સુરત : રૂંઢનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાના એક સોમવારે ખાસ ભસ્મ આરતી કરાય છે - At This Time

સુરત : રૂંઢનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાના એક સોમવારે ખાસ ભસ્મ આરતી કરાય છે


- આ વર્ષે આઝાદીના પર્વે જ સોમવાર હોવાથી તે દિવસે ભસ્મ આરતી કરાશે : આજુબાજુના ગામના લોકો લાકડા અને છાણા આપી જાય છે જેમાંથી ભસ્મ બને છેસુરત,તા.29 જુલાઈ 2022,શુક્રવાર શ્રાવણ માસમાં શિવજીના અભિષેકનું વિશેષ મહત્વ છે ત્યારે શહેરના ઇચ્છાનાથ વિસ્તારમાં આવેલા રૂંઢનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાના એક સોમવારે ખાસ ભસ્મ આરતી કરવામાં આવે છે. જેને લઈને ૧૧ ફૂટનું શિવલિંગ ૫૧૦૦૦ રુદ્રાક્ષ થી તૈયાર કરવામાં આવે છે.સમગ્ર ભારત દેશમાં એકમાત્ર ઉજ્જૈન મહાકાલ મંદિરે ભસ્મ આરતી થાય છે જેને લઈને દેશ- વિદેશના લોકોમાં પ્રખ્યાત છે . ત્યારે સુરતમાં ઈચ્છાનાથ વિસ્તારનું રૂંઢનાથ મહાદેવ મંદિર દક્ષિણનું સંભવત: એક માત્ર મંદિર છે જ્યાં વર્ષમાં એકવાર ભસ્મ આરતી થાય છે. શ્રાવણ મહિનામાં એક સોમવારે આ મંદિરે સવારે ભસ્મ આરતી કરવામાં આવે છે.મંદિરની આજુબાજુના વિસ્તારના ગામના લોકો સ્વેચ્છિક રીતે લાકડા અને છાણા આપી જાય છે જેમાંથી ભસ્મ તૈયાર કરવામાં આવે છે અને તેનો અભિષેક મંદિરમાં ખાસ બનાવવામાં આવેલા ૧૧ ફૂટ ઊંચા શિવલિંગ પર કરવામાં આવે છે. જે ૫૧ હજાર રુદ્રાક્ષ થી તૈયાર કરવામાં આવે છે. ઉલ્લખનીય છે કે ઉજ્જૈનમાં જે રીતે ભસ્મ આરતી કરવામાં આવે છે એ જ રીતે અહીં આરતી કરવામાં આવે છે. જેનો લ્હાવો લેવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. એટલું જ નહીં શ્રાવણ માસમાં મળસ્કે ૪ વાગ્યા થી ૬ વાગ્યા સુધી થતી પૂજા માટે પણ ભક્તો એડવાન્સ બુકિંગ કરાવે છે.આ અંગે મંદિરના પુજારી વિશાલગીરી ગોસ્વામીએ કહ્યું કે, શિવલિંગ માટે મંદિરના જ પંચમુખી રુદ્રાક્ષનો ઉપયોગ કર્યો છે. તારમાં એક એક રુદ્રાક્ષ પોઈ તેની માળા તૈયાર કરી માળાને શિવલિંગ પર ફીટ કરી છે. ૧૦ થી ૧૧ ભકતોએ મળીને તેને તૈયાર કર્યુ છે. આ વર્ષે ૧૫ ઓગષ્ટે સવારે ૭ વાગ્યે ભસ્મ આરતી થશે. ભકતો જ ભસ્મ, છાણા, લાકડા મંદિરે આપી જાય છે. દ. ગુજરાતનું આ લગભગ એક જ મંદિર છે જ્યાં શ્રાવણ મહિનામા ભસ્મ આરતી થાય છે. ભકતોની આસ્થા અને ઈચ્છાનું માન રાખીને શરૂ કરવામાં આવેલી આ પરંપરા વર્ષો જુની છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.