બિહારમાં JDU-BJPની ગઠબંધન સરકારમાં ભંગાણના એંધાણ, જાણો CM નીતીશના રોષનું કારણ - At This Time

બિહારમાં JDU-BJPની ગઠબંધન સરકારમાં ભંગાણના એંધાણ, જાણો CM નીતીશના રોષનું કારણ


- રાજીવ રંજન સિંહે રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જેડીયુના સમર્થનનો હવાલો આપીને બધું બરાબર હોવાનું જણાવ્યુંપટના, તા. 08 ઓગષ્ટ 2022, સોમવારબિહારના રાજકારણમાં હાલ ભારે ગરમાવો વ્યાપેલો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે મંગળવારના રોજ જનતા દળ યુનાઈટેડના (JDU) તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી હતી. રાજ્યની જેડીયુ અને ભાજપની ગઠબંધન સરકારમાં કશુંક રંધાઈ રહ્યું હોવાનું જણાય છે. અટકળો એ હદે જોરમાં છે કે, નીતીશ કુમારની પાર્ટી ભાજપ સાથેનું ગઠબંધન તોડી શકે છે. ત્યારે આ પ્રકારની અટકળોનો આધાર કયો છે અને નીતીશ કુમાર શા કારણે ભાજપ સામે રોષમાં છે તે જાણવું જરૂરી બની જાય છે. 1. સીએમ નીતીશ કુમાર ઈચ્છે છે કે, વિજય કુમાર સિન્હાને બિહાર વિધાનસભામાં સભા અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવે. તેમણે અનેક વખત સિન્હા માટેની નારાજગી વ્યક્ત કરેલી છે. તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે સ્પીકર તેમની સરકાર સામે સવાલ કરીને બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યા છે. 2. નીતીશ કુમાર એ વાતે પણ નારાજ છે કે, તેમની પાર્ટીના માત્ર એક જ નેતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં જગ્યા ઓફર કરવામાં આવી. બિહારમાં કેબિનેટના વિસ્તરણ દરમિયાન નીતીશે પોતાની પાર્ટીના 8 નેતાઓને મંત્રી પદ આપ્યું જ્યારે માત્ર એક જ બેઠક ભાજપ માટે ખાલી રાખવામાં આવી. તે સ્પષ્ટપણે જેડીયુ પ્રમુખની નારાજગી દર્શાવે છે. 3. જેડીયુ પ્રમુખ રાજ્યો અને કેન્દ્રમાં એક સાથે ચૂંટણી યોજવાના વિચારની પણ વિરૂદ્ધમાં છે. વડાપ્રધાન મોદીએ લોકસભા તથા અલગ-અલગ વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરવા સૂચન કર્યું હતું જેનો વિપક્ષી પાર્ટીઓ દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે. તે એક એવો મુદ્દો છે જેમાં જેડીયુના વિચારો વિપક્ષ સાથે સંપૂર્ણપણે મેળ ખાય છે. 4. એક અહેવાલ પ્રમાણે નીતીશ કુમાર પોતાની કેબિનેટમાં ભાજપના મંત્રીઓની પસંદગી કરવામાં વધુ પાવર ઈચ્છે છે. જ્યારે એવું માનવામાં આવે છે કે, ગૃહમંત્રી અમિત શાહ બિહારના મંત્રી મંડળ માટે પોતાની નજીકના લોકોને પસંદ કરે છે. ઉદાહરણ તરીકે સુશીલ મોદીનો ચહેરો નજર સામે જ છે. સુશીલ અનેક વર્ષો સુધી રાજ્યના ઉપમુખ્યમંત્રી બની રહ્યા જ્યારે હાઈકમાને તેમને રાજ્ય બહારની જવાબદારીઓ સોંપી દીધી. 5. નીતીશ કુમાર ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની તથા સહયોગીઓને કેન્દ્રીય મંત્રીઓ તરીકે સાંકેતિક પ્રતિનિધિત્વની રજૂઆત મામલે પણ નારાજ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહે કેન્દ્રીય મંત્રી બનવા માટે નીતીશ કુમારને સાઈડમાં ધકેલીને ભાજપના નેતૃત્વ સાથે સીધી વાતચીત કરી હતી. આ મામલે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન (લલન) સિંહે કહ્યું હતું કે, 'કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થવાની શું જરૂર છે? મુખ્યમંત્રીએ 2019માં નિર્ણય લીધો હતો કે, તેઓ કેન્દ્રીય મંત્રીમંડળનો હિસ્સો નહીં બને.'6. નીતીશ કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં નહોતા સામેલ થયા. તે મામલે કોઈ સત્તાવાર કારણ હજુ સુધી સામે નથી આવ્યું. જોકે મુખ્યમંત્રીની નજીકના લોકોના કહેવા પ્રમાણે કોરોના સંક્રમણ બાદ શારીરિક નબળાઈનો હવાલો આપીને તેઓ બેઠકમાં નહોતા જોડાયા. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી 25 જુલાઈના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. જોકે સંક્રમણમાંથી સાજા થયા બાદ તેઓ કેટલાક કાર્યક્રમોમાં સામેલ થયા હતા. 7. આ બધી અટકળો વચ્ચે જેડીયુ દ્વારા ભાજપ સાથેના ખટરાગની અટકળોને ફગાવી દેવામાં આવી છે તથા ગઠબંધનમાં બધું બરાબર જ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજીવ રંજન સિંહ ઉર્ફે લલને આ માટે રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જેડીયુના સમર્થનનો હવાલો આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, 'અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા રાજ્યસભા સાંસદ વશિષ્ઠ નારાયણ સિંહે વ્હીલચેર પર મતદાન કેન્દ્ર પહોંચીને મતદાન કર્યું હતું. ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ) પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાનું આનાથી મજબૂત પ્રદર્શન ન હોઈ શકે.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.