વઢવાણ ખાતે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/csemxh2fpmteqcck/" left="-10"]

વઢવાણ ખાતે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો.


તા.05/09/2022/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

5 સપ્ટેમ્બરે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખાતે કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ નિર્ણયો લીધા છે જેના પરિણામે આજે શિક્ષણ આંગળીના ટેરવે ઉપલબ્ધ બન્યું છે. આજે છેવાડાના વિસ્તારમાં બાળકોને કમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે.વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષકનું સમાજમાં અદકેરુ સ્થાન છે કારણ કે વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શિક્ષકનો અમૂલ્ય ફાળો હોય છે. શિક્ષકના આ અમૂલ્ય પ્રદાનને લીધે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને શિક્ષક દિને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આવા કાર્યક્રમો થકી સન્માનિત શિક્ષક અન્ય માટે પ્રેરણારૂપ બને છે.કોઈપણ દેશ કે રાજ્યની પ્રગતિ શિક્ષણ વિના ન થઈ શકે તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે, આજના યુગમાં શિક્ષણ અનિવાર્ય બાબત છે. આ શિક્ષણ પીરસતા શિક્ષકોને સન્માનિત કરીને રાજ્ય સરકાર શિક્ષકોના ઉમદા કાર્યને ઉજાગર કરી રહી છે.વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે આજે શિક્ષણ ક્ષેત્રે નવી નીતિઓ ઘડવામાં આવી રહી છે આ શિક્ષણનીતિમાં તમામ પાસાઓને આવરી બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ તકે મંત્રીએ સન્માનિત શિક્ષકોને શુભેચ્છા પાઠવી આગામી સમયમાં ઝાલાવાડના શિક્ષકો રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય અને જિલ્લા કલેકટર કે.સી. સંપટે પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના 2 અને તાલુકા કક્ષાના 3 શિક્ષકોને મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી કે. એન. બારોટે સ્વાગત પ્રવચન કર્યું હતું અને પ્રકાશ પંડ્યાએ આભાર વિધિ કરી હતી.આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેષન નરેન્દ્રભાઈ મુંજપરા, અગ્રણી જગદીશભાઈ મકવાણા, જયેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિતાબેન ગઢવી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય સી. ટી. ટુંડિયા સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]