 9 મહિના સુધી આ સ્થિતિ રહ્યા બાદ સરકારે વધુ બે ડીવાયએમસીની નિમણૂંક કરી હતી. પરંતુ નિમણૂંકના એક દોઢ મહિનામાં જ ત્રણ પૈકી બે અધિકારીની બદલીના આદેશ થયા હતા. જેમાં એક અધિકારી તો નિમણૂંક મળ્યાના એક મહિનામાં ફરી બદલી પામ્યા હતા. જેથી હવે મહાનગરપાલિકામાં એકમાત્ર ડીવાયએમસી-2 જે.એમ. ભોરણીયા રહ્યા છે. બદલી પામેલા કેયુર જેઠવા, ડીવાયએમસી-1 અને મનીષાબેન પટેલ, ડીવાયએમસી-3 છૂટા થઇ જતાં તે બંને હસ્તકના તમામ વિભાગો અને કામગીરી જે.એમ. ભોરણીયાને સોંપવામાં આવી છે. હાલ મહાનગરપાલિકામાં ડીવાયએમસી-1 અને ડીવાયએમસી-3ની જગ્યા ખાલી પડી છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતા આગામી થોડા દિવસો પછી લાગુ થવાની શક્યતા છે ત્યારે જો સરકાર દ્વારા બદલીના છેલ્લી ઘડીના રાઉન્ડમાં આ બંને જગ્યા પર અધિકારીઓની નિમણૂંક નહીં અપાય તો લાંબા સમય સુધી એક ડીવાયએમસી મારફતે મહાનગરપાલિકાની કામગીરી ચલાવવાની સ્થિતિ ફરી ઉપસ્થિત થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.