ભારત વિરોધી અને નકલી સમાચારો ફેલાવતી 8 યુ-ટયૂબ ચેનલો બ્લોક - At This Time

ભારત વિરોધી અને નકલી સમાચારો ફેલાવતી 8 યુ-ટયૂબ ચેનલો બ્લોક


- કેન્દ્ર સરકારની વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક- સાત ભારતીય, એક પાકિસ્તાની ચેનલો બ્લોક કરવામાં આવી, બધી ચેનલોના કુલ 85 લાખ સબસ્ક્રાઈબર : પ્રસારણ મંત્રાલય- કેન્દ્ર સરકારે આઠ મહિનામાં 102 યુ-ટયૂબ ન્યૂઝ ચેનલો, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યોનવી દિલ્હી : કેન્દ્ર સરકારે દેશની રાષ્ટ્રીય સુરક્ષા અંગે ખોટી માહિતી ફેલાવવા અને ભારત વિરોધી તેમજ નકલી અને 'સનસનીખેજ થંબનેલ'નો કથિત ઉપયોગ કરવા મુદ્દે પાકિસ્તાનથી સંચાલિત એક ચેનલ સહિત આઠ યુ-ટયૂબ ચેનલોને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. થંબનેલ એવી તસવીરો અથવા સામગ્રી હોય છે, જેના મારફત વીડિયોમાં દર્શાવાતા વિષય વસ્તુની ટૂંકી માહિતી આકર્ષક રીતે રજૂ કરાય છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે, ઈન્ફર્મેશન ટેક્નોલોજી નિયમ-૨૦૨૧ હેઠળ બ્લોક કરાયેલી યુ-ટયૂબ ચેનલોમાં સાત ભારતીય ચેનલો છે.માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું કે, બ્લોક કરવામાં આવેલી આ ચેનલોના ૧૧૪ કરોડ 'વ્યૂઝ' (એટલે કે તેને ૧૧૪ કરોડ વખત જોવામાં આવી) અને ૮૫.૭૩ લાખ સબસ્ક્રાઈબર છે તથા આ ચેનલની સામગ્રીથી કમાણી કરવામાં આવે છે. સરકારના આદેશ હેઠળ બ્લોક કરાયેલી ચેનલોમાં 'લોકતંત્ર ટીવી', 'યૂએન્ડવી ટીવી', 'એએમ રિઝવી', 'ગૌરવશાળી પવન મિથિલાંચલ', 'સીટૉપ ૫ટીએચ', 'સરકારી અપડેટ', 'સબ કુછ દેખો' અને પાકિસ્તાન સંચાલિત 'ન્યૂઝ કી દુનિયા'નો સમાવેશ થાય છે.ગયા વર્ષે ડિસેમ્બરથી સરકારે અત્યાર સુધીમાં ૧૦૨ યુ-ટયૂબ આધારિત ન્યૂઝ ચેનલો અને કેટલીક અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. ભારતીય યુ-ટયૂબ ચેનલો 'નકલી અને સનસનીખેજ થંબનેલનો ઉપયોગ કરતી' જોવા મળી છે. તેમણે દર્શકોને સમાચારની પ્રમાણિક્તાનો વિશ્વાસ અપાવવા માટે સમાચાર રજૂ કરનારાઓની છબીઓ અને કેટલીક ટીવી સમાચાર ચેનલના 'પ્રતીક ચિહ્નો (લોગો)'નો ઉપયોગ કર્યો હતો. આ યુ-ટયૂબ ચેનલોમાં ભારત સરકાર દ્વારા ધાર્મિક સંરચનાઓને તોડી પાડવા, ધાર્મિક તહેવારોની ઊજવણી પર પ્રતિબંધ લગાવવા, ભારતમાં ધાર્મિક યુદ્ધની જાહેરાત જેવા ખોટા દાવાઓ પણ કરાયા છે.સરકારે કહ્યું કે, યુ-ટયૂબ ચેનલો દ્વારા દેશમાં સાંપ્રદાયિક સદ્ભાવ અને જાહેર વ્યવસ્થા બગાડવાના હેતુથી આ સમાચારો દર્શાવાયા હોવાનું જણાયું છે. આ યુ-ટયૂબ ચેનલનો ઉપયોગ ભારતીય સશસ્ત્ર દળો અને જમ્મુ-કાશ્મીર જેવા વિવિધ વિષયો પર પણ નકલી સમાચારો પોસ્ટ કરવા માટે કરાતો હતો. આ સામગ્રી રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય દેશો સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોના દૃષ્ટિકોણથી સંવેદનશીલ અને સંપૂર્ણપણે નકલી હોવાનું જણાયું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે, તેણે બ્લોક કરેલી ચેનલોનું કન્ટેન્ટ દેશની સંપ્રભુતા અને અખંડતા, દેશની સુરક્ષા, અન્ય દેશો સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો તથા જાહેર વ્યવસ્થા માટે હાનિકારક હતું. તેથી તેને ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ ૨૦૦૦ની કલમ ૬૯એ હેઠળ લાવવામાં આવ્યું છે. બ્લોક કરાયેલી આઠ યુ-ટયૂબ ચેનલો

ચેનલ

સબસ્ક્રાઈબર

વ્યૂઝ

લોકતંત્ર ટીવી

૧૨.૯૦

૨૩.૭૨

યુએન્ડવી ટીવી

૧૦.૨૦

૧૪.૪૦

એએમ રિઝવી

૦.૯૫

૧.૨૨

ગૌરવશાળી મિથિલાંચલ

૭.૦૦

૧૫.૯૯

સી ટોપ૫ટીએચ

૩૩.૫૦

૨૪.૮૩

સરકારી અપડેટ

૦.૮૦

૦.૭૦

સબ કુછ દેખો

૧૯.૪૦

૩૨.૮૬

ન્યૂઝ કિ દુનિયા

૦.૯૭

૦.૬૧

-સબસ્ક્રાઈબરના આંકડા લાખમાં છે.-વ્યૂઝના આંકડા કરોડમાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.